Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ટંકારાની ડેમી નદીમાં બાઈક તણાયુ : પુરના પ્રવાહમાં બાઈક નાખવાનું જોખમ ખેડનાર યુવાનનો જીવ માંડ બચ્યો

ડેમી – 1 જળાશયમાં પાણીની ધીંગી આવકથી અમરાપર – ટોળ – ટંકારા વચ્ચેનો માર્ગ બંધ: ઉંચો પુલ બાંધવાની ગ્રામજનોની વ્યાજબી માંગ સ્વીકારવા ફરી એકવાર માંગ ઉઠાવી

ટંકારા : ટંકારા પંથકમાં અને ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે ડેમી નદીમાં પુર ઘૂઘવાટા મારી રહ્યું છે ત્યારે આજે પુરના પ્રવાહમાં બાઈક નાખવાનું જોખમ ખેડનાર યુવાનનો જીવ માંડ બચ્યો હતો. જો કે આ યુવાનનું બાઈક પુરના પ્રવાહમાં તણાઈ ગયું હતું.

ટંકારા અને અમરાપર – ટોળને જોડતા માર્ગ ઉપર ટંકારાની ભાગોળે ડેમી નદીનો બેઠો પુલ બનાવવામાં આવ્યો છે. છેલ્લા 25 વર્ષથી આ પુલ જોખમી બન્યો છે અને વરસાદના સમયે ડેમી નદીમાં પુર આવ્યા બાદ બબ્બે દિવસ સુધી પુરના પાણી ઓસરતા ન હોય ટંકારાથી અમરાપર વચ્ચેનો માર્ગ સદંતર પણે બંધ થઈ જાય છે.

આજે પણ આવી જ સ્થિતિ વચ્ચે ડેમી -1માંથી ઓવરફ્લો થઈ રહેલા પ્રવાહને કારણે ડેમી નદી ઘૂઘવાટા મારતી વહેવા લાગી છે અને બપોરના સમયે અમરાપર તરફથી આવતા એક બાઈક ચાલકે પુરના પ્રવાહમાં બેઠા પુલ ઉપર બાઈક પસાર કરવાનું જોખમ કરતા બાઈક પાણીમાં તણાઈ ગયું હતું. જો કે, સદનસીબે આ યુવાનનો જીવ બચી ગયો હતો.

આ સંજોગોમાં છેલ્લા 25 વર્ષથી ટંકારા – અમરાપર વચ્ચે ઉંચો પુલ બાંધવા માંગણી કરી રહેલા ગ્રામજનોની વ્યાજબી માંગ સ્વીકારવા ફરી એકવાર ગ્રામજનોએ માંગ ઉઠાવી છે.(તસવીર - અહેવાલ : જયેશ ભટાસણા-ટંકારા)

(7:02 pm IST)