Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

વિરનગરની હોસ્પિટલમાં કોરોનાનો એકપણ દર્દી નહીં : ભવિષ્યમાં મહામારી ન આવે તે માટે શાંતી યજ્ઞ યોજાયો

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૩૧ :  કોરોના મહામારીનું સંકટ ધીમે-ધીમે ઓછુ થવા લાગતા વિરનગરમાં શિવાનંદ મિશન દ્વારા સંચાલીત આંખની હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલ કોરોના વિભાગમાં ગઇકાલે એકપણ દર્દી ન હોવાથી તાલુકા પંચાયતનાં સદસ્ય શાંતુભાઇ ધાધલે શાંતિ યજ્ઞનું આયોજન કરી ભવિષ્યમાં આવી મહામારી ન આવે તે માટે પ્રાર્થના કરી હતી.

વિરનગર હોસ્પિટલમાં કોરોના વિભાગે રાજકોટ જિલ્લામાં સારી સારવાર અને દર્દીઓ માટેની સુંદર વ્યવસ્થા માટે નામના મેળવી હતી અને આ બધી વ્યવસ્થા માટે જેમણે દિવસ રાત એક કર્યા હતા તેવા વિરનગર તાલુકા પંચાયતના ભાજપના સભ્ય શાંતુભાઇ ધાધલ દ્વારા યોજવામાં આવેલા શાંતિ યજ્ઞમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઇ રામાણી, મનિષભાઇ ચાંગેલા, જીલ્લા ભાજપના આગેવાન મનોજભાઇ રાઠોડ, જિલ્લા પંચાયતનાં સભ્યના પ્રતિનિધિ પરેશભાઇ રાદડીયા, સરપંચ શિવાભાઇ વધાશિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

વિરનગરમાં કોવિડ હોસ્પિટલનાં પ્રારંભ ગત તા. ૧૯ એપ્રિલે થયો હતો. જેમાં અત્યાર સુધીમાં અંદાજે ર૩પ દર્દીઓને સારવાર લીધી છે. જેમાં ૧૧પ જેટલા ગંભીર દર્દીઓ પણ સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા હતાં.

આ કોવિડ સેન્ટરમાં જસદણ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ધવલ ગોસાઇ, મેડીકલ ઓફિસર ડો. હેતલબેન નકુમ, ડો. વિધીબેન વાઘેલા, ડો. સોનલબેન, ડો. શીતલ મેનિયા,  ડો. નિલેશ બાંભણીયા, ડો. અરવિંદભાઇ મેર, જે.વી. ડોડીયા, જયેશભાઇ સોલંકી, રોનકભાઇ જમોડ, વિનેશભાઇ વૈષ્ણવ સહિત આરોગ્ય કર્મચારીઓએ સુંદર સેવા કરી હતી.

આ કોરોના સેન્ટરમાં દરેક દર્દીઓને પોતાના પરિવારજનો ગણી વિરનગરમાં જ તાલુકા પંચાયતનાં ભાજપના સભ્ય શાંતુાઇ ધાધલે દિવસ-રાત જોયા વગર અત્યંત સુંદર સેવા કરી હતી આ ઉપરાંત જીલ્લા પંચાયતના સભ્ય દક્ષાબેન રાદડીયાના પતિ અને વિરનગરનાં પૂર્વ સરપંચ પરેશભાઇ રાદડીયાએ પણ સેવા આપી હતી.

(12:01 pm IST)