Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

હવે રાજકોટ, જામનગર, ભાવનગરના વિકાસના ડંકા વાગશે : નરેન્‍દ્રભાઇ મોદી

નવરાત્રીનું પર્વ ભાવનગર, બોટાદ, અમરેલી જિલ્લા માટે નવલા વિકાસનું પર્વ બન્‍યું છે : વર્ષો બાદ ભાવનગર આવ્‍યો છું પરંતુ ખાલી હાથે નથી આવ્‍યો : ભાવનગરમાં વડાપ્રધાનનો ભવ્‍ય રોડ શો - જાહેરસભા : સોલાર પાવર પ્રોજેકટના કારણે ભાવનગર જિલ્લામાં લોકોને સસ્‍તી અને પૂરતી વિજળી મળશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૩૦ : હવે રાજકોટ, જામનગર અને ભાવનગરમાં વિકાસના ઠંકા વાગશે. તેમ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ભાવનગર ખાતે જાહેરસભા સંબોધતા જણાવ્‍યું હતું. છેલ્લા અઢી - ત્રણ દાયકામાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં જેવી રીતે વિકાસ થયો તેવો વિકાસ આ શહેરોનો પણ થશે.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે ભાવનગર ખાતે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના રુ.૬,૫૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્‍પોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્‍યા હતા.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ઉદબોધનની શરુઆત કરી તે સમયે સમગ્ર જનમેદનીએ હર્ષનાદથી તેમને વધાવી લીધા હતા. વડાપ્રધાનશ્રીએ ઉપસ્‍થિત સૌ લોકોને નવરાત્રિની શુભકામના પાઠવીને ઉદબોધન કરતા કહ્યુ હતુ કે, હું લાંબા અંતરાલ બાદ ભાવનગર આવ્‍યો છું. ભાવનગરે આજે મારા પર જે આશીર્વાદ વરસાવ્‍યા છે તેને હું કયારેય નહીં ભુલી શકુ, આટલી મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા માટે સૌ લોકોને મારા શત શત નમન. આજનો આ કાર્યક્રમ વિશેષ છે કારણ કે, દેશ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને ભાવનગર પણ તેની સ્‍થાપનાના ૩૦૦ વર્ષની ઉજવણી કરી રહ્યુ છે.

આજે કરોડો રૂપિયાના પ્રોજેક્‍ટનાં લોકાપર્ણ અને શિલાન્‍યાસ થઇ રહ્યા છે. જેનાં કારણે ભાવનગરની વિકાસયાત્રાને નવો આયામ મળશે અને ભાવનગરની ઓળખ વધુ સમૃદ્ધ થશે. આ પ્રોજેક્‍ટમાં સમાવિષ્ટ સિંચાઇ યોજનાઓ ખેડુતોની સમૃદ્ધિમાં વધારો કરશે. અહીં બનેલા રિજીયોનલ સાયન્‍સ સેન્‍ટરના કારણે ભાવનગરની શિક્ષા અને સંસ્‍કૃતિના પાટનગર તરીકેની ઓળખને વધુ મજબૂતી મળશે.

વડાપ્રધાનશ્રીએ વધુ ઉમેરતા કહ્યુ હતુ કે, ગત બે અઢી દાયકામાં જે ગૂંજ વડોદરા, સુરત અને અમદાવાદની રહી છે તેવી ગૂંજ હવે ભાવનગર, રાજકોટ અને જામનગરની રહેવાની છે. સૌરાષ્ટ્રની સમૃધ્‍ધિ અંગેનો મારો આ વિશ્વાસ એટલા માટે પ્રગાઢ રહ્યો છે કારણ કે, અહીં ઉદ્યોગ, ખેતી અને પર્યટન એમ ત્રણેય ક્ષેત્ર માટે અભૂતપૂર્વ સંભાવનાઓ છે. આજનો કાર્યક્રમ આ જ દિશામાં ડબલ એન્‍જિન સરકારના પ્રયાસનો જીવતો જાગતો પુરાવો છે.

