Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

કેશોદના ખીરસરા ગામે ૧.૫ લાખ લીટર પાણીની ક્ષમતાવાળી ઓવરહેડ ટેંક જમીનદોસ્ત : કોઈ જાનહાની નર્હીં

(સંજય દેવાણી, કમલેશ જોશી દ્વારા) કેશોદ,તા.૩૧ : તાલુકાના ખીરસરા ગામે ચાલીસ વર્ષ જુનો જજૅરિત હાલતમાં રહેલ  ઓવરહેડ પાણીનો ટાંકો જર્જરિત હાલતમા પતાના મહેલની જેમ એકાએક જોરદાર અવાજ સાથે  જમીનદોસ્ત થતા લોકો ભય સાથે ધરની બહાર દોડી ગયા હતા.

    આ જર્જરિત વોટર ઓવરહેડ ટેંક અંગે ગામવાસીઓએ અધિકારીઓ અને પદાધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામા આવતી નહોતી. ત્યારે ગઈકાલે બપોરે આ ઓવરહેડ ટેંક  પતાના બંગલાની જેમ કકડભૂસ થઈ ધરાશય થતા ઠેરઠેર પાણીની નદી વહેવા લાગી હતી.  ઓવરહેડ ટાંકી તુટી પડતાં સદનશીબે કોઈ  જાનહાનિ થયેલ નથી. પરંતુ બાજુમાં આવેલી દુધની ડેરીમાં નુકશાન થયેલ તથા બાજુનાં ગોડાઉનમાં રાખેલાં ચણાનાં કટ્ટા પલળી ગયા હતા. આ ઉપરાંત એક રીક્ષા ત્થા બાઈકને પણ નુકસાન થયેલછે.

 ખીરસરા ગામે ઓવરહેડ પાણીનો ટાંકો તુટ્યા નાં સમાચાર મળતાં વહીવટી તંત્ર સ્થળ પર પહોંચી ગયેલ હતુ. સદનસીબે બપોરે ઘટના બનતાં દુધની ડેરી એ પશુપાલકોની હાજરી નહિવત્ હતી. દોઢ લાખ લીટર પાણી ની ક્ષમતા ધરાવતો આ ઓવરહેડ ટાંકો તુટતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને ઠેર-ઠેર પાણી પાણી થઈ ગયુ હતુ.

(11:42 am IST)