Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

વડાપ્રધાન મોદી બોટાદને આપશે સિવેજ ટ્રીટ્રમેન્ટ પ્લાન્ટની ભેટ : રોજનું 3 કરોડ 20 લાખ લીટર પાણીનું શુદ્ધિકરણ થશે

પીએમ મોદી બોટાદ જિલ્લાનાં લોકોને પાણીની સુવિધા આપવા વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન મોદી બોટાદ  જિલ્લા સહિત રાજ્યભરનાં લોકોને અનેક યોજનાઓ થકી લાભાન્વિત કરી રહ્યાં છે. આગામી સમયમાં બોટાદ જિલ્લાનાં લોકોને મળતી પાણીની સુવિધા વધુ સુદ્રઢ બને તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રૂ. 42.72 કરોડ ખર્ચે બોટાદવાસીઓને સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ભેટ મળશે. બોટાદ ખાતે 32 એમ.એલ.ડી.ની ક્ષમતા સહિતનાં આ પ્લાન્ટનાં લોકાર્પણ થકી દૈનિક 3 કરોડ 20 લાખ લિટર પાણી ટ્રીટ કરી શકાશે.

આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન  મોદી બોટાદ જિલ્લાના લોકોને સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ભેટ આપશે. બોટાદ જિલ્લાનાં લોકોને પાણીની સુવિધા આપવા પીએમ મોદી વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમૃત યોજના હેઠળ બોટાદ શહેર માટે 42.72 કરોડના ખર્ચ બનેલા 32 MLD ક્ષમતાના સિવેજ ટ્રીટ્રમેન્ટ પ્લાન્ટનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરશે. આ પ્લાન્ટની મદદથી દૈનિક 3 કરોડ 20 લાખ લીટર પાણીનું શુદ્ધિકરણ કરી શકાશે. જે પૈકી હાલમાં 1 કરોડ 20 લાખ જેટલું પાણીનું શુદ્ધિકરણ થશે. શહેરી વિકાસ વિભાગના આ પ્રોજેક્ટનું અમલીકરણ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ યોજનાથી બોટાદના તમામ વિસ્તારોનું ગટરનું પાણી સાળંગપુર રોડ પર સિવેજ ટ્રીટમેન્ટ ખાતે પહોંચશે. અહીં શહેરમાંથી આવેલા ગટરના પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવશે. આ ટ્રીટ થયેલા પાણીના કારણે વાતાવરણ અને ભૂગર્ભજળ બંનેમાં પ્રદુષણનું સ્તર ઘટશે. જેનો લાભ બોટાદના 1.54 લાખથી વધુ લોકોને મળશે. આ પ્રોજેક્ટ થકી બોટાદ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં બાગ-બગીચા, મિશન ગ્રીન પ્રોજેક્ટ સહિત ભવિષ્યમાં ઈન્ડસ્ટ્રીઝ તેમજ ખેતીને પણ જરૂરિયાત મુજબ પાણી પુરૂ પાડવામાં આવશે. આ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સેકન્ડરી સ્ટેજ સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવશે. ત્યારબાદ પાણીને ક્લોરિનની મદદથી ડિસઈન્ફેક્ટ કરાશે.

(11:26 pm IST)