ભાવનગર એ દરિયાકાંઠો ધરાવતો જિલ્લો છે. ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો દરિયાકાંઠો છે. પરંતુ આઝાદી બાદ દાયકાઓ સુધી દરિયાકાંઠાના વિકાસ પર ધ્‍યાન ન આપવાના કારણે આ વિશાળ સમુદ્રકિનારો લોકો માટે સૌથી મોટો પડકાર બની ગયો હતો સમુદ્રનું ખારું પાણી આ વિસ્‍તાર માટે અભિશાપ બની ગયુ હતું અને દરિયાકાંઠે વસેલા ગ્રામ્‍ય વિસ્‍તાર ખાલી થઇ ગયા હતા અને લોકોએ સ્‍થળાંતર કરવું પડ્‍યું હતું અને તેમને તેમના ગુજરાન માટે વિકટ સ્‍થિતિનો સામનો કરવો પડતો હતો. છેલ્લા બે દાયકામાં સરકારે રોજગારના અનેક અવસર ઉભા કર્યા છે ગુજરાતમાં અનેક બંદરોને વિકસિત કરવામાં આવ્‍યા છે અને બંદરોનું આધુનિકીકરણ પણ કરવામાં આવ્‍યુ છે. ગુજરાતમાં આજે ત્રણ મોટા ન્‍ફઞ્‍ ટર્મીનલ છે, પેટ્રોકેમિકલ હબ છે, આ ઉપરાંત ગુજરાત દેશનું પ્રથમ રાજય હતું જયા ન્‍ફઞ્‍ ટર્મીનલ બનાવવામાં આવ્‍યુ હતું.

વડાપ્રધાનશ્રીએ મત્‍સ્‍યોદ્યોગના વિકાસ વિશે જણાવતા કહ્યુ હતુ કે, માછીમાર ભાઇ-બહેનોની મદદ માટે ફિશીંગ હાર્બર તૈયાર કરવામાં આવ્‍યા છે. ગુજરાત સમુદ્રકાંઠાના વિસ્‍તારોમાં મેન્‍ગ્રુવના જંગલોનો વિકાસ કરી કોસ્‍ટલ ઇકો સિસ્‍ટમને વધુ મજબૂત બનાવવામાં આવી છે. એકવા કલ્‍ચરના વિકાસને પણ પ્રોત્‍સાહન આપવામાં આવ્‍યું છે. ગુજરાત દેશના એ અગ્રગણ્‍ય રાજયોમાંથી એક છે, જયાં સી વીડની ખેતી માટે ઘણા પ્રયાસો થયા છે. આજે ગુજરાતનો દરિયાકાંઠો દેશની આયાત-નિકાસને પ્રોત્‍સાહન આપવા માટે મહત્‍વનો હિસ્‍સો બન્‍યો છે અને લાખો લોકોને રોજગારી આપી રહ્યો છે.

ગુજરાતનો દરિયાકાંઠો અત્‍યારે પુનઃ પ્રાપ્‍ય ઉર્જાનો પર્યાય બનીને ઉભરી રહ્યો છે. સૌરાષ્ટ્રને ઉર્જાનું મહત્‍વપૂર્ણ કેન્‍દ્ર બનાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત અને દેશની ઉર્જાની જરુરિયાતો માટે આ વિસ્‍તાર મોટું હબ બન્‍યો છે. સૌર ઉર્જાના અનેક પ્રોજેક્‍ટ પણ આ વિસ્‍તારમાં આકાર પામ્‍યા છે પાલિતાણામાં લોકાર્પિત થનારા સોલાર પાવર પ્રોજેકટના કારણે આ વિસ્‍તારના અનેક લોકોને સસ્‍તી અને પૂરતી વીજળી મળશે.

વડાપ્રધાનશ્રીએ સત્તાને સેવાનું માધ્‍યમ ગણાવતા જણાવ્‍યુ હતુ કે, અમારી પ્રેરણા અને લક્ષ્ય ક્‍યારેય સત્તા સુખ નથી રહ્યું. ભાવનગર સહિત સૌરાષ્ટ્રના વિકાસના રોડમેપ વિશે વાત કરતા તેમણે કહ્યુ કે આ વિસ્‍તારમાં માત્ર પરિવહન સેવાઓ જ નહીં પરંતુ પ્રવાસનને પણ ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે. રાજયના તટીય ક્ષેત્રોની આગવી સામુદ્રિક વિરાસતને જાળવી રાખીને આ વિસ્‍તારોમાં પ્રવાસનનો વિકાસ કરવાનો ઉદ્યમ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્‍યો છે. દુનિયાના સૌથી પ્રાચીન બંદરો પૈકીના એક એવા લોથલ ખાતે મેરીટાઈમ મ્‍યુઝિયમ બનવા જઈ રહ્યું છે તેવો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્‍યુ હતુ કે, આ મેરિટાઇમ મ્‍યુઝિયમ વિશ્વભરમાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી જેવી જ પોતાની આગવી ઓળખ ઊભી કરશે અને રાજયની સાંસ્‍કૃતિક ઓળખને વધુ સમૃદ્ધ બનાવશે.

