Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

નવી ગેલેરી અને નવા શો સાથે મુલાકાતીઓને આવકારવા સુસજ્જ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રાફટ મ્‍યુઝિયમ

લિવિંગ એન્‍ડ લર્નિંગ ડિઝાઈન સેન્‍ટર

કચ્‍છી પરંપરાગત હસ્‍તકલાઓ અને તેમાંય ખાસ કરીને વિવિધ જાતિઓના ભાતીગળ ભરતકામને શ્રૃજને છેક ૧૯૬૯થી એટલેકે છેલ્લા ૫૩ વર્ષોથી સતત પ્રોત્‍સાહિત કરી જીવંત રાખ્‍યું છે, તેટલું જ નહીં પરંતુ તે થકી લગભગ ૬૫ ગામોમાં ૨૫૦૦ જેટલી ગ્રામીણ કારીગર બહેનોને સ્‍વનિર્ભર બનાવી છે. તદ્‌ ઉપરાંત, લગભગ ૨૨૦૦૦ થી વધુ ગ્રામીણ બહેનો શ્રૃજન દ્વારા સમય સમયે ચલાવાતા વર્કશોપ, ટ્રેનીંગ કે અન્‍ય માધ્‍યમોથી તૈયાર થઇ, પોતાનું  ગુજરાન ચલાવી રહી છે અને ભરતકામ સાથે જોડાયેલી રહી છે. અત્‍યારના ઝડપી યુગમાં જયારે આધુનિક તકનીકી સંસાધનો, કોમ્‍પ્‍યુટર, મોબાઇલ, ઈન્‍ટરનેટ કે સોશ્‍યલ મીડીયાના સમયમાં યુવા વર્ગ, પરંપરાગત કલાથી વિમુખ થતો જાય છે ત્‍યારે તેમને પણ પ્રોત્‍સાહિત કરી, ટ્રેનીંગ આપી ફરીથી રસ લેતાં કરી કલાભિમુખ બનાવવાનું પણ શ્રૃજને અભિયાન આદર્યું છે, જેના લીધે આ પરંપરાગત હસ્‍તકલાનો વારસો સચવાયો છે અને કારીગરો સ્‍વમાનભેર સ્‍વરોજગારી મેળવી રહ્યા છે.

હાલમાં શાનદાર ૫૦ વર્ષ પૂર્ણ કરી, પોતાની ગોલ્‍ડન જયુબીલી મનાવી રહેલું શ્રૃજન, નોટ ફોર પ્રોફિટ અને બિનસરકારી સંસ્‍થા તરીકે સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશમાં પ્રસિદ્ધ થયું છે અને તેને ‘ઇન્‍ટરનેશનલ ક્રાફટ એવોર્ડ ૨૦૧૭' થી તથા તેના સંસ્‍થાપક સ્‍વ.શ્રીમતિ ચંદાબેન શ્રોફને પ્રતિષ્ઠિત રોલેક્ષ એવોર્ડથી સન્‍માનવામાં આવ્‍યા છે. ગ્રામીણ કારીગર બહેનોને ઘર બેઠા સન્‍માનભેર સ્‍વરોજગારી આપી, તેમના ઉત્‍થાન અને વિકાસ માટે વર્ષોથી કાર્યરત અને સાથોસાથ કચ્‍છની પરંપરાગત મહામૂલી હસ્‍તકલાનું જતન અને સંવર્ધન કરવા માટે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શ્રૃજનને ‘નારી શક્‍તિ પુરષ્‍કાર ૨૦૧૮' રાષ્ટ્રપતિજીના હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યો. આમ શ્રૃજન પોતાના ઉમદા ધ્‍યેય સાથે કચ્‍છી કલાકારીગરીને યોગ્‍ય પ્‍લેટફોર્મ બક્ષી, તેને લોકાભિમુખ બનાવી, તેનું જતન કરી તેમજ તેના કારીગરોના ઉત્‍થાન અને ઉત્‍કર્ષ તરફ સતત આગળ વધી રહ્યું છે. શ્રૃજનના મોભી અને કચ્‍છના વિકાસમાં વિવિધ ક્ષેત્રે પોતાનું અનેરૂ યોગદાન સતત આપનારા સ્‍વ. શ્રી કાંતિસેન શ્રોફ - ‘કાકા' પોતાના બહોળા અનુભવથી માગદર્શકની ભૂમિકા સતત નિભાવી હતી, તો સંસ્‍થાના હાલના ચેરમેનશ્રી દિપેશભાઇ શ્રોફ અને મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રીમતી અમીબેન શ્રોફના હસ્‍તકલાને જાળવવા, સાચવવા અને વિકસાવવા માટેના સત્તત પ્રયત્‍નો થકી કચ્‍છનું પરંપરાગત ભરતકામ વિશ્વની ફલકે  બિરાજમાન થઈ શક્‍યું છે. જેનું ગૌરવ અને યશ સમગ્ર કચ્‍છ અને ગુજરાતને મળ્‍યું છે.

