Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

જસદણમાં વરસાદના ચાર છાંટા પડતા ત્રણ કલાક માટે વીજળી ગુલ થઇ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૩૦  : જસદણમાં ગઇકાલે સાંજે વરસાદના ચાર છાંટા પડતાં જ વીજળી ગુલ થઇ ગઇ હતી. લાઈટ જવાથી વિવિધ હોસ્પિટલોમાં તેમજ ઘરે હોમ કોરોંટાઇલ થયેલા કોરોના દર્દીઓની હાલત કફોડી બની હતી. આ ઉપરાંત રાત્રીના ભોજન સમયે જ સાંજે સાડા છ વાગ્યા થી સાડા નવ વાગ્યા સુધી અંદાજે ત્રણ કલાકથી વધારે સમય માટે જસદણમાં વીજપુરવઠો ખોરવાયો હતો. આટકોટ રોડ, જુના બસ સ્ટેન્ડ, ટાવર ચોક, મેઇન બજાર, બજાર, મોતી ચોક લાતીપ્લોટ, સ્ટેશન રોડ સહિતના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો હતો. બીજી બાજુ જસદણ પીજીવીસીએલ તંત્રનો ફોલ્ટ સેન્ટર નંબર ૦૨૮૨૧૨૨૦૦૫૧ અને ફોલ્ટ સેન્ટરનો મોબાઈલ નંબર ૬૩૫૯૬ ૩૬૧૬૩ પણ લાગતો નહી હોવાથી લોકોમાં રોષ ફેલાયો હતો. આ અંગે જસદણ પીજીવીસીએલના નાયબ ઇજનેર આર. એસ. ચૌધરીએ જણાવ્યું હતું કે ગેબનશા ફિડરમાં વીજ વાયર તૂટી જતા ફોલ્ટ સર્જાયો હતો. જસદણમાં સામાન્ય પવન કે વરસાદ પડે કે તરત જ વીજળી ગુલ થઈ જતી હોય યોગ્ય રીપેરીંગ કરવામાં આવે તેમજ ફોલ્ટ સેન્ટરનો નંબર સરળતાથી લાગે તે માટે યોગ્ય કરવાની માંગણી લોકોએ કરી છે.

(11:46 am IST)