Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ગોંડલ બેઠક ઉપર રાજકીય પક્ષોનાં એકબીજા સામે આક્ષેપો - કટાક્ષો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા. ૨૯ : ગોંડલની ચુંટણી સંવેદનશીલ ગણાય છે.ભાજપ ની ટીકીટ ના મુદે  પુર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજા તથા રીબડા જુથ  વચ્‍ચે ઉગ્ર ચર્ચા બાદ વર્તમાન ધારાસભ્‍ય અને જયરાજસિહના પત્‍નિ ગીતાબાને  ભાજપે ટીકીટ આપતા હાલ આ બન્ને બળુકા જુથનુ યુધ્‍ધ શાંત પડયુ છે.પણ ચુંટણી સભાઓમા આક્ષેપોનું યુધ્‍ધ હાલ પરાકાષ્ઠા પર છે.વ્‍યંગ અને કટાક્ષની ભરમાર સાથે કોંગ્રેસ તથા ભાજપની સભાઓમા થતા ભાષણો લોકોને મનોરંજન પુરુ પાડતા હોય તમામ સભાઓ ભરચક જઇ રહી છે. આમ કોંગ્રેસ કે ભાજપની સભાઓમાં લોકો ઉમટી પડે છે.

કોંગ્રેસના ઉમેદવાર યતિષભાઈ દેસાઈ દ્વારા જયરાજસિહ તથા તેના પરીવારને ગુંડા દર્શાવાઇ રહ્યા છે. જયરાજસિહના કમાન્‍ડો અંગે યતિષભાઈ દેસાઈના વ્‍યંગબાણ  લોકોને મનોરંજન આપી રહયા છે.યતિષભાઈ દ્વારા ભાજપના સ્‍ટાર વક્‍તા રાજેન્‍દ્રસિંહ જાડેજાને ઝુમરીતલૈયા તરીકે સંબોધાયા હોય લોકો આનંદ માણી રહ્યા છે. બીજી બાજુ ભાજપના જયરાજસિહ જાડેજા દ્વારા કોઈને નહી છોડુ તેવુ ખુલ્લુ બોલાઈ રહ્યુ છે.તેઓ દવારા બિલાડી ઉંદરની વાત દ્વારા લોકોનું મનોરંજન અપાઇ રહ્યુ છે. જયરાજસિહ તેમના ભાષણ મા હાસ્‍ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના જોક્‍સ પણ ટાંકી રહ્યા છે. તો રાજેન્‍દ્રસિંહ દ્વારા જવાબમાં યતિષભાઈ દેસાઈને તિતિઘોડાની ઉપમા આપી મિલ્‍કતો પચાવી પાડવાના આક્ષેપ કરાઇ રહ્યા છે. મહત્‍વની વાત એ કહેવાય કે જયરાજસિહના દબંગ ભાષણોના વિડીયો શહેર તાલુકામાં ખાસ્‍સા પોપ્‍યુલર બન્‍યા છે.

હાલ એક માત્ર ભાજપના કેન્‍દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની સ્‍ટાર પ્રચારક તરીકે ગુંદાળા રોડ પર સભા યોજાઇ છે. પ્રચાર કે સભા બાબતે કોંગ્રેસ અને ભાજપ લગોલગ દોડી રહ્યા છે.જ્‍યારે આમ આદમી પાર્ટી મા સાવ ટાઢોડુ જણાઇ રહ્યુ હોય તેમ હજુ સુધી કોઈ સભા લેવાઇ નથી.આપ દ્વારા ઉડીને આંખે વળગે તે પ્રકારનો પ્રચાર પણ જોવા મળતો નથી

(11:48 am IST)