Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

જામનગર સંસદીય ક્ષેત્રમાં ૧૧૪ કરોડના રસ્તાઓ અને નાળા પુલીયાના કામો મંજૂર

જામનગર,તા. ૨૯: દ્વારકા જિલ્લાના સાંસદશ્રી પૂનમબેન માડમની જહેમતથી રાજ્ય સરકારએ જામનગર સંસદીયક્ષેત્રના જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં ૧૧૪ કરોડના રસ્તાઓ અને નાળા પુલીયાના કામો મંજુર કરી જોબનંબર ફાળવ્યા છે. જે અંગે સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા માર્ગ અને મકાન વિભાગના કેબીનેટ મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીનો આભાર વ્યકત કર્યો છે.

આ મંજુર થયેલ કામોમાં જામનગર તાલુકાના મોટી ભલસાણ સુમરી રોડ રૂ. ૩.૫૦ કરોડ, જોડીયા તાલુકામાં બારાડી બેરાજા રોડ રૂ. ૪ કરોડ, જામજોધપુર તાલુકામાં ડુબાણમાં જતા કોઝવેના સ્થાને પુલ બનાવવાના રૂ. ૬.૩૫ કરોડના ૬ કામો, ભાણવડ તાલુકામાં રૂ. ૮૬.૬૦ કરોડના ખર્ચના પાકા રસ્તાના જોડાણથી વંચિત જુદા-જુદા નેસ વિસ્તારના ૧૮ કામો, ખંભાળીયા તાલુકા રૂ. ૧૧.૬૦ કરોડના ખર્ચના પાકા રસ્તાના જોડાણથી વંચીત પરાઓના ૧૧ કામો અને કલ્યાણપુર તાલુકામાં રૂ. ૨ કરોડના ખર્ચના કોઝવેના સ્થાને પુલ બનાવવાના ૨ કામો મળી કુલ ૧૧૪.૦૫ કરોડના ખચના બન્ને જીલ્લામાં રોડ રસ્તા અને નાળા -પુલીયાના ૩૯ વિકાસ કામોનો સમાવેશ થાય છે.

આ કામો અંગે પક્ષના કાર્યકર્તાઓ, પ્રજાજનો, આગેવાનો, સૌની સમયાંતરે મળેલ રજુઆતો લક્ષમાં લઇ સાંસદશ્રી પૂનમબેન માડમએ સરકારશ્રીમાં ભારપૂર્વક રજુઆત કરતા સરકારશ્રીએ આ વધુ વિકાસ કામો મંજુર કરી જોબ નંબર ફાળવતા બહોળી સંખ્યાના ગ્રામજનો માટે વિશેષ સુવિધાઓ મળતા પરિવહન અને આવન-જાવન માટે ખૂબ જ સાનુકુળતાઓ થશે.

(1:05 pm IST)