Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

૨૭ - ૨૭ વરહ કમળનું બટન દબાવ્યું એને તો સસ્તુ મળવું જોઇએ કે નહી ? પરેશ ધાનાણીના ચાબખા

 

રાજકોટ તા. ૨૯ : અમરેલીના ફૂલારા ચોક, બહારપરા ખાતે અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત ૯૫-અમરેલી, કુંકાવાવ, વડિયા વિધાનસભાના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણીના સમર્થનમાં જનસભા યોજાઇ હતી.

જેમાં મશહુર શાયર, રાજ્યસભાના સાંસદ અને અખિલ ભારતીય માઇનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઇમરાનભાઇ પ્રતાપગઢી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ તેક અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર અને વિધાનસભા વિરોધપક્ષના પૂર્વ નેતા તથા વિધાનસભા ચૂંટણીના આ વખતના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણી છેલ્લા ઘણા દિવસોથી જાહેરસભાઓ ગજવી રહ્યા છે અને ભાજપ સરકાર ઉપર પ્રહારો કરી રહ્યા છે.

આ જાહેરસભામાં પરેશભાઇ ધાનાણી મોંઘવારી વિશે સરકાર સામે પ્રહારો કર્યા હતા. જેનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

જેમાં ધાનાણી કહે છે, ૯ ટકાથી ૯૦ ટકાને બિવડાવ્યા અને સોએ સો ટકાના ખિસ્સા કાપી લીધા છે.

આ ઇમરાનભાઇને ગેસનો બાટલો ૧૧૨૦માં મળે તો વાંધો નહી પણ આ પરેશભાઇના ઘરે તો પાંચસોમાં આવવો જોઇએ કે નહીં...

આ ઇમરાનભાઇને પેટ્રોલ પંપે લિટરના સો દેવા પડે તો વાંધો નહી કદાચ એણે ભુલ કરી હશે. સંવિધાનને બચાવવા હાથને સાથ દીધો હશે. પણ ભડના દિકરા કે જેણે આંખ્યુ વિચીને ૨૭-૨૭ વર્ષ કમળના બટન દબાવ્યા એને તો ૫૦માં લિટર પેટ્રોલ મળવું જોઇએ કે નહીં.

મારા મુઠીભર ભાઇઓએ કદાચ ભુલ કરી હશે કે એના છોકરાને નિશાળમાં મુકવા જાય... સરકારી નિશાળો બંધ થાય અને ફી માફિયાઓ ૨૫-૫૦ હજાર લાખ લૂંટી જાય બાપ... મારા મુઠીભર મિત્રોએ કદાચ ભુલ કરી હશે. તો તેને લાખ ભરવા પડે તો વાંધો નહી પરંતુ આંખુ વિચીને ૨૭-૨૭ વરહ કમળનું બટન દબાવ્યું એના છોકરાઓને મફતમાં નિશાળ મળવી જોઇએ કે નહી ?

પરેશભાઇ ધાનાણી કહે છે કે મુઠીભર માણસોએ ભુલ કરી તેના ઘરે ૨ અઢી હજાર લાઇટ બિલ આવે તો વાંધો નહી પણ જેણે આંખુ વિચીને ૨૭-૨૭ વરહ કમળનું બટન દબાવ્યું એની ત્યાં તો બસ્સોમાં પતી જવું જોઇએ કે નહીં ?

૨૭-૨૭ વરહ થયા... એમાં ૯ ટકા લોકોએ કોંગ્રેસને આશિર્વાદ આપ્યા, હાથને સાથ આપ્યો તેનાથી કદાચ ભુલ થઇ ગઇ હશે. મારા બાપ... એને બસની ટિકિટના ૫૦ ચુકવવા પડે તો વાંધો નહી પણ આંખ્યુ વિચીને બટન દબાવ્યા તેને રૂા. ૫ માં અમરેલીથી લાઠી જઇ જવા જોઇએ નહી?

સવાલ છે ૯ ટકાથી ૯૦ ટકા લોકોને ભડકાવ્યા અને સો એ સો ટકા લોકોના ખીસ્સા કાપી લીધા ખીસ્સા...

સત્તાના મદમાં ભાજપ લોકોને અન્યાય કરે છે તેવો આક્ષેપ અમરેલીના કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણીએ કર્યો હતો.

(1:20 pm IST)