Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

કોવિડ-૧૯થી મૃત્યુ પામેલ વ્યકિતઓના પરિવારજનોને રૂ. ૫૦ હજારના બદલે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના હુકમ મુજબ રૂ. ૪ લાખની સહાય ચૂકવવા માંગણી કરતા પરેશભાઇ ધાનાણી

કોવિડ-૧૯ના કારણે મૃત્યુ પામેલાઓનો વિગતવાર સર્વે કરાવો : આધારભૂત અને વિશ્વસનીયતા ધરાવતુ કોવિડ-૧૯ મૃત્યુ રજીસ્ટર તૈયાર કરાવો : વિધાનસભા વિરોધ પક્ષના નેતાની માંગણી

રાજકોટ તા. ૩૦ : વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ રાજયના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી કોવિડ-૧૯થી મૃત્યુ પામેલ વ્યકતિઓના પરિવારજનોને રૂ. પ૦ હજારની સહાય ચૂકવવાના બદલે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના તા. ૧૪-૩-૨૦૨૦ના હુકમ મુજબ રૂ. ૪.૦૦ લાખની સહાય ચૂકવવા માંગણી કરી હતી.

શ્રી પરેશભાઈ ધાનાણીએ પત્રમાં જણાવ્યું હતું કે, કલ્યાણ રાજયનું આદર્શ ધરાવતું આપણું સંવિધાન આપણા નાગરિકોને શિક્ષણ, આરોગ્ય અને અન્ય આવશ્યક સેવાઓ મેળવવા માટેના મૂળભૂત અધિકારો પૂરા પાડે છે. તેની સાથે આપણું સંવિધાન પ્રત્યેક નાગરિકને આવા પ્રકારના બંધારણીય અધિકારો માટે દાવો કરવા પણ સક્ષમ બનાવે છે.

તા. ૧૧ સપ્ટેમ્બર, ર૦ર૧ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા નામદાર સર્વોચ્ચ અદાલતમાં વિગતવાર સોગંદનામું રજુ કરી કોવિડ-૧૯ મહામારીમાં અવસાન પામેલ વ્યકતિઓના પરિવારજનોને ફકત રૂ. પ૦ હજારની સહાય નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (N.D.M.A.) મારફત કેન્દ્ર અને રાજય વચ્ચે અનુક્રમે ૭પ% અને ૨૫%ના રેશિયોમાં સહાયની રકમ ચુકવવા જણાવેલ છે.

કોવિડ-૧૯ની મહામારીએ દેશમાં વિશાળ પાયા ઉપર મોટાભાગના લોકોને મોટાપાયે અસર પહોંચાડી છે. કોવિડ-૧૯ના કારણે અનેક લોકોના અકાળે અવસાન થયા, ધંધા-રોજગાર બંધ થયા, લોકોને હિજરત કરવાની ફરજ પડી, કુટુંબોએ તેમના કમાતા સભ્યોને ગુમાવ્યા અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ગજા બહારના ખર્ચા કરવા પડયા અને આ મહામારીએ તેમને રસ્તા ઉપર લાવી દીધા. કુટુંબોની બચત ખલાસ થઈ ગઈ અને લોકો દેવાદાર બની ગયા. આવા કપરાકાળમાં રૂ. પ૦ હજાર જેટલી મામુલી રકમની સહાય ખૂબ જ અપૂરતી છે.

કેન્દ્ર સરકારે એવી દલીલ રજૂ કરેલ કે, રૂ. ૪.૦૦ લાખની સહાય આપવાથી સરકાર પાસે કોવિડ-૧૯ની પરિસ્થિતિને પહોંચી વળવા પર્યાપ્ત મુડી રહેશે નહીં. અમોને એ બાબતે સમજાતું નથી કે, કેન્દ્ર સરકારે પેટ્રોલના ભાવોમાં કર વધારો કરી ઉઘરાવવાનું શરૂ કરેલ અને કોર્પોરેટને કર રાહતો આપી શકતી હોય ત્યારે નાગરિકોને આવી સહાય ચુકવવામાં સક્ષમતાનો કેવી રીતે ઈન્કાર કરી શકે ?

