Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

પોરબંદરમાં વીજ થાંભલા પડી જવાના વધતા બનાવોઃ પાલિકાની બેદરકારી સામે આંદોલનની ચીમકી

પોરબંદર તા.૩૦ : અઠવાડીયામાં સ્ટ્રીટલાઇટના થાંભલા પડી જવાના બે બનાવોમાં પાલિકાની બેદરકારી છતી થઇ છે ને પાલિકા દ્વારા પગલા લેવામાં નહી આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી આપી છે.

શહેરની અંદર ૮ દિવસ પેહલા એમ.જી. રોડ ઉપર ટાવરની સામે જે ઇલેકટ્રીક સ્ટ્રીટલાઇટ ઉપરથી તુટીને નીચે પડી ગઇ હોય તેની જાણ થતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને યુથ કોંગ્રેસ પ્રમુખ આનંદભાઇ પુંજાણી અને કોંગ્રેસ આગેવાન વિશાલભાઇ બારાઇ અને વિજયભાઇ થાપલીયા ઘટના સ્થળે દોડી ગયા હતા અને નગરપાલિકાના પ્રમુખ  સરજુભાઇ કારીયાને જાણ કરી એ લાઇટ નીચે પડી ગઇ હોય અને હજી પણ રાણીબાગથી લઇ કલીના પુલ સુધીની લાઇટ સડી ગયેલ છે તે માટે તાત્કાલીક ધોરણે હટાવવામાં  ન આવે તો માણસોને મોટી જાનહાની થશે તેમ છતાં પણ તેઓએ કોઇ પગલાં લીધા ન હતા. ત્યાર પછી વધુ એક સ્ટ્રીટ લાઇટનો થાંપલો નાના બાળકો ઉપર પડતા બાળકોનો ચમત્કારીક બચાવ થયો હતોને તેમની સાયકલ ભાંગીને ભુકો થઇ ગઇ હતી. ત્યારે જિલ્લા પ્રમુખ અને કોંગ્રેસ આગેવાન રવિભાઇ વાઘેલા અને ચિરાગભાઇ વદર દોડી ગયા હતા અને આગામી ૮ દિવસની અંદર જો આ લાઇટનું નિરાકરણ દુર કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી.

(12:36 pm IST)