Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

વિસાવદરમાં કાલથી મીટરગેજ રેલવે પ્રશ્ને જબ્બર લોકઆંદોલનના મંડાણ

જૂનાગઢ - અમરેલી - ગીર સોમનાથ સહિત ત્રણ જિલ્લા અને અઢાર તાલુકાના પ્રાણપ્રશ્ને રેલવેનું અવ્યવહારૂ વલણ : આંદોલન પૂર્વે આંદોલનકારો સાથે વાટાઘાટો - સમાધાનના પણ લેશમાત્ર પ્રયાસો ન કરાયા : પ્રજામાં ભભૂકતો રોષ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા. ૩૦ : આખરે વિસાવદરમાં કાલે તા.૧ ડીસેમ્બરથી વિસાવદરને જોડતી જૂનાગઢ-અમરેલી-ગીર સોમનાથ સહિત ત્રણ જિલ્લા અને અઢાર તાલુકાની પ્રજાની સુવિધાને સ્પર્શતી મીટરગેજ રેલ્વે લાઈનો ત્વરીત શરૂ કરવાની માંગ સાથે ગાંધીચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનનાં મંડાણ થઇ રહ્યા છે.

રેલ્વેએ ડીસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ મીટરગેજ રેલ્વે લાઈનો શરૂ થઇ રહ્યાનુ વાતાવરણ ઉભુ કર્યુ પણ આંદોલન પૂર્વે આંદોલનકારો સાથે વાટાઘાટો-સમાધાન માટે કહેવાતી લેશમાત્ર દરકાર ન કરી સરેઆમ અવ્યવહારૂ વલણ દાખવાતા પ્રજામાં રોષ ભભૂકયો છે.

વિસાવદર રેલ્વે સ્ટેશન સામે કાલથી જૂનાગઢ-દેલવાડા, અમરેલી-વેરાવળ, જૂનાગઢ-અમરેલી મીટરગેજ ટ્રેન પ્રશ્ને ઉપવાસ-આંદોલનનાં મંડાણ થશે. કોરોનાનાં કારણે બંધ કરાયેલ ત્રણેય ટ્રેનો જૂના સમય મુજબ જ પૂર્વવત ચાલુ કરવાની આંદોલનકારોની પ્રાથમિક માંગ છે.

કોરોનાનાં કારણે બંધ કરાયેલ જૂનાગઢ-દેલવાડા,જૂનાગઢ-અમરેલી,અમરેલી-વેરાવળ મીટરગેજ ટ્રેનો ત્વરિત શરૂ કરવા અન્યથા તા.૦૧-૧૨-૨૦૨૧થી ઉપવાસ-આંદોલનનાં મંડાણ કરવાનુ ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા લેખિતમાં અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતુ. ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઇ કાનાબારે અલ્ટીમેટમમાં જણાવ્યુંહતું કે,કોરોનાનાં કારણે જૂનાગઢ-દેલવાડા, જૂનાગઢ-અમરેલી, અમરેલી-વેરાવળ ત્રણેય મીટર્રેગેજ ટ્રેનો બંધ કરાયેલ જે ટ્રેનો હજુયે બંધ છે. આ ત્રણેય ટ્રેનો જૂનાગઢ-અમરેલી-ગીર સોમનાથ ત્રણ જિલ્લાના અઢાર તાલુકાની પ્રજા માટે જીવાદોરી સમાન અને આશીર્વાદરૂપ ટ્રેનો છે.

આ ટ્રેનો બંધ હોવાના પરિણામે વિસાવદર, બિલખા, અમરેલી, ધારી, ચલાલા, ઉના, દેલવાડા વિગેરે ગામના ગ્રામજનો, વેપારીઓ,નોકરીયાતો સહિતના મુસાફરો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે.જેથી આ ત્રણેય મીટરગેજ ટ્રેનો ૩૧મી નવેમ્બર સુધીમાં શરૂ ન થાય તો તા.૦૧-૧૨-૨૦૨૧થી ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઇ કાનાબાર, શહેર ભાજપનાં પૂર્વ પ્રમુખ લલિતભાઇ ભટ્ટ, પેસેન્જર એસોસીએશનનાં પ્રમુખ ઇલ્યાસ ભાઇ ભારમલ, વિશ્વ હિંદુ પરિષદનાં જે.પી.છતાણી, ભાજપ અગ્રણી હિંમતભાઇ નાનજીભાઇ દવે ગાંધી ચીંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ આંદોલનનાં મંડાણ કરશે તેવી સત્તાવાળાઓને લેખિતમાં જાણ કરાઈ હતી પરંતુ રેલ્વેએ કહેવાતુ અવ્યવહારૂ વલણ દાખવી આંદોલનકારો સાથે વાટાઘાટો-સમાધાનનાં લેશમાત્ર પ્રયાસો ન કરતા આખરે કાલથી વિસાવદર રેલ્વે સ્ટેશન સામે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનનાં મંડાણ થઇ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,વિસાવદરને જોડતી મીટરગેજ રેલ્વે લાઈનો ત્વરીત શરૂ કરવા જિલ્લા ભાજપનાં વર્તમાન મંત્રી નરેન્દ્રભાઇ કોટીલા, પૂર્વ મંત્રી રમણીકભાઇ દુધાત્રા, સેવાભાવી ઉદ્યોગપતિ બિપીનભાઇ રામાણી સહિતનાં નેતાઓએ સોરઠનાં સાંસદ રાજેશભાઇ ચુડાસમાને લેખિત પત્રો પાઠવી અપીલ કરી હતી ઉપરાંત વિસાવદર-ભેસાણ વિસ્તારનાં ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા,શહેર કોંગ્રેસ પ્રમુખ નયનભાઇ જોષી,તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઇ વાડોદરિયા,ટીમ ગબ્બરનાં કે.એચ.ગજેરા તથા ગામેગામનાં રાજકીય-સામાજિક આગેવાનોએ અગાઉથી જ આ પ્રજાકિય પ્રાણપ્રશ્ન ત્વરીત ઉકેલવા-આંદોલનને ટેકો જાહેર કર્યો છે.

દરમિયાન વિસાવદરને જોડતી મીટરગેજ રેલ્વે લાઈનો ડીસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ થઇ રહ્યાની વાતો જોરશોરથી ગાજી રહી છે પણ આંદોલનકારોને સાચી સ્થિતથી વાકેફ કરવાનું કે, મૌખિક-લેખિત ખાત્રી આપી વાટાઘાટો-સમાધાનનાં માર્ગે આગળ ધપાવવાનુ જવાબદારો દ્રારા કોઇ જ ચિત્ર આ લખાઇ રહ્યુ છે ત્યાં સુધીમાં ઉપસ્થિત નથી થઇ રહ્યુ જેનો કચવાટ પ્રજામાં સાર્વત્રિક પ્રવર્તી રહ્યો છે.

(12:38 pm IST)