Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

સૌરાષ્ટ્ર-ગુજરાત બાદ હવે દિલ્હીમાંથી પાક માં નાખવાની નકલી જંતુનાશક દવાનોં મોટો નકલી જથ્થો ઝડપાયો

ટ્રુ બડી કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડના પ્રદીપ શર્મા અને ટીમે પોલીસ સાથે રાખીને દરોડો પાડયો : મોટી સંખ્યામાં એક ટ્રકથી વધુ નકલી દવાનો જથ્થો ગોડાઉનમાંથી જપ્ત

( મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરતા.૩૧ : છેલ્લા કેટલાય સમયથી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નકલી કોરાઝોન સહિતની પાક માં નાખવાની મોંઘીદાટ જંતુનાશક દવાઓના જથ્થાઓ એગ્રો સેન્ટરોમાંથી ઝડપાઈ રહ્યા છે. તેવામાં શનિવારે દિલ્હીમાંથી પણ નકલી પાક માં નાખવાની જંતુનાશક દવાનો મોટો જથ્થો ઝડપાયો છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર બાદ દિલ્હીમાં પણ નકલી પાક માં નાખવાની દવાઓ ખૂબ સપ્લાય થતી હોવાના ઈનપુટ મળતાં જ દિલ્હીના સબ્જીમંડીમાં આવેલ બજાજ ઓટો હેડ એન્ડ ટર્બો સેન્ટર નજીક આવેલા ગોડાઉનમાં એક ટ્રકથી વધુ નકલી પાક.માં છાંટવાની જંતુનાશક દવાઓ અને ખેતીવાડી ને લગતા ઉપયોગમાં લેવાતા બિયારણો અને તેને આનુસંગિક ડુપ્લીકેટ દવાઓનો જથ્થો ઝડપાયો છે.

ગુજરાતમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓની એગ્રો કંપની માં દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે નકલી કોરાઝોન સહિતની જંતુનાશક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો અને મોટાભાગે આ જથ્થો ઓનલાઇન આવતું હોવાની વાત સામે આવી હતી. આ ઉપરાંત તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના ધામપુરમાં એક ટેમ્પોમાંથી FMC કંપનીનું ફ્લાટેરેરા, સીન્જેનટા કંપનીના વર્તાકો, બેયર કંપનીનું રિજન્ટ સહિતની 1000 કિલો નકલી પાકમાં છાંટવા માટે જંતુનાશક દવાઓનો જથ્થો ઝડપાયો હતો. જેના ડ્રાઇવરની પણ પૂછપરછ કરવામાં આવતા અનેક ઘટસ્ફોટ થયા હતા.

સૌથી વધુ પાકમાં છાંટવા માટે જંતુનાશક દવાઓ ખેડૂતો લેતા હોય છે અને તેને છેતરવા માટે સોટકટ અપનાવી માલામાલ બનનાર કેટલાક લોકો ખેડૂતોને નકલી માલ પધરાવી તગડો નફો કરતા હોય છે. જેથી સમગ્ર દેશમાં ટ્રુ બડી કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ આ કંપનીના અધિકારીઓ સરપ્રાઈઝ દરોડા પાડી રહ્યા છે. તેવા સમયે દિલ્હીમાં પણ દરોડા પડ્યા છે જ્યાં ટ્રુ બડી કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડના પ્રદીપ શર્મા અને તેની ટીમે પોલીસ સાથે દરોડો પાડયો છે જ્યાં મોટી સંખ્યામાં એક ટ્રકથી વધુ નકલી દવાનો જથ્થો ગોડાઉનમાંથી ઝડપાયો છે અને અહીંથી જ ઓનલાઈન આ જથ્થો મોકલાતા હોવાની આશંકા પણ સેવાઇ રહી છે જેથી આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. (તસવીર: કિંજલ કારસરીયા જામનગર)

 

(3:58 pm IST)