 કચ્‍છમાં દુનિયાના વિવિધ પ્રદેશોમાંથી સમય-સમયે સ્‍થળાંતર કરી અને કચ્‍છને પોતાનું કાયમી રહેઠાણ બનાવી વિવિધ હસ્‍તકલાઓ અને કારીગરીથી જોડાયેલી કેટલીક જાતિઓ પૈકી મુખ્‍યત્‍વે ૧૨ જેટલી અલગ-અલગ જાતિઓના વિવિધ શૈલીઓના ભરતકામને શ્રૃજન ઉજાગર કરી રહી છે. સાથોસાથ ખૂબ વિસ્‍તારપૂર્વક તેમની વિવિધ શૈલીઓ, ટાંકાઓ, કોર, બુટ્ટાઓ, આભલાઓ વગેરને સમજવા રિસર્ચ વિભાગ ઊભો કરી, તે બહોળી ટીમ મારફતે સતત સંશોધનાત્‍મક અભિગમ અપનાવી તેનું દસ્‍તાવેજીકરણ કરાઇ રહ્યું છે.

બહારથી કચ્‍છ આવતા પ્રવાસીઓને સાચું અને યોગ્‍ય માર્ગદર્શન તેમજ વિવિધ હસ્‍તકલાઓ અને તેમાંય ખાસ કરીને ભરતકામને સાચા અર્થમાં જોઈ શકે, સમજી શકે તેમાટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રાફટ મ્‍યુઝિયમ લિવિંગ એન્‍ડ લર્નિંગ ડિઝાઈન સેન્‍ટર (એલ.એલ.ડી.સી.) પાંચ વર્ષ અગાઉ એટલેકે જાન્‍યુઆરી-૨૦૧૬માં ખુલ્લું મૂકવામાં આવ્‍યું  છે, જેણે પોતાની અદ્દભૂત ગ્રીન સ્‍માર્ટ બિલ્‍ડીંગ આર્કિટેક્‍ચર માટે ત્રણ જેટલા આર્કિટેક્‍ચર એવોર્ડ પણ મેળવ્‍યા છે.

આ હસ્‍તકળાના બેજોડ મ્‍યુઝિયમમાં કુલ ત્રણ ગેલેરીઓ પૈકી હાલમાં ‘લિવિંગ એમ્‍બ્રોઈડરીઝ ઓફ કચ્‍છ'ના નામે મુખ્‍ય ગેલેરીનું પ્રદર્શન ચાલુમાં છે. જયારે ‘ઇન્‍સ્‍પિરેશન ગેલેરી'માં હાલમાં ‘સિંઘ અને કચ્‍છ ! ભરતકામથી જોડાયેલા?'નું પ્રદર્શન ચાલું છે. નવી રિસર્ચ ગેલેરી ‘ભરત ભરેલા આકાશ નીચે' (Under the Embroidered Sky) નું તાજેતરમાં કચ્‍છી નવા વર્ષે ઉદઘાટન કરવામાં આવ્‍યું છે. હાલે આ ગેલેરીમાં આહીર અને મેઘવાળ ગુર્જર કોમની સંસ્‍કૃતિ અને શ્રુજન સાથે કરેલા ભરતકામના અદ્વુત નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્‍યા છે.

રિસર્ચ ગેલેરીમાં અલગ-અલગ જાતિઓના સમયાંતરે શો યોજાશે, જે મુજબ એક એક જાતિઓની સંપૂર્ણ માહિતી, ઇતિહાસ, રહેણીકરણી, રીતરિવાજો, એમ્રોઈડરીની ગાથા, સમયસારણી વગેરે ને દર્શાવવામાં આવશે. કચ્‍છના વિવિધ હસ્‍તકળાઓને કારીગરોને સમર્પિત ઇન્‍સ્‍પિરેસન ગેલેરીમાં દર ચાર મહીને પ્રદર્શિત થનાર દુનીયાભરની હસ્‍તકળાઓ કે જેમાં ખાસ કરીને એમ્‍બ્રોરોઇડરી, વિવીંગ, પેઇન્‍ટીંગ વગેરેની વિવિધ શૈલીઓ અને આકર્ષક સ્‍વરૂપોના નમૂનાઓને આધુનિક રીતે અનોખા અંદાજથી રજૂ કરાય છે. વિવિધ જગ્‍યાઓ પર થતાં ભરતકામ તેમજ અન્‍ય કલાત્‍મક નમૂનાઓને બખૂબી પ્રદર્શિત કરાય છે, કે જેથી વિવિધ કારીગરો અન્‍ય દેશ, જાતિઓના ભરતકામ તેમજ અન્‍ય કલાઓને જોઇ નવું શીખે અને તેમાંથી પ્રેરણા મેળવે તથા તે મારફતે, કંઇક સર્જનાત્‍મક, પ્રયોગાત્‍મક અભિગમ  થકી તેમની હસ્‍તકળાઓમાં નવીનીકરણ પણ પેદા કરી શકે.

