Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

વિકૃત યુવકોએ કોથળામાં પુરી લાકડીથી ફટકારી ૨૫ કુતરા-ગલુડીયાને મારી નાખ્‍યાઃ વિડિયો વાયરલ

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના આજોઠા ગામમાં હેવાનીયતની હદ : વીડિયો અને તસવીરો વાયરલ થતાં પોલીસ એક્‍શનમાં આવી છેઃ બીજી તરફ એનિમલ રાઈટ્‍સ એક્‍ટિવિસ્‍ટ્‍સે તેમને કડક સજા આપવાની માગ રાજ્‍યના ગળહ મંત્રી હર્ષ સંઘવી સમક્ષ કરી છે

રાજકોટઃ ગુજરાતના સોમનાથ જિલ્લાના એક ગામમાં રસ્‍તે રખડતાં ઓછામાં ઓછા ૨૫ શ્વાન અને ગલુડિયાઓને લોકો દ્વારા કથિત રીતે માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્‍યા હોવાનું ધ્‍યાનમાં આવતાં એનિમલ રાઈટ્‍સ એક્‍ટિવિસ્‍ટ્‍સમાં રોષ ફેલાયો છે. મૂંગા જીવ સાથે આ ગુનો થોડા દિવસ પહેલા વેરાવળ તાલુકાના આજોઠા ગામમાં આચરવામાં આવ્‍યો હતો. ક્રૂરતાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. એનિમલ વેલ્‍ફર બોર્ડે રાજ્‍યના ગળહમંત્રી હર્ષ સંઘવીને પણ આ કળત્‍યમાં સામેલ શખ્‍સો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરતી રજૂઆત કરી છે.

મળેલી માહિતી પ્રમાણે, ગામમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને સ્‍થાનિકોએ સ્‍વસ્‍છતા અભિયાન હાથ ધર્યું હતું. વાયરલ થયેલા વીડિયો પરથી તે સ્‍પષ્ટ થતું હતું કે, ગામના લોકોએ કૂતરાઓને શોધ્‍યા હતા અને લાકડીથી ફટકારતાં તેમના મોત થયા હતા. કેટલાક કૂતરાને બોરીમાં ભરીને માર મારવામાં આવ્‍યો હતો. પીડાના કારણે કૂતરાઓનો રડવાનો અવાજ પણ વીડિયોમાં સંભળાતો હતો.

રાજ્‍યના એનિમલ વેલ્‍ફેર બોર્ડના સભ્‍ય રાજેન્‍દ્ર શાહે ગીર સોમનાથના સુપ્રીટેન્‍ડેન્‍ટ ઓફ પોલીસ અને જિલ્લા કલેક્‍ટરને પત્ર લખીને જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી હતી. અમારા સહયોગી અખબાર ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયા સાથે વાતચીત કરતાં શાહે કહ્યું હતું કે સ્‍થાનિક સત્તાધીશો દ્વારા નાના ગામડાઓમાં એનિમલ બર્થ કંટ્રોલ (ABC) પ્રોગ્રામ લાગુ કરવામાં આવતા નથી. પરિણામે, કૂતરાઓની વસ્‍તી વધી રહી છે. જો કે, તેમના પર આવી ક્રૂરતા આચરવી તે ફોજદારી ગુનો છે અને અમે ગુનેગારો સામે કાર્યવાહીની નિંદા કરીએ છીએઁ.

ગીરસોમનાથના સુપ્રીટેન્‍ડેન્‍ટ ઓફ પોલીસ મનોહરસિંહ જાડેજાએ ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયા સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે, અમે વીડિયો મળ્‍યા બાદ આ આરોપોની ચકાસણી કરવા માટે એક ટીમ મોકલી છે. અમને હજી સુધી કોઈ પુરાવા મળ્‍યા નથી અને કોઈ પણ ફરિયાદ કરવા માટે આગળ આવ્‍યું નથી. જો કૂતરાઓની સામૂહિક હત્‍યાનો અમે પુરાવો મળ્‍યો તો અમે ગુનો નોંધીશુ.

 

(11:33 am IST)