Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કચ્છનાં અંતિમ રાજવી નેક નામદાર મહારાઓશ્રી પ્રાગમલજી સાહેબ (ત્રીજા)ને હૃદયાંજલિ

ભુજઃ કચ્છના અંતિમ રાજવી નેક નામદાર મહારાઓશ્રી પ્રાગમલજી સાહેબ (ત્રીજા)ના દુઃખદ દેહાવસાનના સમાચાર જાણીને મેં તથા મારા સમસ્ત પરિવારજનોએ અત્યંત ઉડા દુઃખની લાગણી અનુભવી છે.

કચ્છનાં રાજવી પરિવાર સાથે મારો તથા મારા પરિવાર જનોનો અમારી ૧૦

પેઢીથી ખુબ જ નિકટનો નાતો રહયો છે.

મારા પુર્વજ શ્રી ભારમલજી રત્નૂ (મુળ રહેવાસી ઘડોઇ, જી. જોધપુર,રાજસ્થાન) સવંત ૧૭૧૦ (ઇ.સ. ૧૬૫૪) ના અરસામાં કચ્છ આવેલા અને ત્યારે માતા આશાપુરાની તેઓ પર અસીમ કૃપાથી કચ્છના તે વખતનાં રાજવી રાઓશ્રી તમાચીજીસમક્ષ એક દુહો બોલેલા.

'હરિ આગળ ઇક હાથ, કાં તુ આગળ માંડીશ તમાહવે, રાખે જો રઘુરાય, તો નર દુજો જાચીશ નહી.'

અને ત્યારથી રાઓશ્રી તમાચીજી દ્વારા શ્રી ભારમલજી ને અયાચી તરીકેનું બિરૂદ આપવામાં આવેલ અને તે રીતે તેઓશ્રીના અમો વારસો ત્યારથી અયાચી અટકથી ઓળખાઇએ છીએ.

આ ભારમલજીના વારસો, કચ્છમાં રાયધણપર તથા મોડવદર ગામ મઘ્યે સ્થાયી થયા છે, અને જેઓ પોતાને અયાચી તરીકે ઓળખાવે છે.

ભારમલજી રત્નૂએ ઉપરોકત જે દોહો કહયો હતો, તેનાં પ્રત્યુતરમાં રાઓશ્રી તમાચીજી એ પણ શ્રી ભારમલજી માટે એક દુહો કહયો હતો.

બ્યા કવિ કવેસરા બપડા પણ ભારમલ મુજો ભા,મું અયાચી થપેયાજે કે, મઝેં રાણા રા ...

રાઓશ્રી તમાચીજીએ, સ્થાપેલ અયાચી ચારણોનો ત્યારથી કચ્છના રાજવી પરિવાર સાથે એટલે કે આપણા કચછના અંતિમ રાજવી મહારાઓશ્રી પ્રાગમલજી સાહેબ (ત્રીજા) સુધી અત્યંત નજીકનો અને ગાઢ સબંધ રહયો છે.

શ્રી ભારમલજી રત્નૂની પેઢીમાં અતિ વિદ્વાન ચારણ શ્રીહમીરજી રત્નૂ થઇ ગયા, જેઓ મહારાઓશ્રી દેશલજી (પહેલા) બાવાના રાજકવિ હતા, તથા મહારાઓશ્રી લખપતજી બાવાના વિદ્યાગુરૂ હતા. આ હમીરજી રત્નૂ કચ્છ જિલ્લામાં આવેલ ભારત ભરની એક માત્ર કાવ્ય શાળા 'મહારાઓશ્રી લખપતજી વૃજ ભાષા પાઠશાળા ના' પ્રથમ આચાર્ય હતા. કે જે પાઠશાળાને મહારાઓ શ્રીલખપતજીના સમયથી લઇ કચ્છના અંતિમ રાજવી સુધી સ્વખર્ચે નિભાવેલ, જેમાં વિધાભ્યાસ કરી ગયેલા અનેક વિધાર્થીઓએ, ઘણા રાજયોમાં રાજકવિ તથા અન્ય ઘણા સન્માન પુર્વકનાં હોદાઓ ભોગવેલા.

આ પાઠશાળાના અંતિમ આચાર્ય અને કચ્છ સ્ટેટના રાજકવિ મારા પિતાશ્રી સ્વ. અયાચી શંભુદાન ઇશ્વરદાન રત્નૂ કચ્છના છેલ્લા ચાર રાજવીઓ એટલે કે મહારાઓશ્રી ખેંગારજી ત્રીજા, મહારાઓશ્રી વિજયરાજ્જી સાહેબ, મહારાઓશ્રી મદનસિંહજી સાહેબ, તથા અંતિમ મહારાઓશ્રી પ્રાગમલજી સાહેબ (ત્રીજા)ના અત્યંત નિકટના પરિચય અને સબંધમાં રહયા હતા. અને આ બધા રાજવીઓનો અતિ પ્યાર અને લાગણી મેળવવામાં માટે તેઓ સૌભાગ્યશાળી બન્યા હતા.હું પણ મારી જાતને ભાગ્યશાળી માનું છું કે, મને પણ મહારાઓશ્રી મદનસિંહજી સાહેબ તથા મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજાના અતિ નિકટનાં પરિચયમાં રહેવાનો મને મોકો મળયો હતો. અને મને તથા મારા પરિવાર જનોને તેઓની લાગણી અને પ્યાર મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે, જે માટે અમો સૌ અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ.

આવા અતિ માયાળુ, સંવેદનશીલ, વિનય અને વિવેકી, નમ્ર અને બાહોશ એવા કચ્છનાં અંતિમ રાજવી મહારાઓશ્રી પ્રાગમલજી (ત્રીજાના) દુઃખદ નિધનથી અમોને તથા સમસ્ત કચ્છ વાસીઓ ને મોટી ખોટ પડી છે. જે કદી પુરી શકાય તેમ નથી.

કચ્છના દેશ દેવી શ્રી આઇ આશાપુરાના ચરણોમાં નત મસ્તકે પ્રાર્થના કે અમારા ખુબ જ પ્યારા એવા લાડીલા બાવાશ્રી પ્રાગમલજી ત્રીજાના પવિત્ર આત્માને ચિર શાંતિ બક્ષો તેવી અમારા સૌ પરિવારજનોની હદયાંજલિ. તથા અમારા કચ્છના લોક લાડીલા મહારાણી સાહેબા શ્રી પ્રીતીદેવી સાહેબા તથા સર્વે પરિવારજનો, અને સ્નેહીજનો પર આવી પડેલ આ અપાર આફતનો સામનો કરવા સામર્થ્ય બક્ષે, તેવી આઇ આશાપુરાના ચરણોમાં પુનઃ પ્રાર્થના.

સંકલન

(પુષ્પદાન શંભુદાન ગઢવી)

પૂર્વ સાંસદ-ભુજ કચ્છ

મો.૯૯૨૫૪ ૩૪૬૭૭

(12:23 pm IST)