Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ઉના પાસે કારના ચોરખાનામાં છૂપાવેલ ૩૨ હજારનો દારૂ અને બીયર ઝડપાયાં

ઉના, તા. ૩૦ :. નવા બંદર મરીન પોલીસે ઉનાના ચીખલી ગામ પાસે ઈનોવા મોટરકારમાં ચોરખાનામાં છુપાવેલ વિદેશી દારૂની ૪૨ બોટલ, ૯૯ ટીન બીયર કિં. ૩૨ હજારનો તથા મોટર કાર મળી રૂ. ૨ લાખ ૩૨ હજાર ૪૦૦ના મુદ્દામાલ સાથે બેને પકડી પાડયા તથા દારૂ વેચનાર, ભરાવનાર મળી કુલ ૪ સામે ગુનો દાખલ કર્યો છે.

ગીરસોમનાથ જિલ્લા પોલીસ વડા રાહુલભાઈ ત્રિપાઠીની કડક સૂચનાથી પીએસઆઈ કે.જે. ચૌહાણ તથા કે.બી. પરમારના માર્ગદર્શન હેઠળ એએસઆઈ સરમણભાઈ છેલણા, પોલીસ હેડ કોન્સ. પ્રવીણભાઈ મોરી, ગોવિંદભાઈ મેર બાતમીના આધારે પેટ્રોલીંગમાં હતા ત્યારે દિવ તરફથી આવતી ઈનોવા મોટર કાર નંબર જીજે ૦૩ બીએ ૯૦૧૧નો પીછો કરી ચીખલી ગામ પાસે રોકાવી તપાસ કરતા મોટરમાં સીટ નીચે ચોરખાનુ બનાવેલ તેમાં પરપ્રાંતની વિવિધ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૪૨ તથા બીયર ટીન નંગ ૯૯ પાસ પરમીટ વગરના મળી આવતા કુલ રૂ. ૩૨ હજારનો દારૂ ૨ લાખની મોટર, ૧ મોબાઈલ ફોન સાથે કેશોદ ગામના વિક્રમ નથુભાઈ, (૨) ફાલ્ગુનભાઈ મનસુખભાઈ સોંદરવા રે. જુથીલવાળાને પકડી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા દારૂનો જથ્થો વિવેક કટારીયા રે. કેશોદવાળાએ આપવાનો હતો.

દિવમાં પંચમૂર્તિ વાઈન શોપમાંથી દારૂ ખરીદેલ હોય તે બન્ને સામે ગુન્હો નોંધી તેને પકડવા તજવીજ હાથ ધરી છે. ગુજરાતમાં પ્રવેશવાની બન્ને ચેકપોસ્ટ એહમદપુર માંડવી અને તડ ચેકપોસ્ટ બંધ થઈ ગઈ હોય દિવમાંથી બેરોકટોક વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં આવી રહ્યો છે. પોલીસ પકડવામાં સફળ થઈ હતી.

(11:24 am IST)