Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

મોરબી : વીજચોરો સામે તંત્રની લાલ આંખ; એપ્રિલથી ડીસેમ્બર સુધીમાં ૯૧૮.૦૪ લાખના દંડ ફટકાર્યા.

ટીમોએ કુલ ૪૮,૪૩૮ કનેક્શન ચેક કર્યા જેમાં ૩૮૬૧ માં ગેરરીતી ઝડપાઈ.

મોરબી : સૌરાષ્ટ્ર કચ્છ પંથકમાં વીજચોરીનું દુષણ વધી રહ્યું છે ત્યારે પીજીવીસીએલ તંત્ર દ્વારા વિવિધ ટીમો બનાવી વીજચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી પીજીવીસીએલ ટીમે એપ્રિલ થી ડીસેમ્બર ૨૦૨૨ ના સમયગાળા દરમિયાન ૯૧૮.૦૪ લાખની વીજચોરી ઝડપી લઈને દંડનીય આકારણીના બીલ ફટકાર્યા છે

આજ રોજ મોરબી જીલ્લાની મોરબી ૧ તથા મોરબી ૨ વિભાગીય કચેરી હેઠળની ટંકારા, પીપળીયા તેમજ મોરબી શહેર ૨ પેટા વિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસરમાં એસ.આર.પી. સ્ટાફ તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ૨૬ જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા વીજ ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી જે દરમીયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી સહિતના કુલ ૪૪૧ વીજ જોડાણો ચકાસ્યા હતા જેમાં ૪૪ વીજ જોડાણોમાં જુદા જુદા પ્રકારની ગેરરીતી માલૂમ પડી હતી અને કુલ ૧૦.૬૦ લાખની દંડનીય આકારણીના બીલ ફટકારવામાં આવ્યા હતા
એપ્રિલ ૨૨ થી ડીસેમ્બર ૨૨ ના સમયગાળા દરમીયાન મોરબી મોરબી વર્તુળ કચેરી હેઠળ કુલ ૪૮,૪૩૮ વીજ જોડાણો ચકાસવામાં આવ્યા હતા જેમાંથી કુલ ૩૮૬૧ વીજ જોડાણોમાં વિવિધ ગેરરીતી બદલ કુલ રૂ ૯૧૮.૦૪  લાખની દંડનીય આકારણીના બીલ આપવામાં આવ્યા છે જયારે સમગ્ર પીજીવીસીએલ હેઠળ ઉપરોક્ત સમયગાળા દરમિયાન કુલ ૪,૯૦,૩૫૮ વીજ જોડાણો ચકાસીને કુલ ૫૭, ૮૧૫ વીજ જોડાણોમાંથી ગેરરીતી ઝડપી લઈને કુલ રૂ ૧૪૮.૨૯ કરોડના બીલ આપવામાં આવ્યા છે.

(12:34 am IST)