Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

અદાણી ફાઉન્ડેશનના પીઠબળથી મંગરા ગામના ખેડૂતોની કચ્છની સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી કાર્યરત: પોતાના ઉત્પાદનોનું હાટ દ્વારા માર્કેટિંગ કરશે

ખેડૂતોની પહેલને ડો. પ્રીતિબેન ગૌતમ અદાણી, રક્ષિત અદાણી અને પંક્તિબેન શાહે બિરદાવી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦

 આજે દેશ અને દુનિયામાં ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને દવાઓનો વપરાશ નહિવત થાય તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. સમગ્ર જીવસૃષ્ટિ ભયમુક્ત અને ઝેરમુક્ત ખોરાક મેળવી શકે તે માટે ખેડૂતોને જાગૃત અને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે ત્યારે અદાણી ફાઉન્ડેશન મુંદરા દ્વારા આ કદમ ખૂબ પ્રેરણાદાયી છે.

અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેકટર શ્રી વી.એસ  ગઢવીની કચ્છ મુલાકાત દરમ્યાન જ્યારે ક્ષેત્ર મુલાકાત માટે મંગરા ગામનાં શ્રીરાજ શક્તિ ખેડૂત ગ્રૂપ સાથે બેઠક દરમ્યાન તેઓની પ્રાકૃતિક ખેતીની કામગીરી નજરે નિહાળતા આ ખેડૂતો સાથે મળીને સહકારી ધોરણે પોતાની ખેતી માટે જરૂરી વસ્તુઓ અને પોતાના ઉત્પાદનો ભેગા મળી ખરીદી અને વેચાણ માટે સહકારી મંડળી રજીસ્ટ્રેશન કરાવે તો જ તેઓ આગળ વધી શકે. આ વિચારને આ ખેડૂતગ્રુપે વધાવી લઈને તે માટેના પ્રયત્નો શરૂ કર્યા જે  આજે “શ્રીરાજશક્તિ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી લી. મંગરા” નામે રજીસ્ટ્રેશન થઈ. તેના મુખ્ય પ્રાયોજક શ્રીગિરીશભાઈ શીવલાલ ચૌહાણે આ બાબતે ખુશી વ્યક્ત કરતાં જણાવેલ કે અમો પ્રાકૃતિક ખેતીમાં સામૂહિક ધોરણે કામ કરવાના જે પ્રયત્નો કરતાં હતાં તેમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા જે માર્ગદર્શન અને મદદ મળી તેનાથી આ શક્ય બન્યું છે. હવે અમો આ મંડળીના માધ્યમથી મુંદરા શહેરમાં સહકારી હાટ બનાવીને ત્યાં અમારા ઉત્પાદનો સમાજ સામે વેચાણ અર્થે મૂકીશું. વ્યાજબી ભાવ અને પ્રાકૃતિક ઉત્પાદનો દ્વારા અમો આત્મનિર્ભર બનીએ તે માટે અમારું ગ્રૂપ સતત પ્રયત્નો કરશે.

શ્રીગિરીશભાઇએ વધુમાં જણાવ્યુ કે “ અમારી આ મંડળીમાં હાલે ૩૦ ખેડૂતો જોડાયેલા છે. હજુ વધારે જીવન જરૂરી વસ્તુઓ લોકોને પૂરી પાડવા માટે ૧૦૦ થી વધારે ખેડૂતોને જોડીને કચ્છના મુખ્ય શહેરો ઉપરાંત ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમારા ઉત્પાદનો પહોચાડીને ખરીદનારને વ્યાજબી ભાવે સારા ખેતઉત્પાદનો મળે અને અમોને પણ પોષણક્ષમ ભાવ મળે તે હેતુ છે. અમો ભવિષ્યમાં અમારા ૧૩ પ્રકારના શાકભાજી અને ૮ પ્રકારના ફળપાકોનું મૂલ્યવર્ધન કરવાની પણ નેમ ધરાવીએ છીએ.

ગુજરાત રાજ્યના કુટીર અને સહકાર વિભાગના મંત્રીશ્રી જગદીશભાઇ પંચાલના વરદહસ્તે આ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર આપવામાં આવેલ. અંજાર એ.પી.એમ.સી. ના પ્રાંગણમાં યોજાયેલ કાર્યક્રમમાં માન. કલેક્ટર-કચ્છ પ્રવિણા ડી. કે. તથા સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલ તથા અનેક સહકારી વિભાગના પદાધિકારી અને અધિકારીઓની પ્રેરક હાજરીમાં અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે માન. મંત્રીશ્રી એ કહ્યું કે જ્યારે અદાણી ફાઉન્ડેશન દ્વારા આવું પ્રોત્સાહન મળ્યું છે જે સામાજિક ઉત્તરદાયિત્વનું પ્રેરક પગલું છે. સહકાર વિભાગ તરફથી અભિનંદન સાથે જ્યાં જરૂર પડશે ત્યાં જરૂર મદદ મળી રહેશે. અને હજુ કચ્છમાં આ પ્રકારની વધારે મંડળી બને અને કાર્યરત થાય તેવા અમો પ્રયત્નો કરીશું.

અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઈકોનોમી ઝોનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહે આ સહકારી મંડળીના પ્રાયોજક તથા તમામ સભાસદોને અભિનંદન આપતા કહ્યું કે “જો ખેડૂતો સંગઠિત થઈને પોતાના પ્રાકૃતિક ઉત્પાદનો જાતે વેચતા થશે તો જ તેના સારા ભાવ મળશે અને ખાવાવાળા વર્ગને તાજા શાકભાજી અને ફળો મળી રહેશે.“ અદાણી ફાઉન્ડેશનના યુનિટ સી.એસ.આર.હેડ પંક્તિબેન શાહે પોતાનો રાજીપો વ્યક્ત કરતાં જણાવ્યુ કે “આજે ઘણા સમયથી જોયેલું સપનું સાકાર થયું છે. આદરણીય ડો. પ્રીતિબેન અદાણી પણ ખૂબ રાજી થયા કે ખેડૂતોના ઉત્પાદનો જાતે વેચીને ખાનારાઓનો જે વિશ્વાસ સંપાદન કરી શકે તે માધ્યમ માત્ર ને માત્ર તેનું સંગઠન જ છે. આપણે તેમને હજુ વધારે પ્રોત્સાહિત કરી આગળ વધારીએ તેવી ખાત્રી આપી છે.

(9:41 am IST)