Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વડિયામાં મેઘરાજાની જોરદાર ઇનિંગ : ૩ ઇંચ વરસાદથી સુરવો ડેમ છલકાયો : ત્રણ દરવાજા ૨ ફુટ ખોલાયા

સુરવો નદી બે કાંઠે વહી, લોકોમાં હરખની હેલી

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા,તા. ૨૯: અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં મધ્યરાત્રીથી મેઘરાજાએ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસાવતા રાત્રીના કુલ ૩ઇંચ  જેટલો વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે વડિયા વિસ્તારના લોકોની જીવાદોરી સમાન વડિયા ગામની મધ્યમાંથી પસાર થતી સુરવો નદી પર આવેલો સુરવો ડેમ ઓવર ફ્લો થયો હતો.

વડિયા મામલતદાર ઓફિસના ફ્લડ કંટ્રોલ વિભાગના જણાવ્યા અનુસાર રાત્રીના ૩:૩૦ આસપાસ ડેમ માં પાણીની આવક વધતા ડેમ પૂર્ણ સપાટી પર ભરાતા વડિયા ગ્રામપંચાયત અને વડિયા ફ્લડ કંટ્રોલ દ્વારા નદી કાંઠે આવેલા નીચાણ વાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુરવો નદી કિનારે આવેલા જેતપુર તાલુકાના ગામડાઓ ચારણીયા, ચારણ સમઢીયાળા, થાણાગાલોલ માટે જેતપુર વહીવટી તંત્રને જાણ કરાઈ એલર્ટ કરવા અને નદીના પટમાં ન જવા સૂચના અપાઈ હતી. વડિયા વિસ્તારના લોકોની જીવાદોરી સમાન સુરવો ડેમ ઓવર ફ્લો થતા ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવતા સુરવો નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી.

ગામ લોકો પણ વહેલી સવારથી નદીના સ્નેહલ બ્રિજ પરથી વહેતી નદીનો નજારો જોવા ઉમટ્યા હતા. સારા વરસાદથી સુરવો ડેમ ભરાતા સ્થાનિક લોકો અને ખેડૂતોની પાણીની સમસ્યાનો અંત આવતા હરખની હેલી જોવા મળી હતી. નીચાણ વાળા વિસ્તારને એલર્ટ કરવામાં સ્થાનિક મામલતદાર ડોડીયા, નાયબ મામલતદાર પટોડિયા, રાહુલભાઈ, સ્થાનિક ઉપસરપંચ છગનભાઇ સહીતના લોકોએ મધ્યરાત્રીથી સવાર સુધી જહેમત ઉઠાવી અને લોકોને સતર્ક કર્યા હતા. 

(3:44 pm IST)