Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

કૃષિ યુનિવર્સિટીના સંશોધનને સૌપ્રથમ પેટન્ટને ભારત સરકાર દ્વારા માન્યતા

ફળો - શાકભાજીની પરિવહન દરમિયાન થતા બગાડને અટકાવવા ફોલ્ડેબલ પ્લાસ્ટિક બોક્ષની પેટન્ટને માન્યતા

જુનાગઢ તા. ૩૦ : કૃષિ યુનિવર્સીટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના રીન્યુએબલ એનર્જી એન્જીનીયરીંગ વિભાગ હસ્તક ચાલતી ઓલ ઈન્ડિયા કો-ઓર્ડીનેટેડ રીસર્ચ પ્રોજેકટ ઓન પ્લાસ્ટિક એન્જીનીયરીંગ ઇન એગ્રીકલ્ચરલ સ્ટ્રકચર એન્ડ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ યોજના દ્વારા ફળો અને શાકભાજી પાકોના પરિવહન દરમ્યાન થતા બગાડ અટકાવવા માટે વિકસાવવામાં આવેલ  ફોલ્ડેબલ પ્લાસ્ટિક ખાનાવાળા બોક્ષને પેટન્ટ મળેલ છે. યુનિવર્સીટીની આ સૌપ્રથમ પેટન્ટને કે જેને ભારત સરકારની માન્યતા મળવાથી યુનિવર્સીટી 'સુવર્ણ સિદ્ઘિ' પ્રાપ્ત થયેલ છે.

રીન્યુએબલ એનર્જી એન્જીનીયરીંગ વિભાગના કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ સ્વ. ડો. ડી. કે. અંટાળા, ડો. પી. એમ. ચૌહાણ, ડો. આર. એમ. સતાસીયા, ડો. આર. એ. ગુપ્તા, જે.વી. ભુવા દ્વારા વર્ષ ૨૦૧૩માં આ ફોલ્ડેબલ પ્લાસ્ટિક બોક્ષનું બાગાયતી પાકોના પરિવહન માટે સંશોધન કરવામાં આવેલ તેમજ તેની પેટન્ટના રજીસ્ટ્રેશન માટે નામદાર ભારત સરકારને રજુ કરવામાં આવેલ હતી. આ સંશોધન માટે વર્ષ ૨૦૧૭ માં ભારત સરકાર દ્વારા બે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ એનાયત કરવામાં આવેલ. જેમાં પ્રથમ નેશનલ રિસર્ચ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા સામાજીક ઇનોવેશન એવોર્ડ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. હર્ષવર્ધન,  સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલયના વરદ હસ્તે તેમજ બીજો એવોર્ડ પેટ્રોકેમિકલ અને પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, મંત્રાલયના  પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી સ્વ. અનંતકુમારના વરદ હસ્તે એનાયત કરવામાં આવેલ. તદુપરાંત, આ અનુસંધાને બાગાયત પાકોના ઉત્પાદકો,  ખેડૂતો તથા તેને સંલગ્ન વેપારીઓ માટે અત્યંત ઉપયોગી એવા ફોલ્ડેબલ પ્લાસ્ટિક ખાનાવાળા બોક્ષની સંશોધન ભલામણો, બુકલેટ, પેમ્ફલેટ, વિગેરે પણ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા ફોલ્ડેબલ પ્લાસ્ટિક ખાનાવાળા બોક્ષ પર આતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીયકક્ષાના રિસર્ચ પેપરો અને લેખો પણ સંશોધકો દ્વારા પ્રકશિત કરવામાં આવેલ છે. 

