Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

હળવદ યાર્ડમાં શેષ કૌભાંડ મામલે તે સમયના સેક્રેટરી, વાઇસ સેક્રેટરી અને કર્મચારીઓ સહિત ૭ ફરિયાદ

( દીપક જાની દ્વારા ) હળવદ,તા.૨૮ :   હળવદ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ ૨૦૧૫માં શેષ ઉઘરાવીને તેને ચાઉ કરી જવા મામલે જૂની બોડી સામે એસીબીએ આકરી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં તે સમયના સેક્રેટરી, વાઇસ સેક્રેટરી અને કર્મચારીઓ સહિત ૭ સામે એસીબીએ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ માર્કેટીંગ યાર્ડમાં ત્‍યારની બોડી દ્વારા ૧૩/૦૨/૧૫ થી તા.૨૬/૦૩/૧૫ દરમ્‍યાન ડુપ્‍લીકેટ પહોચ મારફતે માર્કેટ/ફી (શેષ) ઉઘરાવી ખોટા દસ્‍તાવેજ બનાવી પોતાની સત્તાનો તથા પોતાના રાજય સેવકના હોદાનો દુરઉપયોગ કરવામાં આવ્‍યો હતો. તેઓએ પુર્વનિયોજીત ગુન્‍હાહીત કાવતરૂ રચી એકબીજાના મેળાપીપણામાં રહી ગેરકાયદેસર રીતે રૂ.૨૩,૧૯,૭૫૪/- ની માર્કેટીંગ શેષ ઉઘરાવી માર્કેટીંગ યાર્ડમાં જમા નહી કરાવી પોતાના અંગત લાભ મેળવ્‍યો હતો.

આ કેસમાં એસીબીએ વિપુલભાઇ અરવિદભાઇ એરવાડીયા (સેક્રેટરી), અશોકભાઇ જયંતીભાઇ માતરીયા (વાઇસ સેક્રેટરી), હિતેષભાઇ કાળુભાઇ પંચાસરા (પંચારા) (કલાર્ક), નિલેષભાઇ વિનોદભાઇ દવે (કલાર્ક), પંકજભાઇ કાનજીભાઇ ગોપાણી (કલાર્ક), ભાવેશભાઇ રમેશભાઇ દલસાણીયા (કલાર્ક), અરવિંદભાઇ ભગવાનજીભાઇ રાઠોડ (કલાર્ક) સામે એસીબીએ ગુનો દાખલ કરી દીધો છે. આ કેસમાં તપાસ અઘિકારી ડી.વી.રાણા - પો.ઇન્‍સ. એ.સી.બી. સુરેન્‍દ્રનગર, સુપર વિઝન અઘિકારી- વી.કે.પંડયા મદદનીશ નિયામક એ.સી.બી રાજકોટ એકમ જોડાયા હતા.

(11:46 am IST)