Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ગાંધીધામમાં હનુમાન મંદિરની જગ્યા ખાલી કરવાની બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણુ

૭ લોકોને ઇજા થતા ૯ આરોપીઓ સામે ગુન્હો દાખલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૦ : ગાંધીધામ શહેરમાં મંદિરમાં આવેલી જગ્યા ખાલી કરાવવા મુદ્દે સશસ્ત્ર ધિંગાણું સર્જાયું હતું. આ બનાવમાં ૭ લોકોને ઈજાઓ થતાં ૯ આરોપીઓ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ગાંધીધામમાં જીઆઈડીસી ઝુપડા ખાતે આવેલ કેશરિયા હનુમાન મંદિર પાસે ગઈકાલે સાંજે આ ઘટના બનવા પામી હતી. મૂળ રાપરના ગેડીના અને હાલે જીઆઈડીસીમાં રહેતા સામતભાઈ જોગાભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓ ગાંધીધામ જીઆઈડીસીમાં આવેલ કેશરિયા હનુમાનના મંદિરમાં રહેતા હોઈ જે ખાલી કરાવવાનું કહેતા તે બાબતનું મનદુઃખ રાખી હુમલો કર્યો હતો.

જેમાં ગણેશનગરમાં રહેતા દિપક લાલચંદ પ્રજાપતિ, ગળપાદરમાં રહેતા યશવંત અનિલ શકસેના, સતર હજાર ઝુપડામાં રહેતા રાહુલ દુર્ગાસિંગ વાળા આરોપીઓ સ્વીફટ કાર નંબર જી.જે. ૧૨ બીએફ ૬૪૬૭માં આવ્યા હતા. તેમજ અન્ય બે આરોપીઓ સેકટર-પ રહેતા ધીરજ ઉર્ફે બાબા કાશીનાથ યાદવ અને ગણેશનગરમાં રહેતા ધર્મેન્દ્રસિંહ પરસુરામસિંહ રાજપૂતે આવી ઝઘડો ચાલુ કર્યો હતો.

આ દરમિયાન લાલ રંગની ફોર વ્હીલર નંબર જી.જે. ૧ર પી ૬૧૫૧માં આવેલા ચાર આરોપીઓ તલવાર, પાઈપ, લાકડી, લોખંડનો સળિયા સાથે આવી પહોંચ્યા હતા. અને જાતી અપમાનીત કરી માર મારવામાં આવ્યો હતો. જેમાં ફરિયાદીને કપાળમાં ચાર ટાંકા અને પ્રવીણભાઈ વાઘેલાને પગમાં તલવારથી ઈજા થઈ હતી. તો રમેશ આણંદાભાઈને હાથના ભાગે ફ્રેકચર જયારે અન્ય લોકોને પણ નાની મોટી ઈજાઓ થવા પામી હતી. સામે પક્ષે ધીરજ કાશીનાથ યાદવે પોતાને મંદિર ખાલી કરાવવામાં મુદ્દે સામતભાઈ પરમાર, રમેશ મૂછડિયા સહિત ૫૦ થી ૬૦ જણાના ટોળા સામે લાકડી, ધોકા, તલવાર, પાઈપથી હુમલો કરવાની ફરિયાદ નોધાવી છે. આ ધિંગાણાના સંદર્ભે બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

(10:13 am IST)