Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

અમરેલી પોલીસને મોટી સફળતા : ઊંચેયા ગામે રેડ કરી હિસ્ટ્રીશીટરની બે પિસ્તોલ સાથે ઝડપ્યો

અમરેલી SPની સીધી બાતમીના આધારે ઉંચેયા ગામે હિસ્ટ્રી શીટર ચંપુ ધાખડાના ઘરે દરોડા પાડતા 2 પિસ્તોલ 5 કારતુસ સાથે આરોપીની ધરપકડ કરી

  અમરેલી SPની સીધી બાતમીના આધારે ઉંચેયા ગામે હિસ્ટ્રી શીટર ચંપુ ધાખડાના ઘરે દરોડા પાડતા 2 પિસ્તોલ 5 કારતુસ સાથે આરોપીની ધરપકડ કરી છે. અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના ઉંચેયા ગામમાં રહેતો હિસ્ટ્રી શીટર ચંપુ ધાખડા પાસે ગેરકાયદેસર હથિયારો હોવાની અમરેલી એસપી હિમકર સિંહ પાસે ચોક્કસ સચોટ માહિતી હોવાને કારણે સાવરકુંડલા ડી.વાય.એસ.પી.હરેશ વોરાને સૂચના આપતા ડી.વાય.એસ.પી.હરેશ વોરા દ્વારા આરોપી ગુન્હાહિત ઇતિહાસ ધરાવતો હોવાને કારણે અલગ અલગ પોલીસની ટીમો બનાવી ઓપરેશન હાથ ધર્યું હતું. 

 

ચંપુ ધાખડાની પાસેથી ગેરકાયદેસર લાયસન્સ વગર 2 પિસ્તોલ હથિયાર અને 5 કારટીસ મળી આવતા પીપાવાવ મરીન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલમાં આ આરોપી ચંપુ ધાખડાને પોલીસ સ્ટેશન લઈ આવી તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર હથિયારો કારટીસ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરાઇ છે. ચપુ ઉપર આગાઉ રાજુલા પીપાવાવ પોલીસ મથકના ચોપડે પાંચ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે. આરોપી ગુન્હાહિત ઇતિહાસ ધરાવતો હોવાને કારણે પોલીસ દ્વારા આ તપાસ ગંભીરતાથી કરાય રહી છે અને તેમના વિરુદ્ધ ભૂતકાળમાં તેમના ઉપર મર્ડર, ધાક ધમકી, ગેર કાયદેસર હથિયાર સહિતના 5 જેટલા ગુન્હાઓ પોલીસ ચોપડે નોંધાય ચુક્યા છે.

પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના ઉંચેયા ગામના હિસ્ટ્રી શીટર ચંપુ ધાખડા પાસેથી બે ગેરકાયદેસર હથિયારો મળી આવતા પીપાવાવ આસપાસ આવેલ ઉધોગ જોન વિસ્તારમાં પણ ચકચાર મચી ગઇ હતી. મસમોટા ઉદ્યોગો હોવાને કારણે અનેક નાના મોટા મજૂરો કોન્ટ્રાક્ટરો કામ કરતા હોવાને કારણે ભયમુક્ત રીતે આ વિસ્તારમાં લોકો કામ કરે તે માટે અમરેલી એસપી દ્વારા માથાભારે અને અસામાજિક તત્વો ઉપર ખાસ વોચ રાખી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે, જેના કારણે પોલીસ સક્રિય થઈ છે.

(12:21 am IST)