Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ધોળાવીરા ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે : વાસણભાઇ આહિર

રાજ્ય સરકારે ગત વર્ષે ધોળાવીરાના વિકાસ માટે ૫૦૦ કરોડ મંજુર કર્યાઃ સમાજનું ઋણ ચુકવવા સરકાર સાથે અમે તત્પર : પ્રવાસન રાજ્યમંત્રી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૧ : આપત્તિને અવસરમાં ફેરવવાની આવડત કચ્છીમાં છે એમ વડાપ્રધાનશ્રી પોતાના મોટાભાગના પ્રવચનમાં કહેતા હોય છે એ કચ્છની ખમીરવંતી પ્રજાની ખુમારી છે. સમાજનું ઋણ ચુકવવાનો અવસર હોય ત્યારે સરકાર સાથે અમે સૌ ખડેપગે છીએ એમ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું.

અંજારની કેકેએમએસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પોતાના ૬૫માં જન્મદિન પ્રસંગે વૃક્ષારોપણ કર્યા બાદ ટાઉનહોલ ખાતે ૭૬ ગંગાસ્વરૂપ વિધવા બહેનોને વિધવા સહાયના હુકમોનું વિતરણ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ૬૭ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ કીટનું વિતરણ તેમજ વિવિધ સંસ્થા, સંગઠનો અને વ્યકિતઓને કોરોના વોરિયર્સના પ્રમાણપત્રોનું વિતરણ રાજયમંત્રીશ્રીએ કર્યુ હતું.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આ તકે ખડીર વિસ્તારના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું તેનો આનંદ વ્યકત કર્યો હતો. પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીના કચ્છ પ્રેમને વિગતે જણાવતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'કચ્છમાં વિકાસના દ્વાર ખુલ્યા છે. ધોળાવીરાને હેરિટેજમાં સ્થાન મળતા રોજગારીની વિપુલ તકો ઉભી થઇ છે. ગત વર્ષે રૂ.૫૦૦ કરોડ ધોળાવીરાના વિકાસ માટે રાજય સરકારે મંજુર કર્યા છે. પ્રવાસીઓ હવે હડપ્પન સંસ્કૃતિથી વધુ પરિચિત થશે. ધોળાવીરા ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટ આકાર પામશે. જેનાથી પણ વિકાસની વિપુલ તકો ઉભી થશે એમ રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું.'

રાજયમંત્રીશ્રીએ આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની કચ્છ પ્રવાસ વિશે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા. પોતાના જન્મદિને તેમણે કાળિયા ઠાકર સાથે પ્રજાનો પ્રેમ અને સંતોના આર્શીવાદ મળશે એવી અપેક્ષા વ્યકત કરી હતી.

જમીન વિકાસ ખેતી બેંકના નિયામકશ્રી અનિરૂધ્ધ દવેએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે કેન્દ્ર અને રાજય સરકારે સતત સૌની ચિંતા કરી પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા સૌને આપ્યો છે. પ્રજા માટે રસીકરણ મહાઅભિયાનએ સરકારની દુરદર્શીતા પ્રજાલક્ષી છે.

પ્રધાનમંત્રી અન્ન વિતરણ યોજનાના જિલ્લા ઈન્ચાર્જ રમેશભાઇ મહેશ્વરીએ આ તકે જણાવ્યું હતું કે, આગામી નવેમ્બર ૨૦૨૧ સુધી જિલ્લાના પાત્રતા ધરાવતા ૧૨ લાખ ૬૦ હજાર ગરીબ લાભાર્થીઓને પ્રધાનમંત્રી અન્ન વિતરણ હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે.

મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજે આ તકે વિશ્વમાંથી કોરોના મહામારી નાશ પામે તેમજ સૌ સ્વસ્થ રહે તે પ્રાર્થના સાથે રાજયમંત્રીશ્રીને સરકારમાં રહી લોકપયોગી કાર્ય કરતા તેમના વિકાસને વધતા રહેવા આર્શીવચન પાઠવ્યા હતા.

કોરોના ગાઈડલાઇનના પાલન સાથે ઉપસ્થિત લાભાર્થીઓ અને સન્માનિતો સાથે આ કાર્યક્રમમાં સર્વશ્રી કિર્તીદાસજી મહારાજ, અગ્રણી ત્રિકમભાઇ આહિર, ગોપાલભાઇ માતા, શંભુભાઇ આહિર, મ્યાજરભાઇ છાંગા, વસંતભાઇ કોડરાણી, ડેની શાહ, પરમા પટેલ, સંજય દાવડા, સુરેશ ટાંક, ભાવનાબેન રૂપારેલ, રાજુભાઇ આહિર, જયશ્રીબેન મહેતા, રાણીબેન મારૂ, શંભુભાઇ હુંબલ, ગોવિંદભાઇ કોઠારી, બળદેવપુરી ગોસ્વામી, વિજયભાઇ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી એ.જે.બારોટ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ત્રિવેદી, મામલતદારશ્રી મંડોરી, નગરપાલિકા પ્રમુખશ્રી લીલાવંતીબેન પ્રજાપતિ, ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા, નગરપાલિકા ચીફ ઓફિસર જીગર પટેલ, વિવિધ સંગઠનો સંસ્થાઓના પદાધિકારીઓ તેમજ સબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ નગરજનો સાથે ઉપસ્થિત રહયા હતા.

(10:11 am IST)