Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ધોરાજી જેતપુર નેશનલ હાઈવે રોડ ઉપર કારે મોટરસાયકલને હડફેટે લેતા ત્રણ ગંભીર

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨૮ : ધોરાજીના જેતપુર રોડ નેશનલ હાઈવે વછરાજ હોટલ પાસે ફોરવીલ કાર ચાલકે મોટરસાયકલને હડફેટે લેતા ત્રણ યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા.

ધોરાજીના ત્રણ મુસ્લિમ યુવાનો સાંજના સમયે પોતાના અંગત કામસર મોટરસાયકલ પર નીકળેલા હોય જ્યાં જેતપુર તરફ જતા નેશનલ હાઇવે પર હોટેલ વછરાજ પાસે આવેલા પેટ્રોલ પંપે થી નેશનલ હાઇવે પર ચડી રહ્યા હતા દરમિયાન જેતપુર તરફ જતી પુરપાટ ગતિએ કાર ચાલકે મોટરસાયકલને લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણેય યુવાનોને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ઈજા પામનાર યુવાનોમાં અલ્તાફ હનીફભાઈ આબેશોરા, સિરાજ કેસરભાઈ આબેશોરા, અને સોહેલ હનીફભાઈ આબેશોરા ત્રણેય યુવાનો રહેવાસી ધોરાજીવાળાને ગંભીર ઈજા થતાં પેટ્રોલ પંપ તેમજ વછરાજ હોટલ પાસે ઉભેલા લોકો તાત્કાલિક દોડી ગયા હતા અને ૧૦૮ ને ફોન કરી જાણ કરી હતી.

ઇજાગ્રસ્ત ત્રણે યુવાનોને તાત્કાલિક ૧૦૮ ના માધ્યમ દ્વારા ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સરકારી હોસ્પિટલ ખાતે ડોકટર પાર્થ મેઘનાદી અને ડોકટરની ટીમ દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તેમને વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા. ધોરાજી પોલીસ મથકે નોંધ કરવામાં આવતા ધોરાજી પોલીસે અકસ્માત સ્થળ પર કાર્યવાહી હાથ ધરી હતી.

(11:03 am IST)