Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ગીર-સોમનાથના કોર્ટના વોરંટની બજવણી કરવા ગયેલ પોલીસ પાર્ટી ઉપર હુમલો કરવાના કેસમાં આરોપીઓની જામીન અરજી રદ

કોર્ટના હુકમની અમલવારી કરવા ગયેલ પોલીસ ઉપરનો હુમલો સમાજ હિતમાં નથીઃ આરોપીઓને જામીન આપી શકાય નહીઃ સત્ર ન્‍યાયાધીશ પી.જી.ગોકાણીનો ચુકાદો

ગીર-સોમનાથ તા.૩૦ : ગીર-સોમનાથના મેજીસ્‍ટ્રેટ દ્વારા મારામારીના કેસમાં હાજર ન રહેતા કાઢવામાં આવેલ વોરંટની બજવણી કરવા જતા પોલીસ પાર્ટી ઉપર તલવાર વડે હુમલો કરવાના ગુન્‍હામાં પકડાયેલ આરોપીઓના જામીન સેશન્‍સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે. કે, ર૦૧૩ ની સાલમાં મારામારીના ગુન્‍હામાં સંડોવાયેલા લીલા ચનાભાઇ સોલંકી રહે. હડમતીયા, જી.ગીર સોમનાથ તથા રવજી ભાણાભાઇ સોલંકી રહ. હડમતીયા, તાલાલા, જી. ગીર સોમનાથનાઓ પોતાની સામેના કેસ કાર્યવાહી દરમ્‍યાન હાજર ન રહેતા મેજીસ્‍ટ્રેટ અદાલત દ્વારા બન્ને આરોપીઓના પકડ વોરંટ કાઢવામાં આવેલ હતા. જે પકડ વોરંટની બજવણી અર્થે પોલીસ કર્મચારીઓ હડમતીયા ગામે જતા આરોપીઓએ સૌપ્રથમ પકડ વોરંટની અમલવારી કરનાર અધીકારીઓ સાથે માથાકુટ કરેલ અને અધીકારીઓને ત્‍યાથી ચાલ્‍યા જવા ધમકી આપેલી પરંતુ પોલીસ અધીકારી પોતાની ફરજના ભાગરૂપે વોરંટની અમલદારી કરવા મકકમ રહેતા આરોપીઓએ પોતાના ઘરમાંથી તલવાર કાઢી તલવાર વડે ફરજ બજાવતા પોલીસ અધીકારીઓ પર ઘાતકી હુમલો કરેલ જેમાં પોલીસ કર્મચારીને ગંભીર ઇજાઓ પહોંચેલ તેમજ અન્‍ય કર્મચારીઓને ઢીકાપાટુનો પણ માર મારતા તાલાલા પોલીસ સ્‍ટેશનમાં ખુની હુમલો તથા ફરજમાં રૂકાવટની ગંભીર કલમો હેઠળ ગુન્‍હો દાખલ કરાયેલ હતો. અને આરોપીઓને પકડી જેલ હવાલે કરાતા આરોપીઓ દ્વારા ગીર-સોમનાથના સેશન્‍સ જજ શ્રી પી.જી.ગોકાણીની અદાલતમાં જામીન પર મુકત થવા માટેની અરજી કરવામાં આવેલ હતી.

જામીન અરજીની સુનાવણી દરમ્‍યાન ગીર-સોમનાથના સરકારી વકીલ કેતનસિંહ વાળાએ રજુઆત કરેલ પરંતુ અદાલતના હુકમ મુજબ આરોપીઓ સામેના વોરંટની બજવણી કરવા ગયેલ પોલીસ અધીકારીઓ પર તલવાર વડે જીવણેલ હુમલો કરેલ છે જે તલવાર આરોપીઓ પાસેથી રીકવર કરવામાં આવેલ છે. અને તબીબી અભીપ્રાય મુજબ ખુબજ ગંભીર ઇજાઓ છે જેથી આરોપીઓએ સમાજ વિરૂધ્‍ધ ગંભીર ગુન્‍હો કરેલ હોવાથી જામીન ન આપવા રજુઆતો કરેલ હતી.

તમામ પક્ષકારોની રજુઆત બાદ ગીર-સોમનાથના મુખ્‍ય સત્ર ન્‍યાયાધીશ શ્રી પી.જી. ગોકાણી દ્વારા આરોપીઓની જામીન અરજી ફગાવી દેતા હુકમમાં તેવુ નોંધેલ કે, આરોપીઓ પોતાની સામે નવ વર્ષ અગાઉ થયેલ મારામારીના કેસમાં હાજર ન રહેતા અદાલત દ્વારા પકડ વોરંટ કાઢવામાં આવેલ જે પકડ વોરંટની બજવણી કરવા જતા આરોપીઓએ પોલીસના માણસો ઉપર ગંભીર હુમલો કરેલ છે તેથી જયારે પોલીસ અદાલતના હુકમની અમલવારી માટે ગયેલ હોવાનું જાણતા હોવા છતા જાણી જોઇને અદાલતમાં હાજર થવુ ન પડે તે હેતુથી પોલીસ ઉપર ગંભીર હુમલો કરેલ હોય, આરોપીઓની વર્તણુંક ધ્‍યાને લેતા આવા સમાજના હિતમાં આરોપીઓને જામીન પર મુકત કરવા ન્‍યાયોચીત અને હીતાવહ ન હોવાનું જણાવી બન્ને આરોપીઓની જામીન અરજી ફગાવી દીધેલ હતી.

આ કામે સરકાર તરફે સરકારી વકીલ કેતનસિંહ વાળાએ રજુઆતો કરેલ હતી.

(12:16 pm IST)