આ વિવિધ પ્રદર્શનો પૈકીનું પહેલું પ્રદર્શન ચિત્રકારો, બ્‍લોક પ્રિન્‍ટરો અને ભરતકામના કારીગરોની અદ્દભૂત ક્રુતિઓના સન્‍માન માટે ‘રીલીજીયસ ટેક્ષટાઈલ્‍સ પ્રદર્શિત થયું હતું. જેમાં પીછવાઈ, માતાની પછેડી ને ફળ પેઇન્‍ટીંગની અદ્દભૂત કલાઓને પ્રદર્શિત કરાયેલ. ત્‍યારબાદ બીજું પ્રદર્શન - ‘આરી : એક ટાંકો વૈવિધ્‍યસભર ભવ્‍ય ભરતકામ' નો શુભારંભ થયેલો, જેમાં આરી ભરતકામ કે જે છેક સોળમી સદીથી પરંપરાગત ચાલતી આવતી હસ્‍તકળા છે, તેના વિવિધ નમૂનાઓનું અદ્દભૂત પ્રદર્શન રજૂકરાયેલ. એ પછી ત્રીજું પ્રદર્શન- ‘ઝરી : વષા અને ધાતુયનો સંવાદ' નું હતુ, જેમાં ઝરી કામ કે જેને ઝરદોશી કામ પણ કહેવાય છે. ત્‍યારબાદ ચોથુ પ્રદર્શન : ‘બનારસ - વાર્તા કિંનખાબની' નું પ્રદર્શન થયેલું. જેમાં બનારસી શૈલીના વણાટકામના વિવિધ નમૂનાઓ પ્રદર્શિત કરાયા હતા અને તે પછી બનારસી વણાટકામની બીજી શૈલી ‘તંછોઈ'નું પ્રદર્શન યોજાયું હતું. છઠ્ઠો શો ‘પ્‍લાય સ્‍પ્‍લીટ બ્રેડિંગ' ક્રાફટ પર આધારિત હતું. જે આર્ટિસ્‍ટ અને ભુતપૂર્વ NID પ્રોફેસર એરલ પાયર્સ વડે બનાવેલા નમૂનાઓનું સોલો પ્રદર્શન હતું.

 આ ઉપરાંત ખૂબ સુંદર આધુનિક સુવિધાથી સજજ સંપૂણ નેચરલ એર કુલીંગ સીસ્‍ટમ ધરાવતું ઓડીટોરીયમ પણ અત્રે આવેલું છે, જેમાં વર્ષભર વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો, સેમિનારો, વર્કશોપ તેમજ ટ્રેનીંગ વગેરે યોજાતા રહે છે. અહીંનું કોન્‍ફરન્‍સ હોલ સંસ્‍થાકીય કે કોર્પોરેટ મીટીંગો માટે સુંદર સગવડો પૂરી પાડે છે. મુલાકાતીઓ માટે કાફેની સરસ સગવડ ઊભી કરાઇ છે, જેમાં સ્‍વાદિષ્ટ ભોજન, નાસ્‍તાઓ તથા ચા-કોફી કે આઇસ્‍ક્રીમ વગેરે મળેછે. વળી મ્‍યુઝિયમ શોપમાં ખૂબ જ સુંદર ગુણવત્તા ધરાવતી એમ્‍બ્રોઈડરીની પ્રોડકટનું તેમજ અન્‍ય હસ્‍તકલાઓની ચીજ વસ્‍તુઓનું વેચાણ કરાય છે.

 સંશોધન કે ઇન્‍ટર્નશીપ અર્થે સ્‍ટુડન્‍ટ તરીકે આવતાં મુલાકાતીઓ કે વિદ્યાર્થીઓ માટે અહી બહોળા વિવિધ ક્ષેત્રોના દુર્લભ પુસ્‍તકો ધરાવતી મ્‍યુઝિયમ લાઈબ્રેરી પણ છે, જેનો સમયાંતરે શોધકર્તાઓ, વિદ્યાથીઓ અને વાંચન રસિકો લાભ લેતા રહે છે.

આ ક્રાફટ મ્‍યુઝિયમ દરરોજ સવારે ૧૦ થી સાંજે ૬ સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહે છે. સોમવારે મ્‍યુઝિયમ બંધ રહે છે. મુલાકાત અર્થે અહીં ચાલતાં વિવિધ કાર્યક્રમોની વધારે માહિતી મેળવવા માટે (૦૨૮૩૨) ૨૨૯૦૯૦, ૮૯૮૦૩૨૯૦૯૦ પર સંપર્ક સાધી શકાય છે.

આમ શ્રુજન ટ્રસ્‍ટ સંચાલિત આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રાફટ મ્‍યુઝિયમ લિવિંગ એન્‍ડ લર્નિંગ ડિઝાઈન સેન્‍ટર  (એલ.એલ.ડી.સી. )  કચ્‍છ ગુજરાત નું અને ભારતનું સર્વશ્રેષ્ઠ ક્રાફટ મ્‍યુઝિયમ તરીકે ઊભરી રહ્યું છે, જે બહુ પરીમાણીય હસ્‍તકલાનું એજયુકેશન અને રિસોર્સ સેન્‍ટર તરીકે ઉજાગર થઇ રહ્યું છે.          જ્જજ્જૂજ્જ

- મહેશ ગોસ્‍વામી (હેડ પી.આર અને ઇવેંટ્‍સ)

(12:09 pm IST)