Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સૌરાષ્ટ્રમાં મેઘાડમર : ભાવનગરમાં ર કલાકમાં ર ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સવારથી મેઘાવી માહોલ વચ્ચે મેઘરાજા મહેરબાનઃ ઉમરાળા, તળાજા, પાલીતાણા, જાફરાબાદમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ : ગોડલમાં બપોરથી ધોધમાર વરસાદ

પડધરી : શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. (તસ્વીર : મનમોહન બગડાઇ)

રાજકોટ, તા. ર૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગઇકાલે મોડી રાત્રીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. અનેક જગ્યાએ ભારે વરસાદ વરસતા પાણી-પાણી થઇ ગયું છે. આજે બપોરે રાજકોટમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે.

આજે સવારના ૧૦ થી બપોરના ૧ર વાગ્યા દરમિયાન ભાવનગરમાં ર કલાકમાં ર ઇંચ વરસાદ પડ્યો છે. જયારે પાલીતાણા, સિંહોર, ઉમરાળા અને તળાજામાં ૧ ઇંચ વરસાદ પડ્યો છે. જયારે ગારીયાધાર, ધોધા, જસર, મહુવા અને વલ્લભીપુરમાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ વરસ્યો છે.

અમરેલી જીલ્લાના જાફરાબાદમાં ર કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે અમરેલી, ખાંભા, ધારી, બગસરા, લાઠી અને સાવરકુંડલામાં ઝાપટા પડ્યા છે.

બોટાદ જીલ્લાના રાણપુર અને ગઢડામાં અડધો ઇંચ તથા બરવાળા અને બોટાદ શહેરમાં ઝાપટા પડ્યા છે.

જામનગર અને જીલ્લામાં બપોરના ૧ર વાગ્યા સુધી વરસાદ નોધાયો નથી.

સુરેન્દ્રનગર જીલ્લામાં વઢવાણમાં અડધો ઇંચ તથા લીંબડી અને સાયલામાં વરસાદી ઝાપટા પડ્યા છે.

જુનાગઢ જીલ્લાના મેદરડા, માંગરોળ, માણાવદર અને માળીયાહાટીનામાં ઝાપટા વરસ્યા છે. 

પડધરીના પ્રતિનિધિ મનમોહન બગડાઇના અહેવાલમાં જણાવાયુ છે કે બપોર ૧ર-૩૦ વાગ્યાથી પડધરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્ના છે.

ગોડલના પ્રતિનિધિ ભાવેશ ભોજાણીના અહેવાલમાં જણાવાયું છે કે આજે બપોરે ગોડલમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

(1:14 pm IST)