Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

કચ્છમાં વધુ ૨૬ કેસ : સારવારમાં બેદરકારીના આક્ષેપ સાથે કોરોનાના લક્ષણ ધરાવતી યુવતીના મોત બાદ હોબાળો

ફાઇલ આપવાનો ઇન્કાર કરાતા ભુજમાં હિન્દુ યુવા સંગઠને રસ્તા રોકો આંદોલન કર્યું : બિન સત્તાવાર મૃત્યુઆંક ૬૮ જેટલો ઊંચો : કુલ દર્દીઓ ૧૨૯૧ : મુન્દ્રા, આદિપુરની હોસ્પિટલો દર્દીઓથી ફૂલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૧ : કચ્છમાં કોરોનાના કહેર વચ્ચે વામણું સાબિત થઈ રહેલું તંત્ર આંકડાઓની લુકાછુપીનો ખેલ રચે છે. દરમ્યાન ગઈકાલે કોરોનાના લક્ષણો ધરાવતી માંડવીની ૨૭ વર્ષીય યુવતીના મોત સંદર્ભે હોબાળો સર્જાયો હતો.

ભુજની કોવિડ હોસ્પિટલમાં સારવારમાં બેદરકારી દર્શવાઈ હોવાના આક્ષેપ સાથે મૃત્યુ પામનાર યુવતીના પરિવારજનોએ સારવારની ડિટેઇલ્સ ધરાવતી ફાઈલ માંગતા તે આપવાનો તંત્રએ ઈન્કાર કર્યો હતો. જેને પગલે હિન્દુ યુવા સંગઠને હોસ્પિટલની બહાર જ ભુજમાં રસ્તા રોકો આંદોલન છેડી ઉગ્ર આક્રોશ સાથે વિરોધ દર્શાવ્યો હતો.

દરમિયાન ગઈકાલે કચ્છમાં વધુ ૨૬ કેસ સાથે કુલ દર્દીઓનો આંકડો ૧૨૯૧ ઉપર પહોંચ્યો છે. જેમાં એકિટવ કેસ ૨૬૩ અને સાજા થયેલા દર્દીઓ ૯૬૦ છે. જોકે, તંત્ર દ્વારા દર્શાવાયેલા આ આકડાઓમાં કુલ દર્દીઓની સંખ્યામાંથી એકિટવ કેસ અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા બાદ કરીએ તો ૬૮ દર્દીઓના મોત નિપજયાની દહેશત છે. તંત્ર મૃત્યુ આંક છુપાવે છે.

પણ, વાસ્તવિકતા એ છે કે, કચ્છમાં કોરોનાના ઉપાડાને પગલે મુન્દ્રા તેમજ ગાંધીધામની હોસ્પિટલમાં જગ્યા નથી. ભુજની હોસ્પિટલમાં પણ દર્દીઓ વધી રહ્યા છે.

(10:55 am IST)