Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

જામનગરમાં કોરોનાની ત્રીજી લહેર માટે આગોતરી તૈયારી

સેવાભાવી યુવાનોએ ડોકટરો અને ટેકનોલોજી એકસપર્ટ સાથે મળીને અનોખી વ્યવસ્થા ઉભી કરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩૧: કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે જ જામનગરના સેવાભાવી યુવકોએ ડોકટર અને ટેકનોલોજીના તજજ્ઞો ની મદદથી અનોખી તૈયારીઓ કરી છે. સામાન્ય લોકો હવે મોબાઈલથી હાઈટેક થઈ રહ્યા છે. ત્યારે જ મોબાઈલના વોટ્સએપ મેસેન્જરમાં અનોખી ઓટો રિસ્પોન્ડર સિસ્ટમ થકી કોરોનાના સામાન્ય લક્ષણમાં લોકોને તબીબોનું જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે અનોખી વ્યવસ્થા ઉભી કરી છે.

જામનગરમાં ૫૦ થી ૬૦ સેવાભાવી યુવાનોએ કોરોના ની બીજી લહેરમાં ડોકટર અને પેરામેડીકલ સ્ટાફ સાથે જરૂરીયાતમંદોના ઘરે-ઘરે જઈને જરૂરી સારવાર આપી અનોખો સેવાયજ્ઞ પાર પાડયા બાદ કોરોના ની ત્રીજી લહેર માટે પણ તૈયારીઓ કરી લીધી છે. બીજી લહેર માં લોકોને પડતી તકલીફો અને ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિને ધ્યાને લઇ જામનગરની શ્રી સ્વયં શકિત પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ ના તરવરિયા સેવાભાવી યુવાનોએ જામનગરના ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ અને જાણીતા તબીબ ડો. પ્રશાંત તન્ના અને અન્ય સેવાભાવી ડોકટર સાથે મળી કોરોના ના લક્ષણો અને તેની કયા સ્ટેજ દરમ્યાન કેવી પરિસ્થિતિમાં તાત્કાલિક કેવી રીતે સારવાર આપવી તે માટે નું મનોમંથન કરી ટેકનોલોજીનો ઉપયોગ કરી તજજ્ઞો સાથે મળી ખાસ એક પાયલોટ પ્રોજેકટ તૈયાર કર્યો છે.

આ પાયલોટ પ્રોજેકટ જુદાજુદા બે સિસ્ટમ મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાંની એક સિસ્ટમ દર્દીઓને પોતાના મોબાઇલમાં જ સામાન્ય કોરોના ના લક્ષણો માં જરૂરી માર્ગદર્શન વોટ્સએપ મારફતે જ મળી રહે તેવી સુવિધા ઉપલબ્ધ કરવા માટેનું આયોજન કરાયું છે. આ વોટ્સએપ માં દર્દી ની સામાન્ય માહિતી આપવાની હોય છે ત્યારબાદ તેઓના શરીરમાં થતી અનુભૂતિ અંગે જણાવવાનું હોય છે જેના આધારે તજજ્ઞ ડોકટર ની સુચના અનુસાર માહિતી અને જરૂરી દવા આ અંગે માહિતગાર કરવામાં આવે છે અને તેનાથી દર્દીઓને ડોકટર સુધી આવવા જવાના સમયનો પણ બચાવ થાય છે. એટલે વોટ્સએપ માધ્યમથી કોરોનાની ત્રીજી લહેરમાં 'જયાં બીમાર, ત્યાં સારવાર' મળી રહે તે માટે અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે

જામનગર જિલ્લાના ૪૦૦થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખાસ સ્થાનિક વ્યવસ્થા ઊભી કરી આ સેવાભાવીઓ દ્વારા ટેકનોલોજીની મદદથી દૂરસ્થ દર્દી દેખરેખ-નિયંત્રણ એપશીટ પણ તૈયાર કરવામાં આવી છે.

કોરોના રોગની સારવાર માટે અને સંક્રમણ અટકાવવાં 'અળગાપણું' અતિ આવશ્યક છે. જેથી દર્દી , સગાં અને ડોકટર ત્રણેય અલગ રહી સુશિસ્તબદ્ઘ સમન્વય કરી વૈજ્ઞાનિક સારવાર થી ઈલાજ કરી શકે છે. એવું આયોજન કરવામાં આવ્યું છે. દર્દીની પરિસ્થિતિનું દૂર રહીને પણ સતત આંકલન કરવાં ઇન્ટરનેટ આધારિત સ્માર્ટફોન નાં ઉપયોગથી આ કાર્ય સહેલાયથી સાકાર કરી શકાય છે.તે માટે જામનગરનાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનાં પ્રમુખ ડો પ્રશાંત તન્ના, મેતા ટેકનોલોજીનાં ધીરેનભાઈ અને આશિત ભાઈ તેમજ તેમની it તેમના તજજ્ઞો તેમજ સ્વયં શકિત પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના હરદીપસિંહ અને તેમની સેવાભાવી ટીમના લોકોએ સાથે મળી આ કાર્યને સાકાર કરેલ છે. જેમાં એક 'એપ શીટ' પ્રણાલી વિકસાવી છે જે કોઈ પણ 'એન્ડ્રોઇડ ફોન પર રાખી અને દર્દી પોતાની સ્વાસ્થ્ય અનુલક્ષીય - ઓકિસજન, હૃદયના ધબકારાંની નોંધ ફોન પર જ નોંધી શકે છે જે ડોકટર વાસ્તવિક સમયમાં તાત્કાલિક જોઈ શકે છે.

કોરોના માં સૌથી વધુ ઓકિસજન લેવલ દ્યટવાના પ્રશ્નો ઉદભવતા હોય છે તેવા સમયે ઓકિસજન એટલે કે પ્રાણવાયું દ્યટવાનાં જટિલ પરિસ્થિતિમાં દર્દીને તાત્કાલિક લેવાં માટેનાં જરૂરી સૂચનો પણ તાત્કાલિક સિસ્ટમ દ્વારા સરળ રીતે મળી જાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. જેથી તાત્કાલિક સુધાર સારવાર થઇ જાય અને દર્દીનાં સગાને અને ડોકટરને તેની જાણ થાય તો ગભરાહટ ઘટી શકે અને યોગ્ય સમયે જરૂરી સારવાર વધારી ગંભીરતાં ઘટાડી પણ શકાય તે પ્રકારનું આયોજન કરાયું છે સાથે સાથે દર્દીનાં લોહીની તાપસ અને તેનાં રિપોર્ટની પણ નોંધ રાખી એકજ હાથ વગા મોબાઇલમાં ટેકનોલોજીની મદદથી વધું સારી રીતે સમસ્ત પરિસ્થિતિનો તાગ મેળવી ચોક્કસ સારવાર નિર્ણય લેવાં ખુબ મદદરૂપ થાય તેવી સિસ્ટમ બનાવી કોરોના ની ત્રીજી લહેર પૂર્વે જ ટેકનોલોજીનો ઉપયોગ કરી આગોતરી તૈયારીઓ કરી લીધી છે.(તસ્વીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

(1:20 pm IST)