Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

કાલે શ્રી આપાગીગાના ઓટલે મહાપૂજન- મહાપ્રસાદ

સંતો- મહંતોને ભેટ પૂજાઃ ભાવિકો મીઠાઇ, શ્રી રામદેવપીર મહારાજની ખીર, ફરસાણ, દાળ- ભાત, શાક, ભજીયા, રોટલીની લિજજત માણશેઃ નરેન્‍દ્રબાપુ દ્વારા જાહેર આમંત્રણ

રાજકોટઃ ચોટીલાથી રાજકોટ તરફ હાઈવે પાંચ કિલોમીટર દુર અઢારેય કોમનું શ્રધ્‍ધા અને આસ્‍થાનું કેન્‍દ્ર એવુ સુપ્રસિધ્‍ધ ધર્મસ્‍થાન એટલે શ્રી આપાગીગાનો ઓટલો, શ્રી આપાગીગાના ઓટલા ખાતે આવતીકાલે તા.૧ જુલાઈને શુક્રવારે અષાઢી બીજની દિવ્‍યાથી દિવ્‍ય અને ભવ્‍યાથી ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે.
શ્રી આપાગીગાના ઓટલા મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્‍દ્રભાઈ સોલંકી)એ યાદીમાં જણાવ્‍યું છે કે ભારતીય સંસ્‍કૃતિમાં તહેવારોનું ખૂબ જ અનેરૂ મહત્‍વ હોય છે. જેમાં પણ અષાઢી બીજ સમગ્ર દેશભરમાં ખુબજ ધામધુમથી ઉજવવાની આદી- અનાદી કાળથી પરંપરાઓ ચાલી આવે છે. વૈદીક પંચાગ મુજબ આ તહેવારો ૯ મહિનાનો બીજો દીવસ છે.  તે દિવસ ભગવાન જગન્‍નાથજીની રથયાત્રાના પર્વ તરીકે પણ ખુબજ મોટાપાયે ગુજરાતભરના તમામ શહેરો જેવા કે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત વગેરે શહેરો તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ ઉજવવામાં આવે છે. જેમા ભગવાન જગન્‍નાથજીની નગરયાત્રાઓ પણ કાઢવામાં આવતી હોય છે.
શ્રી આપાગીગાના ઓટલે તા.૧ શુક્રવાર અને અષાઢી બીજના દિવસે સવારે ૯ વાગ્‍યે બાવન વીર ચોષઠ જોગણી નવ નાથ ચોરયાસી સિધ્‍ધ અને ૩૩ કોટી દેવ- દેવતાઓના પરમ પૂ.સદ્દગુરૂદેવ શ્રી જીવરાજ બાપુ ગુરૂશ્રી શામજીબાપુના સંત સ્‍મરણો સાથે શ્રી રામદેવપીરજીનું વિદવાન બ્રાહ્મણો દ્વારા આરાધના તેમજ પુજન કરવામાં આવશે. બહાર ગામથી પધારેલા સંતો- મહંતો તેમજ રમતા પંચનાસાધુઓ તેમજ ખડદર્શન સાધુઓ વિગેરેને અમારી પરંપરાઓ મુજબ યથાશકિત ભેટપુજાઓ પણ દરેક સાધુઓને આપવામાં આવશે.
બપોરે સાધુ- સંતોની અલગ પંગતની વ્‍યવસ્‍થાઓ કરવામાં આવશે. તેમજ બપોરે જમણવારમાં શુધ્‍ધ ઘીની મીઠાઈઓ શ્રી રામદેવપીરજી મહારાજની ખીર તેમજ ફરસાણ, દાળ- ભાત, ભજીયા, બે શાક, રોટલી વગેરેનો મહાપ્રસાદ પીરસવામાં આવશે. આ સ્‍થાન પર છેલ્લા એકાદ દસકાથી દરેક સમાજના લોકો માટે ૨૪ કલાક રહેવા તથા જમવાની નાસ્‍તાની વિગેરે સુવિધાઓ કોઈપણ પ્રકારના જ્ઞાતિ- જાતિના ભેદભાવ વગર સંપૂર્ણ પણે વિનામૂલ્‍યે આપવામાં આવે છે. સર્વધર્મપ્રેમીજનોએ લાભ લેવા શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજ બાપુ (નરેન્‍દ્રભાઈ સોલંકી) દ્વારા આમંત્રણ અપાયું છે.

 

(10:40 am IST)