પ્રધાનમંત્રીશ્રીએ સરકારના પ્રયાસોથી સૌરાષ્ટ્રના ખેડૂતો અને માછીમારોના જીવનમાં છેલ્લા બે દાયકામાં આવેલા પરિવર્તનની વાત કરતા જણાવ્‍યુ હતુ કે, અગાઉ જાણકારીના અભાવે માછીમારોનું જીવન જોખમમાં મૂકાતું હતું જેને ધ્‍યાનમાં લઇ સરકારે દુર્ઘટના સમયે કોસ્‍ટ ગાર્ડની સહાયતા મેળવવામાં મદદરુપ થતી બાસ્‍કેટ ઉપલબ્‍ધ કરાવવા સહિતના પગલાં લીધા હતા. સરકારે માછીમારોના લાભાર્થે હોડીઓને આધુનિક બનાવવા માટે સબસીડી, ખેડૂતોની જેમ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ આપવા સહિતના પગલા લઈ વિકાસની મુખ્‍ય ધારામાં જોડ્‍યા છે.

ભાવનગરમાં અમલી થતી આ યોજનાઓ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતના નિર્માણમાં ઉપયોગી થશે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ભાવનગરના પ્રખ્‍યાત નરશી બાવાના ગાંઠિયા અને પેંડા સાથે સંકળાયેલા સંસ્‍મરણો પણ તાજા કર્યા હતા.

આ પ્રસંગે રાજયના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે જણાવ્‍યુ કે, દરિયાકાંઠો ધરાવતો ભાવનગર જિલ્લો ઉદ્યોગ, આયાત અને નિકાસ માટે મોકાનું સ્‍થાન ધરાવે છે. રાજવી કૃષ્‍ણકુમાર સિંહજીએ બ્રાઝિલને ગાય ભેટમાં આપી વિશ્વમાં ભાવનગરનું નામ ઉજાગર કર્યુ હતુ તેવી જ રીતે આજે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે રુ.૪૦૨૪ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિશ્વનું સૌ પ્રથમ સી એન જી ટર્મિનલ એક નવું સિમાચિન્‍હ બનશે. મુખ્‍યમંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, ભાવનગર જિલ્લાના નવા મોઢિયા ખાતે રુ.૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર આ વિસ્‍તારમાં જી આઇ ડી સી ઔદ્યોગિક વિકાસ સાથે યુવા રોજગારીનું સક્ષમ માધ્‍યમ બનશે.

જળ વ્‍યવસ્‍થાપનના રાજયવ્‍યાપી નેટવર્કને વધુ મજબૂત કરવા સૌની યોજના લિંક અને જૂથ પાણી પુરવઠા પ્રોજેકટના રૂા.૨,૦૪૭ કરોડના કામના ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યા છે. રાજયમાં સર્વ વ્‍યાપી જળ વ્‍યવસ્‍થાપનના કાર્યો થયા છે. ભાવનગર ખાતેના સોલાર પાર્કની ભેટ આપી રહ્યા છે. અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના વિસ્‍તાર પર ભાર આપવામાં આવ્‍યો છે. આમ, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્‍પીડ અને સ્‍કેલ સાથે વિકાસ કામો કરી રહ્યું છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું મંચ પર મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને સાંસદશ્રી સી. આર. પાટીલ દ્વારા ચાંદીનો ગરબો, શાલ તેમજ પાઘડી પહેરાવી સ્‍વાગત અભિવાદન કરવામાં આવ્‍યુ હતુ. આ ઉપરાંત શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, સામાજિક ન્‍યાય અને અધિકારિતા રાજયમંત્રીશ્રી આર સી મકવાણાએ માતાજીની ચૂંદડી અને લોકભારતી સણોસરા દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની તસવીર ભેટ આપવામાં આવી હતી. ભાવનગરના સાંસદ શ્રીમતી ડાઙ્ઘ.ભારતીબેન શિયાળ, ધારાસભ્‍ય શ્રીમતી વિભાવરીબેન દવે, અમરેલીના સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ માતાજીની ચૂંદડી અને ભાવનગરની કલાકૃતિવાળી ભાતીગળ કોટી, ભાવનગરના મેયર સુશ્રી કિર્તીબાળા દાણીધારીયાએ દ્વારકાધિશની તસવીર, ભાવનગર જિલ્લાના હોદેદારો દ્વારા શ્રી કૃષ્‍ણ ભગવાનની કાંસાની મૂર્તિ સહિત અમરેલી અને બોટાદના પદાધિકારીશ્રીઓ દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને સ્‍મૃતિચિન્‍હો આપીને તેમનુ સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ.

વડાપ્રધાનશ્રીના આગમન પૂર્વે સભા સ્‍થળે લોકગાયકશ્રી કિર્તીદાન ગઢવી, મેરામણ ભાઈ ગઢવી સહિતના કલાકારો દ્વારા સાહિત્‍યની મનોરંજક અને દેશભક્‍તિ ગીતોની કૃતિઓની પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી, જેને લોકોએ મનભરીને માણી હતી.

