Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

આજે ૩૧મી મે 'વિશ્વ તમાકુ નિષેધ દિન' : કોરોના કાળમાં ધૂમ્રપાન કરનારાઓ ઉપર ખતરો વધી જાય છે

'વિશ્વ તમાકુ નિષેધ દિન' નિમિત્તે અદાણી મેડી. કોલેજના પ્રાધ્યા.એ તમાકુ છોડવાનું પ્રણ લેવા કહ્યું : ભારતમાં પોર્ટુગલી તમાકુ લાવ્યા : અંગ્રેજોએ વ્યાપારિકરણ કર્યું : આજે દેશમાં ૧૨ કરોડ લોકો ધૂમ્રપાન કરે છે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૧ : વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા દર વર્ષે ૩૧મી મે ના રોજ 'નો ટોબેકો ડે' તમાકુ નિષેધ ધ્વિસની ઉજવણી કરવામાં આવે છે. તમાકુ અનેક રોગોનું કારણ છે, જેમાં કેન્સર અને હૃદયરોગ જેવા અનેક રાક્ષસી રોગ છે. પરંતુ અત્યારે એકવીસમી સદીની વ્યાપક મહામારી કોરોના હોવા છતા હોંશભેર બીડી, સિગારેટ અને બજરરૂપે તમાકુનું સેવન કરતાં વ્યકિતઓમાં કોરોનાના સંક્રમણનો ખતરો વધી જાય છે. આ હકીકતને ધ્યાનમાં લઈ તમાકુ નિષેધ દિને ભુજ મેડિકલ કોલેજના કોમ્યુનિટી ડીસીઝ વિભાગના પ્રાધ્યાપકોએ તમાકુ સેવનથી દૂર રહેવા તાકીદ કરી છે.

અદાણી મેડિકલ કોલેજના કોમ્યુનિટી રોગ વિભાગના વડા અને પ્રોફે. ડો. ઋજુતા કાકડેએ કહ્યું કે, તમાકુ સીધું ફેફસાને અસર કરે છે. તો કોરોના પણ ફેફસાને સંક્રમણ કરે છે. ત્યારે ધૂમ્રપાન કરતી વ્યકિત ખુદને તથા તે અન્યને પણ ઝડપથી ચેપ કેલાવે છે. જેમ કે, તમાકુ ખાધા પછી વારવાર થૂંકવું, એવી જ રીતે બીડી સિગારેટ તથા અન્ય ધૂમ્રપાન કરતી વખતે હાથ મોઢાને અડકવું, ધુમ્રસેર છોડવી વિગેરેથી પણ ખતરો વધી જાય છે. તેઓ આજુબાજુના લોકોને પણ સંક્રમિત કરે છે.

એટલે ધૂમ્રપાનથી તો અવશ્ય બચવું જેથી, અત્યારે કોરોના અને ભવિષ્યમાં તમાકુથી થતાં રોગ સામે પણ રક્ષણ મળે. આ મહામારીમાં લોકો તમાકુ સેવન કરવાનું છોડી દેશે તો કોરોનાની આપત્ત્િ। તેમના માટે અવસર બની જશે.

અદાણી મેડિકલ કોલેજના એસો. પ્રોફે. શ્રેયસ મહેતાએ તમાકુનું ઉત્પાદન, વેચાણ, તેનાથી થતાં રોગો અને પ્રમાણ અંગે વિગતે વાત કરતાં કહ્યું કે, દેશમાં તમાકુ વ્યસનીઓની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. છેલ્લા ૬૦ વર્ષથી તેનું પ્રમાણ વધ્યું છે. દેશમાં અત્યારે ૧૨ કરોડથી વધુ લોકો ધૂમ્રપાન કરે છે. અને લગભગ દર વર્ષે ૧૦ લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. મહિલાઓની સરખામણીમાં પુરૂષ વધુ સેવન કરે છે. તમાકુને કારણે અનેક જાતની બીમારી થાય છે. તે પૈકી ૪૦ પ્રકારના કેન્સરના છે. જેમાં મોઢું, ગળું, ફેફસા, પ્રોસ્ટેટ, પેટ અને બ્રેઇન કેન્સર છે.

જયારે કોઈ ધૂમ્રપાન કરે છે. ત્યારે, તેનો ૩૦ ટકા ધુમાડો ફેફસામાં જાય છે. ૭૦ ટકા આસપાસના વાતાવરણમાં હોય છે. જેનાથી પરિવાર, મિત્રો, પ્રભાવિત થાય છે. ૩૦ ટકા ધુમાડો ફેફસામાં જવાથી ઉધરસ, ટી.બી. બ્લડપ્રેશર, હાર્ટ એટેક, માઇગ્રેન, માથાનો દૂઃખાવો, જો મહિલાઓ ગર્ભવસ્થા દરમિયાન ધૂમ્રપાન કરે તો નવજાત શિશુ પર પણ અસર કરે છે. તમાકુ જયારે આટલી હદે નુકસાન કરે ત્યારે તેને તિલાંજલી આપવામાં જ ભલાઈ છે. ધૂમ્રપાન દરમિયાન તમાકુમાં રહેલા નિકોટિન તત્વથી ડોપામાઈન છૂટું થતું હોવાથી તમાકુ સેવન કરનારને તણાવ મુકિત જેવો ભ્રમ થતો હોય છે. જ સરવાળે નુકસાનકારક હોય છે.

અદાણી મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોના જણાવ્યા અનુસાર, આજથી ૪૦૦ વર્ષ પહેલા પોર્ટુગલો ભારતમાં તમાકુ લાવ્યા અને પછી અંગ્રેજોએ તેનું વ્યાપારીકરણ કર્યું અને હવે દેશને અજગરી ભરડો લીધો છે. અલબત, સમગ્ર વિશ્વમાં તમાકુનું ચલણ છે. પરંતુ, વિકાસશીલ દેશોમાં જાગૃતિ ઓછી છે. ત્યારે આ વર્ષે તમાકુ નિષેધ દિવસે (૩૧-મે)ના રોજ 'તમાકુ છોડવા અંગે શપથ' લઈ તેની નાગચૂડમાથી બહાર આવવા વિશ્વને સંદેશો આપ્યો છે.

(4:36 pm IST)