Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

લોક દરબાર દ્વારા લોકોના પ્રશ્નોનો એક જ સ્થળે, સમયસર ઉકેલ આવી શકે છે : કુંવરજીભાઇ બાવળિયા

પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના મંત્રીના અધ્યક્ષસ્થાને જસદણ અને વિછીયામાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

રાજકોટ,તા.૩૦:  પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને જસદણ તાલુકા સેવા સદન ખાતે જસદણ તાલુકાનો અને વિછિયા ખાતે વિછિયા તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે, અરજદારોના પ્રશ્નોનો એક જ સ્થળ ઉપર સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સમયસર ઉકેલ આવી જાય તે માટે આ લોકદરબારનું આયોજન જસદણ અને વિછિયા તાલુકામાં કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરી કરવામાં આવ્યું છે.આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લોકોના વિજળી, આરોગ્ય, આવાસ, રસ્તા, વીજ કનેકશન સહિતની સમસ્યા રજૂ થઈ હતી. જેના નિકાલ માટે ઉપસ્થિત સંબધિત અધિકારીઓને મંત્રીશ્રીએ સુચના આપી હતી.જસદણ તાલુકામાં અંદાજે ૫૦ જેટલા અરજદારો દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જયારે વિંછીયા તાલુકા સેવાસદન ખાતે લોક દરબારમાં ૪૨ પ્રશ્નોનું સ્થળ પર નિવારણ કરાયું હતું.આ પ્રસંગે મામલતદાર ડી.એલ.ધાનાણી, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી વી.કે.પરમાર, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, સરપંચો, સબંધિત વિભાગના અધિકારીઓ, આગેવાનો તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

(1:17 pm IST)