Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

કાલે જામનગર જિલ્લા ભરવાડ ગોપાલક યુવા સંગઠન દ્વારા અષાઢી બીજ નિમિતે ભવ્‍ય શોભાયાત્રા તથા ધ્‍વજારોહણ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૩૦ : હાલારી નવું વર્ષ અષાઢી બીજ તા. ૧ ને શુક્રવારે જામનગર ભરવાડ સમાજ અને જામનગર શહેર જિલ્લા ભરવાડ ગોપાલક યુવાન સંગઠનના માધ્‍યમથી ભરવાડ સમાજના આસ્‍થાના પ્રતિક સમા શ્રી મુળવાનાથ, શ્રી રાધે-કૃષ્‍ણ તથા ભરવાડ સમાજના પંચદેવી શ્રી મચ્‍છુ માતાજીના મંદિર પર ધ્‍વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો છે.

સાથે જામનગર શહેરના રાજમાર્ગો પર ભવ્‍ય શોભાયાત્રા નીકળશે જેમાં શણગારેલા રથ શ્રી મુળવાનાથ, શ્રીકૃષ્‍ણ ભગવાન તેમજ શ્રી મચ્‍છુ માતાજીની તસ્‍વીરો હશે. સાથે રથમાં બેટ દ્વારકાના શ્રી મૂળવાનાથની જગ્‍યાના પરમ પુજ્‍ય મહંતશ્રી બાલારામભગત બિરાજમાન થશે. તથા મહેશપુરી, આંબા ભગત, કાના ભગત, માધવદાસ, મોરારદાસ બાપુ વગેરે સાધુ સંતો તથા રાજકીય મહાનુભાવો હાજર રહેશે.

શોભાયાત્રા શ્રી મૂળવાનાથ મંદિર, કડિયાવાડથી પ્રસ્‍થાન કરશે. બેડી ગેઇટ, ટાઉન હોલ, શ્રી રાધે -કૃષ્‍ણ મંદિર, પંચેશ્વર ટાવર થઇ વંડાફળીમાં આવેલ શ્રી મચ્‍છુ માતાજીના મંદિરે પહોંચી ત્‍યાં ધજા ચડાવવામાં આવશે. ત્‍યાંથી શ્રી ગુર્જર સુથારની વાડીમાં સભાના રૂપમાં ફેરવાઇ જશે. જ્‍યાં ધાર્મિક સત્‍સંગમાં સાધુ સંતો સૌને આશીર્વચન પાઠવશે છેલ્લે બપોરનું ભોજન સૌ સમૂહમાં લેશે.

શોભાયાત્રામાં લગભગ ત્રણ થી ચાર હજાર જેટલા ગોપાલક, માલધારી યુવાન-યુવતીઓ ઉપસ્‍થિત રહી ભરવાડ સંસ્‍કૃતિના ભાગરૂપ હુડો-લોકનૃત્‍ય રજુ કરશે.

(1:05 pm IST)