Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સાવરકુંડલાઃ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં હજુ સુધી કેશ ડોલ્સ નથી ચુકવાઇઃ વિરજીભાઇ ઠુંમર

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૩૧ : પુર્વ સાંસદ અને લાઠીના ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે કે, સમગ્ર દેશને ભગવાન ભરોસે મુકી પશ્ચિમ બંગાળની ચુંટણી જીતવાના ઉન્માદમાં સમગ્ર દેશમાં નોવેલ કોરોના વાયરસની મહામારીએ ભરડો લઇ લીધો અને દેશના લાખ્ખો લોકોએ જીવ ગુમાવવા પડયા તેની નિષ્ઠાપુર્વક જવાબદારી સ્વીકારવાના બદલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી સત્તાના માધ્યમથી પોતાની રહી સહી ઇમેજ બચાવવાની મથામણ કરી રહ્યા છે.

પરંતુ મને જણાવતાં અત્યંત દુઃખ થાય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ રાજયને એક  હજાર કરોડ રૂપિયાની સહાય આપવાની માત્ર હેડલાઇન બનાવવા પુરતી જાહેરાત કરી હોય તેમ રાજય સરકાર દ્વારા આજદિન સુધી વાવાઝોડાગ્રસ્ત અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ-ઉના-ગીર સોમનાથ અને ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં વાવાઝોડાથી અસર પામેલા મોટાભાગના લોકોને કેશડોલ્સ ચુકવવામાં આવી નથી.

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવી ગયા પરંતુ તેમણે જોવુ જોઇતુ હતુ કે મોંઘવારીથી પિડાઇ રહેલા લોકોને રાજય સરકાર તરફથી કોઇ સહાય મળેલ છે કે કેમ ? પરંતુ મને લાગે છે કે આ બાબતમાં તેઓ નિષ્ફળ નિવડયા છે ? અને હજુ સુધી લોકોને મળવાપાત્ર સહાય મળતી નથી એ હકીકત છે.

(1:29 pm IST)