Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ્ હસ્તે મચ્છુ-૨ નહેરની માઈનર પાઇપ નહેરનું લોકાર્પણ કરાયું

પાઇપ નહેરના નિર્માણ થકી નગરજનો તેમજ સંબંધિત વિસ્તારના ખેડૂતોની વિવિધ સમસ્યાઓનો અંત આવ્યો : રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા: ૧૩૨ લાખના ખર્ચે ૨૨૦૦ મીટર પાઇપ નહેરનું નિર્માણ કરાયું

મોરબી:રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ્ હસ્તે ૧૩૨.૨૮ લાખના ખર્ચે નિર્માણ પામેલ મચ્છુ-૨ સિંચાઈ યોજનાની મુખ્ય નહેરની ડાયરેક્ટ માઈનોર M-2/R ની પાઇપ નેહરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી  બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, વણથંભી વિકાસ યાત્રા થકી જળ સંપત્તિ હેઠળ પણ વિવિધ વિકાસ કામો થઈ રહ્યા છે. આ વિસ્તારમાં ખુલ્લી કેનાલ હોવાથી અકસ્માત, બાળકો કે પશુઓને નહેરમાં પડવાનો ભય, ગંદકી, નહેર ચોક-અપ થઈ જતી તેમજ છેવાડાના વિસ્તારમાં ખેડૂતોને પાણી ન પહોંચે જેવી વિવિધ સમસ્યાઓ નિવારવા આ નહેરને પાઇપ નહેર બનાવવાની છેલ્લા ઘણા સમયથી માંગણી હતી. આ તમામ સમસ્યાઓના વિકલ્પ સ્વરૂપે આ પાઇપ નહેરને આકાર અપાયો છે. લોકોની આ લાગણી અને માંગણી પરિપૂર્ણ થઈ તે બદલ મંત્રીએ મુખ્યમંત્રી તેમજ સિંચાઈ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આ કાર્યમાં સાંસદ મોહનભાઇ કુંડારીયાનો પણ પૂરો સહકાર મળ્યો હોવાનું જણાવી ઝડપી કામ પૂર્ણ કરવા સિંચાઈ વિભાગની ટીમ અને આ કાર્યમાં સહકાર બદલ નગરજનો અને જનપ્રતિનિધિઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર દરેક ખેડૂતને ખેતરે પાણી મળે તે માટે હંમેશા કાર્યરત છે તેમજ તર્કબદ્ધ, સમયસર અને પરિણામલક્ષી કાર્ય કરવા અમે કટિબદ્ધ છીએ.

   મચ્છુ-૨ સિંચાઈ યોજનાની મુખ્ય નહેરની ડાયરેક્ટ માઇનોર M-2/R ની સાંકળ ૦.૦૦ મી થી ૨૨૦૦ મી પાઇપ નહેરના લોકાર્પણ થકી M-2/R ના કમાન્ડ વિસ્તારનાં ખાતેદારોને સિંચાઇની સુવિધા ઉપ્લબ્ધ થઈ છે. આ નહેર થકી સિંચાઈની સુવિધાથી વંચિત રહી ગયેલ નીચલાવાસના વજેપર - માધાપર, અમરેલી તથા ગોર ખીજડીયા ગામોના કુલ ૭૮૯ હેકટર વિસ્તારને સમયસર સિંચાઈ માટે પાણી આપી શકાશે.

 આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ અગ્રણી ભાવેશભાઈ કણજારિયાએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું.

  પાઇપ નહેરના લોકાર્પણના આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન મચ્છુ-૨ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સાવલિયાએ કર્યું હતું. આભારવિધિ જળ સંચય પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરએ કરી હતી.

  આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા, અગ્રણી સર્વ સુરેશભાઈ દેસાઈ, લાખાભાઇ જારીયા, પ્રકાશભાઈ તેમજ સિંચાઈ વિભાગના વિવિધ અધિકારી/કર્મચારીઓ, જિલ્લાના પદાધિકારી, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:38 pm IST)