Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સાણથલી સહકારી મંડળીએ ૨૫ ટકા ડિવિડન્‍ડ જાહેર કર્યું

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ડિવિડન્‍ડ આપનાર મંડળી બની

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૨૯ :  તાલુકાના સાણથલી ગામે આવેલી સહકારી મંડળીએ તાજેતરમાં ૨૫ ટકા ડિવિડન્‍ડ જાહેર કર્યું છે.  આટલા મોટા પ્રમાણમાં ડિવિડન્‍ડ જાહેર કરનાર સાણથલી જૂથ સેવા સહકારી મંડળી સમગ્ર ગુજરાતની સૌપ્રથમ મંડળી બની છે.

સાણથલી જૂથ સેવા સહકારી મંડળીની ૬૬ મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ કો ઓપરેટિવ બેન્‍કના ચેરમેન જયેશભાઈ રાદડિયાના અધ્‍યક્ષ સ્‍થાને મળી હતી.  મંડળીના કુલ ૨૩૦૦ સભ્‍યો માટે ૨૫ ટકા ડિવિડન્‍ડ જાહેર કરવામાં આવ્‍યું હતું. જે સમગ્ર ગુજરાતમાં દાખલા રૂપ છે. મંડળીના સભ્‍યોને ડિવિડન્‍ડ પેટે કુલ ૩૬ લાખ રૂપિયાની રકમ ચૂકવવામાં આવશે. આ મંડળી ટૂંકી અને મધ્‍યમ મુદત નાં  કુલ ૪૨  કરોડ રૂપિયાનું ધિરાણ તેમજ ૯૯.૯૯ ટકા વસુલાત સાથે સતત ઓડિટ વર્ગ  ‘અ'  ધરાવે છે. જસદણ પંથકના સહકારી ક્ષેત્રના ખૂબ જ ઊંડા અભ્‍યાસુ - તજજ્ઞ સહકારી અગ્રણી અરવિંદભાઈ ધનજીભાઈ તાગડિયા છેલ્લા  ૩૮ વર્ષથી આ મંડળીના પ્રમુખ પદે ખેડૂતોના હિતમાં શ્રેષ્ઠ સંચાલન કરી રહ્યા છે. આ મંડળી સાણથલી, ડોડીયાળા, મેઘપર, પ્રતાપપુર અને વેરાવળ (સા) એમ કુલ છ ગામોના કાર્યક્ષેત્રમાં કામગીરી કરે છે. આગામી દિવસોમાં સભ્‍યોને ડિવિડન્‍ડ આપવાની કામગીરી અંતિમ મુજબ હાથ ધરવામાં આવશે. મંડળીની વાર્ષિક સાધારણ સભામાં રાજકોટ ડિસ્‍ટ્રીક કો ઓપરેટિંગ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા તથા મંડળીના પ્રમુખ અરવિંદભાઈ તાગડીયાએ  પ્રાસંગિક  પ્રવચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હર્ષદભાઈ કાકડીયાએ કર્યું હતું.

(11:42 am IST)