 પોલીપ્રોપીલીન કોરુગેટેડ શીટમાંથી બનાવેલ આ પરિવહન ખાનાવાળા બોક્ષની વિશિષ્ઠતાઓમાં તેને સંપૂર્ણપણે ફોલ્ડ કરી શકાય છે, સ્થળાંતર દરમ્યાન હવાની અવર- જવર સારી રહે તે માટે બોક્ષમાં કાણાઓ રાખવામાં આવેલ છે, આ બોક્ષ ચાર સ્તરનું બનેલુ છે, દરેક સ્તરમાં ફળ કે શાકભાજીને અલગ-અલગ રાખવા માટે તેની સાઈઝ મુજબના એડજસ્ટેબલ ખાનાઓ આપેલા છે. વધુમાં, આ પરિવહન બોક્ષમાં ગોઠવવામાં આવતા  ફળો કે શાકભાજી જેમકે ચીકુ, ટામેટા, વિગેરે એકબીજાને સ્પર્શતા ન હોવાથી તેમની વચ્ચે આંતરિક ઘર્ષણ થતું નથી, તેમજ અલગ-અલગ સ્તરમાં ગોઠવેલ ફળ કે શાકભાજી પર કોઈપણ જાતનું દબાણ કે ભારણ ન આવતું હોવાથી તેમાં સંગ્રહિત ફળ કે શાકભાજીનો લાંબા અંતરના પરિવહન દરમ્યાન કોઈપણ જાતનું નુકશાન કે બગાડ થતો નથી. આ પરિવહન બોક્ષ દ્વારા સ્થળાન્તરીત કરવામાં આવેલ ફળ કે શાકભાજીની મૂળભૂત ગુણવત્ત્।ાઓ જેમકે સુગંધ, સ્વાદ, કલર, પરિપકવતા, સખ્તાઈ, વિગેરે જળવાઈ રહે છે. આ પરિવહન બોક્ષનો અનેક વાર ઉપયોગ કરી શકાય છે અને તેના ઉપયોગથી પરિવહન ખર્ચ પણ ઘટે છે.  ૩૯ સેમી હ્ર ૩૨.૫ સેમી હ્ર ૨૪.૫ સેમી ની સાઈઝ ધરાવતું ફોલ્ડેબલ પ્લાસ્ટિક પરિવહન બોક્ષનું વજન માત્ર ૧.૫ કિલો, તેની પરિવહન ક્ષમતા ૧૦ કિલો છે. આ પરિવહન બોક્ષના ઉપયોગથી કોથળામાં સ્થળાંતર કરવાની પદ્ઘતિની સરખામણીમાં ફળ-શાકભાજી પાકોને જેટલું ઓછું નુકશાન થાય છે. આ પરિવહન બોક્ષ રોડ, રેલ્વે, દરિયાઈ તેમજ હવાઈ માર્ગે સરળતાથી પરિવહન કરવા ખુબજ ઉપયોગી છે.  

આ વિશિષ્ટ સિદ્ઘિ પ્રાપ્ત થવાથી માનનીય કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટિયા, સંશોધન નિયામકશ્રી ડો. ડી. આર. મેહતા, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી વિદ્યાશાખાના પ્રિન્સીપાલ અને ડીનશ્રી ડો. એન. કે. ગોટીયા તેમજ સમગ્ર યુનિવર્સીટીના અધિકારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને નિવૃત વૈજ્ઞાનિકશ્રીઓ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે અને પ્રાધ્યાપક અને વડાશ્રી ડો. પી. એમ. ચૌહાણ, ડો. આર. એમ. સતાસીયા, ડો. આર. એ. ગુપ્તા, શ્રી જે.વી. ભુવા તેમજ યોજના અને વિભાગના અધિકારીઓ / કર્મચારીઓમાં સંશોધન ઈજનેર ડો. જી. વી. પ્રજાપતિ, મદદનીશ પ્રાધ્યાપકો ડો. એસ. પી. ચોલેરા, ડો. એમ. એસ. દુલાવત, પ્રો. એમ. જે. ગોઝીયા, પ્રો. સાગર કેલેયા, પ્રો. ઉમેશ ડોબરિયા તેમજ એસ.આર.એફ. મનોજ સોજીત્રા, જગુ મકવાણા વિગેરે સ્ટાફને તેઓની આ સફળતા બદલ અભિનંદન પાઠવેલ છે.

આ ફોલ્ડેબલ પ્લાસ્ટિક ખાનાવાળા બોક્ષના મુખ્ય સંશોધક કૃષિ વૈજ્ઞાનિક સ્વ. ડો. દિનેશ ખીમજીભાઈ અંટાળાનું તેમણે સંશોધિત કરેલ પરિવહન બોક્ષની સરકાર માન્ય પેટન્ટ કરાવવાનું સ્વપ્ન અને મહત્વકાંક્ષા હતી, જે રીન્યુએબલ એનર્જી એન્જીનીયરીંગ વિભાગના પ્રાધ્યાપક અને વડાશ્રી ડો. પી. એમ. ચૌહાણના અથાગ પ્રયત્ન અને સતત ટેકનીકલ કોરસપોન્ડન્સની જવાબી કાર્યવાહીથી યથાર્થ થયેલ છે. એ.આઈ.સી.આર.પી. ઓન પ્લાસ્ટિક એન્જીનીયરીંગ ઇન એગ્રીકલ્ચરલ સ્ટ્રકચર એન્ડ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટના પ્રોજેકટ કો-ઓર્ડિનેટર    ડો. આર. એન. સિંઘ અને ડેપ્યુટી ડાયરેકટર જનરલ (એગ્રી. એન્જી.) ડો. એસ. એન. ઝા દ્વારા પણ પરિવહન બોક્ષની પેટન્ટ મળવા બદલ ડો. પી. એમ. ચૌહાણ અને તેમની ટીમને અભિનંદન પાઠવેલ છે.     

આ ફોલ્ડેબલ પ્લાસ્ટિક પરિવહન બોક્ષને પેટન્ટ મુજબની માપ સાઈઝમાં બનાવવાના રસ ધરાવનાર મેન્યુફેકરર / પાર્ટીઓએ જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના પદાધિકારીઓનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

(1:53 pm IST)