Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

જુનાગઢમાં મતદાનના દિવસે કડક પોલીસ બંદોબસ્‍ત :૬૦૦૦થી વધુ પોલીસ કર્મીઓ અને ર૬ સીઆરપીએફ કંપની તૈનાત

અત્‍યાર સુધીમાં ૬૦૦૦ થી વધુ શખ્‍સો સામે અટકાયતી પગલા લેવાયા : ર૪ ને પાસામાં અને ૭૦ શખ્‍સોને તડીપાર કર્યા : ૨૦ ચેકપોસ્‍ટો પર સઘન ચેકીંગ : રેન્‍જ આઇજીપી મયંકસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ એસપી રવિ તેજાવાસમ શેટ્ટી દ્વારા સજ્જડ બંદોબસ્‍ત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૨૯: જુનાગઢ જીલ્લામાં ગુરૂવારે મતદાનના દિવસે મતદારો ભયમુકત નિર્ભય બની મુકત વાતાવરણમાં મતદાન કરી શકે અને શાંતિપુર્ણ માહોલમાં લોકશાહી પર્વમાં સહભાગી થઇ ફરજ અદા કરે તે માટે પોલીસ તંત્ર દ્વારા સજ્જડ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે.

જુનાગઢ રેન્‍જ આઇજીપી શ્રી મયંકસિંહ ચાવડાની સુચના અને એસપી રવિ તેજાવાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢના ડીવાયએસપી શ્રી હિતેષ ધાંધલ્‍યા તેમજ કેશોદના ડીવાયએસ પી. બી. સી. ઠકકર અને માંગરોળ ડીવાયએસ પી. ડી. વી. કોડિયાતર તેમજ એલસીબી પીઆઇ જીતેન્‍દ્રસિંહ સિંધવ એસઓજીના પી. આઇ. એ. એમ. ગોહીલ પીએસઆઇ જે. જે. ગઢવી સહિતના પોલીસ અધિકારીઓની ટીમો રાઉન્‍ડ ધ કલોક બંદોબસ્‍ત ગોઠવવામાં આવેલ છે.

એસપી શ્રી રવિતેજા વાસમ શેટ્ટીએ જણાવ્‍યું હતું કે મતદાનના દિવસે પાંચેય વિધાનસભા મત વિસ્‍તારમાં ૬૦૦૦ થી વધુ પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવશે તેમજ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો સહિત અન્‍ય બુથો ઉપર સીઆરપીએફ પેરામીલ્‍ટ્રી ફોર્સની ર૬ કંપની તૈનાત રહેશે જેમાં એક કંપનીમાં ર૬ સ્‍ટાફ રહેશે તેમજ જીલ્લામાં ર૦ ચેક પોસ્‍ટ ઉપર રાઉન્‍ડ કલોક ત્રણ શિફટમાં પોલીસ  બંદોબસ્‍ત મુકાયો છે.

અત્‍યાર સુધીમાં જિલ્લામાં ૪૦ શખ્‍સો સામે પાસાની પ્રપોઝલ મુકાયા હતી. જેમાંથી ર૪ મંજૂર થયેલ અને ૭૦ શખ્‍સોને તડીપાર કર્યા છે. અને ૬૦૦ શખ્‍સો સામે અટકાયતી પગલા લેવામાં આવ્‍યા છે અને તમામ પરિસ્‍થિતિ ઉપર પોલીસની બાઝ રહેશે.

(1:08 pm IST)