Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ગિરનાર જૈન તિર્થસ્થાનોમાં ચાતુર્માસનું આગમન

જૂનાગઢ તા. ૩૦ : સનાતન હિન્દુ ધર્મમાં જેમ શ્રાવણ અને પુરૃષોત્તમ માસનું અનેરૃ મહત્વ છે તેવું જ જૈન ધર્મ માટે ચાતુર્માસનું મહત્વ છે. તાજેતરમાં પર્યુષણ પુર્ણ થતા હવે ચાતુર્માસનો પ્રારંભ થયો છે અને જૈન ધર્મના શ્વેતામ્બર, દિગમ્બર અને મૂર્તિપૂજક સંપ્રદાય ચતુમસિની ઉજવણી કરી રહ્યા છે. પૌરાણિક કાળથી ધર્મનગરી તરીકે ઓળખાતા જૂનાગઢમાં જૈન સંપ્રદાયની પણ નોંધપાત્ર વસતી છે અને જૂનાગઢના ગરવા ગિરનારના સાનિધ્યે જૈન સંપ્રદાયના હેમવલ્લભ સુરીજી મહારાજ અને પશ્મદર્શન વિજયજી મહારાજની નિશ્રામાં ગિરનાર તળેટી સ્થિત ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે ચાતુર્માસની ઉજવણી ચાલી રહી છે. તેવી સ્થિતિ વચ્ચે આ પ્રસંગે યોજાયેલ વ્યાખ્યાન માળામાં આ જૈનાચાર્યોએ કુટુંબની અખંડતા ઉપર ભાર મુકી જણાવ્યુ હતું કે આ કળયુગમાં સંગઠન જ સબળ શકિત છે. આ જૈનાચાર્યોએ વધુમાં જણાવ્યુ હતું કે કુટુંબ જ્યારથી વિભકત થયા ત્યારથી અશાંતિ સહિતની સમસ્યાઓ સર્જઈ છે. સંયુકત કુટુંબ હતાં ત્યારે સુરક્ષા અને શાંતિ સાથે પરિવારમાં પ્રસન્નતા હતી. તેમ જણાવી તેમણે સમાજમાં શાંતિ માટે જતુ કરવાની ભાવના તેમજ ભેગુ કરવા કરતા ભેગા રહેવાની ઉપસ્થિત શ્રોતાજનોને શીખ આપી હતી. અત્રે યાદ આપવું ઘટે કે જૈન ધર્મનું મહત્વનું તિર્થધામ શત્રુંજલધામ પાલીતાણા પછી જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલ જૈન દેરાસરો અને આ પુરાતન શહેરમાં આવેલા જૈન ધર્મસ્થળો ઉપરાંત ગિરનાર તળેટી સ્થિત જૈન ધર્મના વિવિધ ફિરકાઓના ધર્મસ્થાનોમાં દર વર્ષે દેશ-દેશાવરમાંથી વિશાળ સંખ્યામાં યાત્રિકો યાત્રાએ આવે છે અને ધર્મલાભ મેળવે છે.

(1:55 pm IST)