Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સોમનાથ પંથકમાં ગોળના રાબડાઓ ધમધમવા લાગ્યા

કેસર કેરી, કેસરી સિંહ અને સોના જેવા પીળા-કેસરી રંગનો ગોળ આ મલકનું ઘરેણું છે

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ - પાટણ તા. ર૯ :.. સોમનાથ-કોડીનાર અને તાલાલા પંથકના ખેતરોમાં સ્વાદ, સુગંધ, અને સોડમથી શેરડીમાંથી બનતા ગોળથી રાબડા ધમધમી રહ્યા છે.

ગીરની કેસર કેરી, કેસરી સિંહ અને સોના જેમ ચળકતો કણીદાર કેસરી ગોળ આ મલકની આર્થિક જીવાદોરી અને આન-બાન- અને શાન છે.

સોમનાથના આજોઠા ગામના જેસાભાઇ ભરગા કહે છે આપણા પંથકમાં દિવાળીથી હોળી સુધી આ ગોળ બનાવવાના રાબડા ચાલે છે.

અમારું વાહન ખેડૂતો પાસેથી શેરડી ખરીદી અને ત્યાં જ તેને કાપકુપ કરી પીલાણ - રાબડાના સ્થળે ઠાલવે છે. કાપકુપામાં ખેતરમાં ખાસ મહારાષ્ટ્રથી ભાઇઓ - બહેનો શ્રમિકો જ આ કામમાં કુશળતા ધરાવે છે.

આજોઠા કોલેજની બાજુમાં જ સોમનાથ - કોડીનાર હાઇવે ઉપર આવેલ અમારા પીલાણ કેન્દ્રમાં ર૦ થી રપ શ્રમિકો મધ્ય પ્રદેશ-રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી આવેલા હોય છે. જયાં શેરડીને ચીચોડામાં ક્રસ કરવામાં આવે અને નળી વાટે રસ ભઠ્ઠીઓ ઉપર ગોઠવેલા તાવડામાં જાય છે. જયાં ગોળ બનવાની પ્રક્રિયા શરૂ થઇ ગોળના ડબ્બા ભરાય ત્યાં સુધી પુરી થાય છે. અને શેરડી પીલતાં નીકળેલાં બગાસ એટલે કે છોતરાં ૪૮ કલાક સુધી સુકવી તેને જ પાછા બળતણમાં ઉપયોગ કરીએ.

ભાસ્ક વૈદ્ય કહે છે 'જુના જમાનામાં ચિચોડા ચાર બળદથી ફેરવાતા અને તેમાં વાઢેલી શેરડીનો નીકળતો રસ ડબ્બામાં કે તપેલામાં ભેગો થતો પછી તે રસ મોટા તાવડામાં ઠલવાતો તાવડા નીચે મોટો તાપ ચાલુ રહેતો અને જેમાં ઉકળતા રસમાંથી દેશી ગોળ બનતો જો કે હવે યાંત્રિક સાધનો આવી ગયા છે.

જુનાગઢ જીલ્લાના માહિતીખાતાના અધિકારી અર્જુનભાઇ પરમાર કે જેમણે ગીર અને સોમનાથની વિશેષતાઓને ખેતર- ખેતરે અને નેસડે નેસડે જાતે જઇ પોતાના લેખનથી હાઇલાઇટસ કરી છે તેઓ એ ૧ એપ્રીલ  ર૦૦૮ ના રોજ કહેલ કે આપણને આ પ્રક્રિયાઓ સમજવા સરળરૂપ થશે તેઓ કહે છે. ગોળ બનાવવામાં ઉત્તર પ્રદેશના ભૈયાઓની હથરોટી છે તેઓ શેરડીના પીલાણથી માંડીને આનુસંગીક કામગીરીમાં ગોધરા વિસ્તારના શ્રમિકો તાલાલા સહિતના  વિસ્તારોમાં નવેમ્બરથી માર્ચ સુધી ગોળના રાબડામાં કામ કરવા આવે છે.

ચીચોડામાંથી નીકળતો રસ પાઇપ વાટે મોટા તાવડામાં જાય છે જેની નીચે ભઠ્ઠો છે. શેરડીના રસને ક્રમબધ્ધ ચાર ઉકળતા તાવડામાં ઉકળી આગળ વધતાં  છેલ્લે ગોળ ચોકીમાં ઠાલવવામાં આવે છે. આ દરમ્યાન તેમાં દેશી ભીંડીના રસને શેરડીના રસમાં નાખતાં ગોળ કેસરી ઝાંય વાળો થાય છે અને રસમાંથી મેલ દૂર થાય છે. અને ગરમ ગોળ ચોકીમાં કાઢી તેને પાવડેથી ઘુંટી-ઘુંટી ગોળના ડબામાં ભરાય છે.

આ જ વાત જેસાભાઇ સમજાવતા કહે છે ભઠ્ઠીમાં ચાર થી પાંચ તાવડા હોય છે જે ઉકળતા રસમાં યુ. પી.ના ભૈયા ઝારેથી છેલ્લે સુધી મેલને તારવી સવો કે ચાસણી થાય ત્યાં સુધી સ્વચ્છ બનાવે અને ચોકીમાં રસને ઠંડો કરાય પછી ડબ્બામાં ભરાય ગોળ ૧ કિલોથી માંડી ર, ૪, ૧૦, ર૦, રપ કિલોના પેકીંગમાં મળે અને ડબો અંદાજે ૭પ૦ થી ૮૦૦, રપ કિલોના તેમજ ઓર્ગેનીક કે જેને દવા વગરનો ગોળ પણ બને છે.

ગોળનાં ડબાઓ દલાલો ખરીદે તેના માધ્યમથી છેક સુરત-મુંબઇ અને ગુજરાતમાં ઠેર-ઠેર પહોંચે છે.

સીઝનલ ગોળ બધો ન પણ વેંચાય તો ગોરખમણી અને કોડીનારમાં કોલ્ડ સ્ટોરેજ સંગ્રહ માટે છે તેમાં અમે રાખીયે અને દિવાળીએ કે સારા ભાવ મળે ત્યારે વેચાણ માટે લાવીયે આ રાબડાઓથી હજારોને રોજીરોટી મળે છે, મંજૂરી મળે છે અને આર્યુવેદિક રીતે આરોગ્ય માટે ગોળને ખુબ જ ઉપયોગી મનાયો છે. એક સમયે તાલાલા, કોડીનાર, ઉનામાં ખાંડ ફેકટરીઓ હતી જે હવે નથી. તેથી રાબડા સંચાલકોને શેરડીનો પુષ્ળ જથ્થો મળી રહે છે.

(11:47 am IST)