Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

500 કિમીનું અંતર કાપી બારડોલીના રીક્ષા ચાલકે વીરપુરમાં મનાવ્યો પોતાનો જન્મદિન.

પોતાના જન્મદિવસ મનાવવા બારડોલીથી વીરપુર આવી ગબરભાઈએ પૂજ્ય જલા બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી

સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં દેશ વિદેશના અનેક ભક્તો પૂજ્ય જલારામ બાપા પર આસ્થા છે, દેશ વિદેશથી અનેક નાના મોટા ભક્તો પૂજ્ય જલાબાપાના દર્શન કરવા વીરપુર આવતા હોય છે ત્યારે પૂજ્ય જલારામ બાપા ઉપર અખૂટ આસ્થા ધરાવતા એક બારડોલીના રીક્ષા ચાલક ગબરભાઈ પણ પોતાની રીક્ષા લઈને બારડોલીથી વીરપુર પોતાનો જન્મદિવસ મનાવવા વીરપુર આવી પહોંચ્યા હતા.

બારડોલીથી વીરપુર આશરે 500 કિલોમીટર જેટલું અંતર કાપીને પોતાની રીક્ષા લઈને દર વર્ષે પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા માટે આવે છે,

બારડોલીના ગબરભાઈએ જણાવ્યું હતું કે પોતે બારડોલીમાં દ્રાઈવર તેમજ રીક્ષા ચલાવે છે અને પૂજ્ય જલારામ બાપા પર અતૂટ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે,

વધુમાં ગબરભાઈએ જણાવ્યું હતું કે લોકો પોતાના જન્મદિવસ ઉજવવા અનેક પ્રકારના ખોટા ખર્ચ કરતા હોય છે ત્યારે મનમાં વિચાર કર્યો કે જન્મદિનમાં ખોટા ખર્ચ કરવો તેના કરતાં વીરપુર પૂજ્ય જલાબાપા પર ખૂબજ આસ્થા છે અને મારો જન્મદિવસ પણ ગુરુવારે આવતો હતો જેમને લઈને બારડોલી થી રીક્ષા લઈને નીકળી પડ્યો વીરપુર પૂજ્ય જલારામ બાપાના ધામમાં જેમાં તેમને બારડોલી થી વીરપુર પહોંચતા સોળ કલાક જેટલો સમય લાગ્યો હતો.

પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા અનેક ભાવિકો વીરપુર આવતા હોય છે ત્યારે  પોતાના જન્મદિવસ મનાવવા બારડોલી થી વીરપુર આવી ગબરભાઈએ પૂજ્ય જલા બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

(12:22 am IST)