Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

પોરબંદર : કોળી સમાજની એકતા સંગઠન મજબુત બનાવવા જ્ઞાતિ આગેવાનોનો નિર્ધાર

પોરબંદર, તા., ૩૦: માધવપુર (ઘેડ)નજીકના બગસરા (ઘેડ) મુકામે શ્રી રામદેવ ટ્રસ્‍ટ બગસરા (ઘેડ) દ્વારા કોળી સમાજની એકતા સંગઠન મજબુત બનાવવાના ભાગરૂપે સમાજ સુધારણા માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

બગસરા (ઘેડ)ના રામદેવજી મંદિરના પરીસર ખાતે રામદેવજી મહારાજના જૈફ વયના પરમ ભકત ભીમાબાપા બગીયાના અધ્‍યક્ષ સ્‍થાને કોળી સમાજની એકતા અને સંગઠન મજબુત બનાવવા અંગે સમાજ સુધારણા માટે મળેલી બેઠકમાં બગસરા (ઘેડ) રામદેવ ટ્રસ્‍ટના પ્રમુખશ્રી નાગાભાઇ વાજાએ એકતાના તાંતણે જોડાવુ જોઇએ. સમાજનું સંગઠન મજબુત હોય તો રચનાત્‍મક કામો સારી રીતે પાર પાડી શકાય તેમ જણાવી ઘેડ બગસરા કોળી સમાજના શૈક્ષણીક, સામાજીક અને સેવાકીય કાર્યોનો વિસ્‍તૃત પરીચય આપી સૌ મહાનુભાવોને આવકાર્યા હતા.

સમાજ શ્રેષ્‍ઠીઓ મસરીભાઇ ડાકી, પીયુષભાઇ ઘરસંડા કારાભાઇ બાલસ, હમીરભાઇ ઘરસંડા, ભાયાભાઇ વાંઢીયા, મુળુભાઇ ખેર, હરદાસભાઇ ડાકી, શ્રી ગોવિંદભાઇ માવદીયા, વરજાંગભાઇ ડાકી, ડાયાભાઇ બગીયા, ભોજાભાઇની ઉપસ્‍થિતિમાં મંગલદીપ પ્રગટાવીને બેઠકને ખુલ્લી મુકતા જ પોરબંદરના જાણીતા કેળવણીકાર અને કોળી સમાજ રત્‍ન ડો. ઇશ્વરલાલ ભરડાએ જણાવ્‍યું હતું કે સામાજીક અને શૈક્ષણીક રીતે કોળી સમાજમાં જે કાઇ પરિવર્તન આવે છે તે શિક્ષણના માધ્‍યમ થકી આવે છે વ્‍યસનો કુરિવાજો અને અંધશ્રધ્‍ધા ત્‍યજી કન્‍યા કેળવણીને ટોચ અગ્રતા આપવા અપીલ કરી હતી. ટ્રસ્‍ટના ઉપપ્રમુખ મસરીભાઇ ડાકીએ કરી હતી. ટ્રસ્‍ટના ઉપપ્રમુખ મસરીભાઇ ડાકીએ કોળી જ્ઞાતિએ શૈક્ષણીક, સામાજીક અને રાજકીય ક્ષેત્રે આગળ આવવા અપીલ કરી હતી.

ઘેડ વિસ્‍તારના યુવા સંગઠનના પ્રમુખ રામભાઇ બગીયાએ જણાવ્‍યું હતુ કે કોળી સમાજની સમગ્ર દેશમાં ૨૧ કરોડ અને ગુજરાતમાં ર૮ ટકા વસ્‍તી ધરાવતા કોળી સમાજમાં મહિલામાં કેળવણીનું પ્રમાણ નહીવત રહયું છે ત્‍યારે મહિલાઓને શિક્ષણ આપી મજબુત કરવુ સમાજને સુધારવાનું કામ બહેનો જ કરી શકશે.

કેશોદના ધારાસભ્‍ય અને રાજયના પશુપાલન મંત્રી દેવાભાઇ માલમે પોતાના શુભેચ્‍છા સંદેશામાં કન્‍યા કેળવણીની રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવીસ્ત્રી-સશકિતકરણની ભાવના મજબુત બનાવવાની શુભેચ્‍છા પાઠવી હતી.

સમાજ શ્રેષ્‍ઠીઓ દ્વારા કોળી સમાજના યુવાનોને કારકીર્દી ઘડતરમાં માર્ગદર્શન મળે તેવા સેમીનારોનું આયોજન કરવા સમાજના  બહેનો માટે રોજગારલક્ષી તાલીમ વર્ગો અને યુવાનો માટે વ્‍યસન મુકિતના કાર્યક્રમો તેમજ શિક્ષણ માટેના વર્ગો નવરાત્રી મહોત્‍સવ સહીતના કાર્યક્રમો કરવાની ઇચ્‍છા વ્‍યકત કરાઇ હતી.

કાર્યક્રમનું સંચાલન  પ્રફુલભાઇ બગીયાએ સંભાળ્‍યું હતું. આભારદર્શન નિવૃત શિક્ષક ભાયાભાઇ વાઢીયાએ કર્યુ હતું. આ સમાજ સુધારણા બેઠકમાં સમાજ શ્રેષ્‍ઠીઓ લખમણભાઇ પરમાર, મસરીભાઇ ડાકી, નિલેશભાઇ માવદીયા, ગોવિંદભાઇ બગીયા, નાથાભાઇ વાજા, દીનેશભાઇ માલમ, હરદાસ વાઢેર, મુળુભાઇ ખેર, સહીત કોળી સમાજના ભાઇ બહેનો બહોળી સંખ્‍યામાં હાજર રહયા હતા.

(1:57 pm IST)