Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

વિજયભાઈના કચ્છ પ્રવાસની શક્યતાને પગલે ધમધમાટ: કચ્છથી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવે તેવી શક્યતા

૫ ઓગષ્ટે ભુજ અને અંજારમાં કાર્યક્રમ, નરેન્દ્રભાઈના ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવનના નિરીક્ષણ, કન્યા છાત્રાલયના લોકાર્પણ સહિત અનેક કાર્યક્રમો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ:::: મુખ્યમંત્રી તરીકેના ૫ વર્ષના કાર્યકાળની ઉજવણી દરમ્યાન વિજયભાઈ કચ્છ આવે તેવી જાણકારી મળી રહી છે. સંભવત:  ૫ ઓગસ્ટના મુખ્યમંત્રીના કચ્છ પ્રવાસની શક્યતાને પગલે વહીવટીતંત્ર સજજ થઈ ગયું છે. મળતી જાણકારી મુજબ ભુજની આર. ડી. વરસાણી હાઈસ્કૂલ મધ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યક્રમનું આયોજન ગોઠવાઈ રહ્યું છે. કચ્છના ચાર વીજ સબ સ્ટેશનો હેઠળના તમામ ખેતીવાડી ફિડરોમાં દિવસે વીજળી આપવાની સાથે જ રાજ્ય વ્યાપી કિસાન સર્વોદય યોજનાનો પ્રારંભ વિજયભાઈ ભુજથી કરાવશે. આ ઉપરાંત કિસાનોને સાધન સહાય અર્પણ કરાશે. ત્યારબાદ ભુજ મઘ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ભુજીયા ડુંગર મધ્યે આકાર લઈ રહેલ સ્મૃતિ વનની મુલાકાત લેશે. જોકે, મુખ્યમંત્રી અંજાર પણ જશે એવું જાણવા મળી રહ્યું છે. અંજાર મધ્યે આહીર કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરી વિજયભાઈ ગાંધીનગર પરત જશે. અત્યારે આ રીતે સમગ્ર કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે. કલેકટર પ્રવિણા ડી.કે. અને તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ભુજ અને અંજારની મુલાકાત લઈને મુખ્યમંત્રીના સંભવિત કાર્યક્રમ અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

(9:20 am IST)