Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

અધિકારીઓની સંવેદના ! નાગરિકને હાર્ટએટેકે આવતા પ્રાંત અધિકારીની ગાડી એમ્બ્યુલન્સ બની.

મોરબીના આંદરણા ગામે સાંસદ આદર્શ ગ્રામ યોજનાના કાર્યક્રમમાં મામલતદાર અને પ્રાંત અધિકારીએ દાખવી સંવેદના: અચાનક છાતીનો દુખાવો ઉપડ્યા બાદ 108ને આવતા વાર લાગે એમ હોય દર્દીનો જીવ બચાવવા અધિકારીએ પોતાની ગાડીમાં હોસ્પિટલમાં ખસેડયા

 મોરબીના આંદરણા ગામે સાંસદ આદર્શ ગ્રામ યોજનાના કાર્યક્રમમાં તંત્રની ખરા અર્થમાં સંવેદના સામે આવી હતી. આ બેઠક દરમિયાન ગામના એક વડીલને છાતીમાં અચાનક દુખાવો ઉપડતા હાર્ટ એટકેથી તેમની પરિસ્થિતિ ગંભીર બની હોય અને સામે 108 એમ્બ્યુલન્સને આવતા વાર લાગે તેમ હોવાથી તાત્કાલિક પોતાની ગાડીમાં આ વડીલને હોસ્પિટલમાં ખસેડી મામલતદાર અને પ્રાંત અધિકારીએ ખરા અર્થમાં માનવતા અંખડ રાખી હતી.
મોરબી તાલુકા મામલતદાર નિખિલભાઈ મહેતાના જણાવ્યા મુજબ મોરબીના આંદરણા ગામે સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓની ગામની પ્રાથમિક શાળામાં ગામલોકો સાથે બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન ગામના વડીલ દિલીપ મહારાજ શાસ્ત્રીને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને આચકી ચાલુ થઈ જતા બેઠકમાં હાજર ગામના આરોગ્યના સ્ટાફે પ્રાથમિક ઉપચાર કર્યો હતો.
પરંતુ આ વડીલને બ્લડ પ્રેશર વધી જતું હોય એટેક જેવી સ્થિતિમાં તાકીદે સર્જનની સારવારની જરૂર હોવાથી હોસ્પિટલમાં ખસેડવા માટે 108ને જાણ કરી હતી. પણ આ એમ્બ્યુલન્સને મોરબીથી આંદરણા પહોંચતા ઘણી વાર લાગે એમ હોવાથી ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને પ્રાંત અધિકારીએ તાકીદે પોતાના સરકારી વાહનમાં દર્દીને સારવાર અર્થે ખસેડયા હતા. જો કે મોરબી નજીક મહેન્દ્રનગર ચોકડીએ 108નો ભેટો થઈ થઈ જતા એમા દર્દીને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આમ અણીના સમયે અધિકારીની સંવેદનાને કારણે એક નાગરિકનો જીવ બચી ગયો હતો.

(11:28 pm IST)