Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

સંવેદનનશીલ ગોંડલમાં વિશેષ પોલીસ બંદોબસ્‍ત જીલ્લામાં ૬૫૦૦ સુરક્ષાકર્મીઓનો કાફલો તૈનાત

પરમ દિવસે યોજાનાર વિધાનસભાની ચુંટણીમાં રેન્‍જ ડીઆઇજી અશોકકુમાર યાદવ તથા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ગોંડલ, જસદણ, જેતપુર અને ધોરાજીમાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો : અનિચ્‍છનીય બનાવ બને તો સ્‍ટ્રાઇકીંગ ફોર્સ તુર્ત જ દોડી જશેઃ જીલ્લામાં ૭ :સ્‍ટ્રાઇકીંગ ફોર્સ ખડેપગેઃ ગોંડલમાં ૧ ડીવાયએસપી, એલસીબી તથા એસઓજીનો :કાફલો તૈનાત : મતદારો નિર્ભિકપણે મતદાન કરે : એસપી જયપાલસિંહ રાઠોડ

રાજકોટ, તા., ૨૯: સૌરાષ્‍ટ્રમાં પ્રથમ તબક્કાની વિધાનસભાની ૧ લી ડિેસેમ્‍બરે યોજાનાર ચુંટણી નિર્ભીક અને શાંતિપુર્ણ રીતે યોજાય તે માટે રાજકોટ જીલ્લાની ૪ બેઠકોમાં જડબેસલાક પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો છે. ખાસ કરીને ગોંડલમાં વિશેષ પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે.

આગામી તા. ૧ ડિસેમ્‍બરે રાજકોટ જીલ્લાના ગોંડલ, જેતપુર, ઉપલેટા તથા જસદણ વિધાનસભા બેઠકની યોજાનાર ચુંટણીમાં રેન્‍જ ડીઆઇજી અશોકકુમાર યાદવ તથા એસપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ૬૫૦૦નો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્‍યો છે. જીલ્લામાં પ ડીવાયએસપી,  ૧૬ પીઆઇ, ૪૭ પીએસઆઇ, ૮૭૦ જીલ્લાની પોલીસ, અન્‍ય જીલ્લાની ૭૧૩ પોલીસ, હોમગાર્ડ અને જીઆરડી ૧૭૩૬ મળી કુલ ૩૩૧૯ અને સીઆરપીએફની ૨૮ કંપની તથા એસઆરપીની એક પ્‍લાટુન મળી કુલ ૬૫૦૦ સુરક્ષાકર્મીનો કાફલો ખડેપગે રહેશે.

એસપી જયપાલસિંહ રાઠોડે જણાવ્‍યું હતું કે ગોંડલની બેઠક સંવેદનશીલ હોય ત્‍યાં વિશેષ બંદોબસ્‍ત ગોઠવાયો છે. ૧ ડીવાયએસપી લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ સ્‍પેશ્‍યલ ઓપરેશન ગૃપ અને સીનીયર આઇપીએસનો કેમ્‍પ ગોંડલમાં જ રહેશે. તેમજ ગોંડલ શહેર અને તાલુકામાં લશ્‍કરી અને અર્ધ લશ્‍કરી દળો ખડકી દેવાયા છે.

જીલ્લામાં મતદાન સમયે કોઇ અનિચ્‍છનીય બનાવ બને તો સ્‍ટ્રાઇકીંગ ફોર્સ તુર્ત જ દોડી જશે. જીલ્લામાં ૭ સ્‍ટ્રાઇકીંગ ફોર્સ તૈનાત રહેશે. લોકોને નિર્ભિકપણે મતદાન કરવા એસપી જયપાલસિંહ રાઠોડે અંતમાં જણાવ્‍યું હતું.

દરમિયાન વિધાનસભા ચુંટણી પુર્વે રાજકોટ જીલ્લામાં ૧૪૦૦૦થી વધુ શખ્‍સો સામે અટકાયતી પગલા લેવાયા હતા. જેમાં સીઆરપીસીની કલમ ૧૦૭ હેઠળ ૧૮૭૨, કલમ ૧૦૯ હેઠળ ૧૦૧૫, કલમ ૧૧૦ હેઠળ ૧૦,૧૮૩, પ્રોહી. ૯૩ હેઠળ ૯૮૭ શખ્‍સો સામે અટકાયતી પગલા લેવાયા છે. તેમજ ૧૨૧ શખ્‍સોને તડીપાર અને ૫૩ શખ્‍સોને પાસા તળે જેલમાં ધકેલી દેવાયા છે. ૧૧ વોન્‍ટેડ આરોપીઓને દબોચી લેવાયા છે. પ્રોહીબીશનના ૪૩૫, જુગારના ૭૦ અને એનડીપીએસના ર કેસો કરવામાં આવ્‍યા છે.

(11:42 am IST)