Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

મોરબીના કેરાળી પાસે આધેડને મોતને ઘાટ ઉતારી લાશ સળગાવી દેવાઇ

હત્‍યારાઓએ ઓળખ ન મળે તે માટે લાશ સળગાવી દિધી : અજાણ્‍યા આધેડની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૯ : મોરબી જિલ્લા જાણે હત્‍યારા પોલીસને પડકાર ફેંકતા હોય તેમᅠᅠકેરાળી ગામના પાટીયા નજીક એક આધેડનો સળગતો મૃતદેહ મળી આવ્‍યો હતો. તેના પીએમ રિપોર્ટમાં માથામાં બોથડ પદાર્થ ઝીંકી હત્‍યાબાદ મૃતદેહને સળગાવી નાખી હોવાનો ખુલાસો થયો છે જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે હત્‍યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર એક જાગૃત નાગરિક દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી કે,બગથળા પાસે આવેલ આમરણ રોડ નજીક કેરાળી ગામના પાટીયાથી અડધો કીમી આમરણ તરફ રોડની ડાબી સાઇડ પર સળગતી હાલતમાં એક મૃતદેહ પડ્‍યો છે. જેથી મોરબી તાલુકા પોલીસનો કાફલો તુરંત ઘટના સ્‍થળે પહોંચ્‍યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્‍યું હતું કે,મૃતદેહના મુખ અને મસ્‍તિષ્‍કમાં કાપડ વીંટ્‍યું હતું અને મૃતદેહની તપાસ કરતા જમણા પડખાના ભાગે કોઇ ધારદાર હથીયાર વડે ઇજા કરેલી હોવાનું સામે આવ્‍યું હતું. આગનો ભોગ બનતા મૃતદેહ પરના કોઇ નિશાન કે ચહેરો ઓળખી શકાય તેમ ન હોય પરંતુ મૃતદેહ કોઈᅠᅠપુરૂષનો હોવાનું સામે આવ્‍યું હતું. પોલીસે પ્રાથમિક તપાસમાં હત્‍યાની આશંકા વ્‍યક્‍ત કરી હતી અને મોરબી તાલુકા પોલીસ દ્વારા મૃતદેહને પ્રથમ મોરબી સરકારી હોસ્‍પીટલ ખાતે ખસેડવામાં આવ્‍યો હતો. જયાંથી સચોટ નિષ્‍કર્ષ મેળવવા પી.ડી.યુ.મેડીકલ કોલેજ રાજકોટ ખાતે મૃતદેહને ફોરેન્‍સીક એક્‍સપર્ટ પાસે મોકલવામાં આવ્‍યો હતો.

મૃતદેહનો પોસ્‍ટમોર્ટમ થયા બાદ એવું સામે આવ્‍યું હતું કે,ᅠઆરોપીએ આશરે ૪૦ થી ૫૦ વર્ષની ઉમરના મરણજનાર અજાણ્‍યા પુરૂષને કોઇપણ કારણોસર માથામાં સખત બોથળ પદાર્થ વડે ઇજા કરી મોત નિપજાવી પુરાવાનો નાશ કરવા લાશને કેરાળી ગામના પાટીયાથી અડધો કીમી દુર આમરણ તરફ રોડની ડાબી સાઇડમાં ફેકી સળગાવી દીધી હતી.હાલ પોલીસે આઇ.પી.સી.કલમ-૩૦૨,૨૦૧ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(11:50 am IST)