Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

મોરબીના ગાળા ગામનો તૂટેલો પુલ જોખમી : મોટું કન્ટેનર નીચે ખાબકતા રહી ગયું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩૦ : મોરબી તાલુકાના ગાળા ગામ જવાનો પુલ તૂટેલી હાલતમાં છે અને પુલની રેલીંગ પણ તૂટેલી હોવાથી વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે જેમાં ગત રાત્રીના એક કન્ટેનર નીચે ખાબકતા સહેજમાં રહી ગયું હતું.

ગાળા ગામનો પુલ ઘણા સમયથી તૂટી ગયેલી હાલતમાં છે જેના સ્થાને નવા પુલને મંજુરી મળી ગઈ છે જોકે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ના હોય અને તૂટેલો પુલ સતત અકસ્માતને આમંત્રણ આપી રહ્યું છે જેમાં ગત રાત્રીના સમયે એક મોટું કન્ટેનર પુલ પર લટકી ગયું હતું સદનસીબે ચાલકનો બચાવ થયો હતો અને કન્ટેનર નીચે ખાબકયું ના હતું અને પુલ પર લટકી ગયું હતું જેથી ક્રેનની મદદથી કન્ટેનર કાઢવાની ફરજ પડી હતી.

તો ગ્રામજનોના જણાવ્યા અનુસાર અવારનવાર વાહનો પુલ પર ફસાઈ જતા હોય છે જેથી મહીને અંદાજે ૨ લાખ જેટલો ખર્ચ ક્રેનથી વાહન ખેંચવાનો થતો હોય છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે મંજુર થયેલ પુલનું કામ ચાલુ કરી નવો પુલ બનાવવા કાર્યવાહી કરવા માંગ કરી છે.

(12:59 pm IST)