આ પ્રસંગે કેન્‍દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા, શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, વન અને પર્યાવરણ મંત્રીશ્રી અને ભાવનગર જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, આરોગ્‍ય મંત્રીશ્રી ઋષિકેશભાઇᅠ પટેલ, રાજયમંત્રીશ્રી આર.સી.મકવાણા, સાંસદશ્રી સી. આર.પાટીલ, ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્‍ય સર્વશ્રી કેશુભાઈ નાકરાણી, સુશ્રી વિભાવરીબેન દવે, શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રી જે.વી. કાકડીયા, શ્રી આત્‍મારામભાઈ પરમાર, શ્રી સૌરભભાઈ પટેલ, ભાવનગર મેયર સુશ્રી કીર્તિબાળા દાણીધારિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, રેન્‍જ આઇજીશ્રી અશોકકુમાર યાદવ, મ્‍યુનિસિપલ કમિશનરશ્રીᅠ એન.વી. ઉપાધ્‍યાય, કલેકટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા,ᅠ જિલ્લા પોલીસવડા ડો. રવિન્‍દ્ર પટેલ, પ્રાદેશિક નગરપાલિકા કમિશનરશ્રી અજય દહિયા સહિતના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ અને વિશાળ સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

ભાવનગરના ગાંઠીયા અને દાસના પેંડાને યાદ કર્યા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :

  •   જવાહર મેદાન ખાતે યોજાયેલ જંગી જાહેર સભામાં વડાપ્રધાને શરૂઆતમાં જ ભાવનગરવાસીઓની ક્ષમા માંગી જણાયું હતું કે લાંબા સમય પછી ભાવનગર આવ્‍યો છું પરંતુ ખાલી હાથે આવ્‍યો નથી.
  •   ભાવનગરના ગાંઠિયા અને દાસના પેંડાને વડાપ્રધાને યાદ કરીને કહ્યું હતું કે ભાવનગરના ગાંઠીયા દેશભરમાં અને દુનિયાભરમાં જાણીતા છે. નવરાત્રી હોવાથી તેઓ ગાંઠીયા લઈ નહીં શકે તેમ જણાયું હતું.
  •   વડાપ્રધાનના આગમન સાથે જ સભાગૃહ મોદી ..મોદીથી ગુંજી ઉઠયું હતું.
  •   વડાપ્રધાન બપોરે સવા બે વાગ્‍યે આવ્‍યા હતા તે પહેલા કાર્યક્રમમાં જાણીતા કલાકારોએ લોકસાહિત્‍ય અને સંગીતની રમઝટ બોલાવી હતી.
  •   કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે લખેલ પ્રવચન વાંચી સંભળાયું હતું જયારે વડાપ્રધાનેᅠ એ મૌલિક રીતે અડધી કલાક સુધી પ્રવચન આપ્‍યું હતું.
  •   વડાપ્રધાન મોદીને સાફો પહેરાવ્‍યા બાદ નવરાત્રી હોય ગરબા ની, ખોડીયાર માતાના ફોટા સહિત વિવિધ વસ્‍તુઓની ભેટ આપવામાં આવી હતી.
  •   ભાવનગરમાં જંગી મેદની અને લોકોના પ્રેમથી મોદી ભાવુક થયા હતા અને તેઓ ભાવનગર વાસીઓને ક્‍યારેય નહીં ભૂલે તેમ જણાયું હતું.
  •   છેલ્લા કેટલાય સમયથી વડાપ્રધાનના કાર્યક્રમને લઈ તંત્ર અને આયોજકો ભારે દોડધામ કરી રહ્યા હતા તે આજે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતાં તંત્ર એ પણ હાશકારાની લાગણી અનુભવી હતી.

 

નરેન્‍દ્રભાઇની ઓકટોબરમાં વધુ એક ગુજરાત મુલાકાતની તૈયારીઓ શરૂ

બહુચરાજી મંદિરના વિકાસ પ્‍લાનનું લોકાર્પણ

અમદાવાદ તા. ૩૦: નરેન્‍દ્રભાઇ હાલ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. તેઓ ઓકટોબર મધ્‍યમાં જામકંડોરણા અને રાજકોટ આવવાના છે. આ ઉપરાંત નરેન્‍દ્રભાઇની વધુ એક ગૃહ રાજયની મુલાકાતની સંભાવના છે. બહુચરાજી મંદિરના ર૦૦ કરોડના વિકાસ પ્‍લાનના નરેન્‍દ્રભાઇના હસ્‍તે લોકાર્પણ કરાવવા માટે વિશાળ સભા માટે સ્‍થળ ગોતવાનું શરૂ કરી દેવામાં આવ્‍યું છે. 

(12:29 pm IST)