Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

આરટીપીસીઆર અને સીટી સ્કેનના ભાવમાં સરકારે ઘટાડો કરવા અર્જુનભાઇ મોઢવાડીયાની માગણી

 

(પરેખ પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૧ :.. ગુજરાત સરકારે આરટીપીસીઆર ટેસ્ટ, સીટી સ્કેનના ભાવમાં ઘટાડો કરવા પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ માગણી કરી છે તેમણે વધુમાં જણાવેલ કે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની પ્રત્યેક દર્દીને મફત સારવાર મળવી જોઇએ.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવેલ કે ગુજરાતમાં ભાજપ સરકાર કોરોનાની બીજી લહેરની ગંભીરતાને સમજવામાં ગુજરાતની ભાજપ સરકાર થાપ ગાઇ હતી. પરિણામે ગુજરાતમાં હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સની લાઇનો, ઓકિસજનની અછત, રેમડેસિવીર ઇન્જેકશનની કાળા બજારીના દ્રશ્યો સર્જાયા હતાં. અર્જુનભાઇ એ ઉમેર્યુ હતું કે, કોરોના મહામારીના સમયમાં લોકોનું વધુમાંથી વધુ સચોટ ટેસ્ટીંગ અને ટ્રેકીંગ થઇ શકે તે માટે રાજસ્થાનની કોંગ્રેસ સરકારે આરટીપીસીઆર ટેસ્ટ ભાવ ઘટાડીને રૂ. ૩પ૦ કરી દીધા છે. જયારે ગુજરાતમાં ભાજપ સરકારે ઘરે આ ટેસ્ટનો રૂ. ૯૦૦ નકકી કર્યો છે. એટલે કે ગુજરાત આ ટેસ્ટ રાજસ્થાન કરતા રૂ. પપ૦ વધુ છે. જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને પરવડે તેમ નથી. એજ રીતે સીટી સ્કેનના ભાવમાં પણ મોટો તફાવત છે. રાજસ્થાનમાં કોંગ્રેસ રકારે સીટી સ્કેનનો ભાવ રૂ. ૧૭૦૦ નકકી કર્યો છે. જેની સામે ગુજરાતમાં ભાજપની સરકારે સીટી સ્કેનનો ભાવ રૂ. ૩૦૦૦ નકકી કર્યો છે. એટલે કે ગુજરાતમાં સીટી સ્કેનના ભાવ રાજસ્થાન કરતા રૂ. ૧૩૦૦ વધુ છે. જે પણ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને પરવડે તેમ નથી.

શ્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ કોરોનાની સારવાર અંગે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે એક દિવસનો ચાર્જ લગભગ રૂ. ૧૪૦૦૦ નકકી કરેલ છ. જેમાં ડોકટર વિઝીટ ચાર્જ, નર્સ સેવા ચાર્જ, દવાઓનો ખર્ચ અલગથી લાગે છે. એટલે ૧૪ દિવસ કોરોનાની સારવારનો ખર્ચ રૂ. પ થી પ૦ લાખ સુધી પહોંચી જાય છે. જયારે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓને મફતમાં કોરોનાની સારવાર મળે તેવી વ્યવસ્થા કરેલી છે. જેના કારણે ગરબીમાં ગરીબ વ્યકિત પણ કોરોનાની સારામાં સારી સારવાર મેળવીને સ્વસ્થ્ય થઇ શકે છે. પરંતુ ગુજરાતમાં કોરોનાની ખાનગી હોસ્પિટલોમાં સારવાર પરવડે તેમ નથી. જયારે સરકારી હોસ્પિટલોમાં પુરતા બેડની વ્યવસ્થા નથી. હોસ્પિટલો બહાર નવા દર્દીઓ માટેનો એન્ટ્રીના બોર્ડ મારી દેવામાં આવે છે. જેના કારને અનેક દર્દીઓ સારવારના અભાવે રઝળવું પડે છે.

મ્યુકરમાઇકોસિસની બીમારી અંગે અર્જુનભાઇએ જણાવ્યું હતું કે, મ્યુકરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે. જેને લઇને રાજસ્થાન સરકારે જાતે તેની ગંભીરતા સમજીને મ્યુકરમાઇકોસિસને મહામારી જાહેર કરી છે. રાજસ્થાનમાં મ્યુકરમાઇકોસિસના માત્ર ર૦૦ કેસ નોંધાયાતા જ કોંગ્રેસ સરકારે આ નિર્ણય કરીને યુધ્ધના ધોરણે લોકોને મ્યુકરમાઇકોસિસની સારવાર મળે તે માટેની વ્યવસ્થા ગોઠવવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાતમાં માત્ર ચાર મોટા નગરોની જ વાત કરીએ તો અત્યાર સુધી મ્યુકરમાઇકોસિસના પ૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. તેમ છતાં ગુજરાતની ભાજપ સરકારે કેન્દ્રના આદેશ બાદ જાગી અને મ્યુકરમાઇકોસિસને મહામારી જાહેર કરી જે દર્શાવે છે કે, ગુજરાતની ભાજપ સરકાર લોકોના સ્વાસ્થ્યને લઇને કેટલી બેજવાબદાર છે.

(12:07 pm IST)