કેન્દ્ર સરકાર દ્વારા N.D.M.A. અંતર્ગત કોવિડ-૧૯ને આપત્ત્િ। તરીકે ઘોષિત કરતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ. ત્યારબાદ આપની સરકાર દ્વારા વાયરસનું સંક્રમણ અટકાવવા માટે નાગરિકો ઉપર કેટલાંય ધોરણો લાગુ કરવામાં આવ્યા અને કડક નિયંત્રણો લાદવામાં આવ્યા, લોકડાઉન લાગુ કરવામાં આવ્યું, માસ્ક પહેરવાની ચુક બદલ અને કોવિડ-૧૯ના પ્રોટોકોલના ભંગ બદલ લોકોને ભારે માત્રામાં દંડ ફટકારવામાં આવ્યો, પરંતુ સહાયના ધોરણો કે જે N.D.M.A. અંતર્ગત નિર્દિષ્ટ છે તે રૂ. ૪.૦૦ લાખની સહાય ચૂકવવાના ધોરણોની પૂર્તતા કરેલ નથી.

એક કલ્યાણ રાજય તરીકે આપણી નૈતિક જવાબદારી બની રહે છે કે, જરૂરિયાતના સમયે નાગરિકોની યોગ્ય દેખભાળ કરવામાં આવે. અમો માંગણી કરીએ છીએ કે, કેન્દ્રના ગૃહ મંત્રાલયના તા. ૧૪-૩-ર૦ર૦ના રોજ હુકમ નં. ૩૩-૪/૨૦૨૦-NDM-1થી પ્રસિદ્ઘ કરેલ જાહેરનામા મુજબ પ્રત્યેક મૃતક માટે રૂ. ૪.૦૦ લાખની સહાય ચૂકવવાની વચનબદ્ઘતાને કેન્દ્ર સરકાર વળગી રહે. કેન્દ્ર સરકારે જયારે મૃત્યુ સહાયની રકમ ઘટાડીને રૂ. પ૦ હજારનું જાહેરનામું બહાર પાડેલ છે ત્યારે આપત્તિના સમયે સરકાર દ્વારા અગાઉ રૂ. ૪.૦૦ લાખની સહાય ચૂકવવા માટે આપેલ વચન પાળવું અનિવાર્ય છે તેવી લાગણી અમો વ્યકત કરીએ છીએ.

S.D.R.F.ના ધોરણો મુજબ રૂ. ૪.૦૦ લાખના ૭પ% એટલે રૂ. ૩.૦૦ લાખની સહાય કેન્દ્ર સરકાર દ્વારા અને બાકી રહેતા રપ્રુ એટલે રૂ. ૧.૦૦ લાખની સહાય રાજય સરકારના ભાગે રહે છે. અમો માંગણી કરીએ છીએ કે, આ હેતુ માટે રૂ. ૪.૦૦ લાખ મૃત્યુ સહાયના ધોરણો મુજબ રાજય સરકારના ફાળે આવતી જવાબદારી રાજય સરકાર નિભાવે, જેથી કેન્દ્ર સરકાર પર તેમની વચનબદ્ઘતા પાળવા દબાણ લાવી શકાય.

કોવિડ-૧૯થી થયેલ મૃત્યુ અંગેના મરણ નોંધણીના રજીસ્ટરને સુધારવામાં આવે એવી પણ અમો માંગણી કરીએ છીએ. કોરોના મહામારીની પહેલી અને બીજી લહેર દરમ્યાન સરકારની બેદરકારી અને બિનકાર્યક્ષમતાના કારણે કેટલાય લોકો મૃત્યુ પામ્યા હતા. કોવિડ-૧૯ના કારણે મૃતકોના આંકડાઓ છૂપાવવા માટે સરકાર દ્વારા મોટા પ્રમાણમાં વિવિધ પ્રયાસો થયેલ. કોવિડ-૧૯ના કારણે મૃત્યુ પામેલાઓનો વિગતવાર સર્વે કરાવવામાં આવે અને આધારભૂત અને વિશ્વસનીયતા ધરાવતું કોવિડ-૧૯ મૃત્યુ રજીસ્ટર તૈયાર કરવામાં આવે જેથી કરીને અપૂરતી નોંધણી કે નોંધણીમાંથી બાકાત રહી ગયેલ હોય તેવી વ્યકતિના પરિવારજનો પાત્રતા મુજબ વળતર મેળવી શકે તેવી માંગણી અમો કરીએ છીએ.

(1:02 pm IST)