Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

જામનગરના બહુચર્ચીત હવાલાકાંડમાં ગુજસીટોકના ગુનામાં ૭ આરોપીઓએ રાજકોટની સ્પેશ્યલ કોર્ટમાં કરી જામીન અરજી

રાજકોટ :જામનગરના બહુચર્ચીત જુદા - જુદા આસામીઓ અને બિલ્ડરોની કરોડોની જમીન પચાવી પાડવા અંગે હવાલા લઈને પૈસા પડાવી લેવા બાબતે ગુજસીટોકના ગુનામાં રહેલા ૭ આરોપીઓએ રાજકોટની સ્પેશ્યલ કોર્ટમાં જામીન અરજી કરી છે. આ જામીન અરજીની સુનાવણી ચાલી રહ્યાનું જાણવા મળે છે અને સુનાવણી પૂરી થયા બાદ સ્પેશ્યલ જજ યુ.ટી. દેસાઈ દ્વારા ચુકાદા અપાનાર છે. ઉપરોકત સાતેય આરોપીઓ દ્વારા રાજકોટની સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટમાં અલગ અલગ ગ્રાઉન્ડ હેઠળ જુદા જુદા વકીલો મારફત જામીન અરજી કરાઈ છે. આ કેસમાં જેઓએ જામીન અરજી કરી છે તેમાં એડવોકેટ વસંતભાઈ માનસાતા, નિલેશ ટોલીયા (જૈન અગ્રણી), અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરી (કોર્પોરેટર), પ્રવિણ પરસોતમ ચોવટીયા (નવાનગર પ્રેસના સહસંચાલક), મુકેશ વલ્લભભાઈ અભંગી, વશરામ ગોવિંદભાઈ મિયાત્રા (નિવૃત પીએસઆઈ), પ્રફુલ પોપટનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે જામનગર પંથકની કિંમતી જમીનોની માહિતી મેળવી એડવોકેટ માનસાતા મારફત વર્તમાનપત્રોમાં જાહેર નોટીસ આપી ગુંડાઓ મારફત ચીમકી આપી ગેંગ બનાવી પૂર્વયોજીત કાવત્રાના ભાગરૃપે કરોડોની જમીન પચાવી પાડવા અંગે જામનગર પોલીસમાં ગુજસીટોક અન્વયેનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં સરકાર પક્ષે સ્પેશ્યલ પી.પી. અજયભાઇ વોરા રોકાયા હતા.

(6:15 pm IST)