Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જિલ્લા માહિતી કચેરી જૂનાગઢનાં અશ્વિન પટેલનું કેબીનેટમંત્રી રાઘવજીભાઇનાં હસ્‍તે થયુ સન્‍માન

 જૂનાગઢ  : જિલ્લા કક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વંથલી ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્‍યનાં માહિતી વિભાગનાં મીડિયાકર્મી શ્રી અશ્વિન પટેલનું સન્‍માન પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલનાં હસ્‍તે કરવામાં આવ્‍યુ હતું. ૧૯૮૭માં ભરૂચ જિલ્લામાં થયેલ નિયુક્‍તિથી લઇને આજ દિન સુધીનાં ૩૫ વર્ષની સરકારની સેવામાં બજાવેલ ફરજનાં ભાગરૂપ વિવિધ જિલ્લાઓમાં કામગીરી દરમ્‍યાન પ્રચાલક, વિડીયોકેમેરામેન, સિનીયર સબ એડીટર જેવી જગ્‍યાઓ પર રહીને સમાચાર અને સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ જન-જન સુધી પહોચતી કરવા સદાય કાર્યરત રહ્યા છે.  તેમનાં સેવાકાળ દરમ્‍યાન કુદરતી હોનારતો, ભુકંપ જેવી કપરા સમયમાં બજાવેલ સરાહનીય કામગીરીને ધ્‍યાને લઇને જિલ્લા કલેકટર રચીત રાજ દ્વારા કર્મયોગીઓનાં સન્‍માનનાં ભાગ રૂપ મંત્રી રાઘવજીભાઇનાં હસ્‍તે બહુમાન કરવામાં આવ્‍યુ હતું. બહુમાન મળ્‍યાની ખુશી વ્‍યક્‍ત કરતા આપેલ પ્રતિભાવમાં જણાવ્‍યુ હતુ કે મને મળેલ સન્‍માન સમગ્ર મીડિયા જગતનાં  કર્મયોગીઓનું સન્‍માન છે. દિવસ-રાત અને તડકો-ટાઢ અને વરસાદમાં અંતરીયાળનાં વિસ્‍તારોમાં બનતી નવીનત્તમ બાબતો જન જન સુધી પહોંચતી કરવા સમય અને સામાજીક જવાબદારીઓને અવહેલીને નિષ્ઠાથી કામ કરવાની આ કદર છે. તેમણે રાજ્‍ય સરકાર અને જિલ્લા કલેકટર રચિત રાજ અને નાયબ માહિતી નિયામક નરેશ મહેતાનો આભાર માની માહિતી પરિવારનાં સૌ સભ્‍યોનાં સાથ અને સહકારથી સન્‍માન પ્રાપ્ત થયાની વાત કરી હતી.(અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(10:50 am IST)